બુધવારે સાંજે અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટના બાદ ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો પરંતુ રાતના સુમારે જીઆઇડીસીને અડીને આવેલા સંજાલી ગામના લોકોને ગેસની અસર વર્તતા ભયનો માહોલ સર્જાયો હતો. ગામલોકોએ સકંટ સ્થળ તરફ દોટ મૂકી હતી.
આ પણ વાંચો : પાલનપુર: ભાભર હાઇવે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત : બે ઘાયલ
અચાનક મચેલી નાસભાગના કારણે તંત્ર પણ એલર્ટ થયું હતું. અધિક જિલ્લા કલેકટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવી 1500 જેટલા લોકોને ખરોડ પ્રાથમિક શાળામાં ખસેડ્યા હતા. ગેસની તપાસ દરમ્યાન કોઈ ઝેરી તત્વો ન મળવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચ જિલ્લાની 108 એમ્યુલન્સની 8 ટીમ ગામમાં રવાના કરવામાં આવી હતી. ગ્રામજનોએ આંખમાં બળતરા અને ગભરામનની ફરિયાદ કરી હતી.
ગામ નજીકના આરોગ્ય કેન્દ્ર અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દિઓનેખસેડવાની જરૂર પડે તો તંત્રમાં દોડધામ ન મચે તે માટે બેડ સ્ટેન્ડબાય રખાયા હતા. સદનશીબે કોઈ વ્યક્તિની હાલત એ હદે બગડી ન હતી કે તેમને હોસ્પિટલમાં સારવાર આપવી પડે. લોકોમાં ગેસની અસરના પગલે એ હદે ભય ફેલાયો હતો કે મોટી સંખ્યામાં ટોળા નેશનલ હાઇવે તરફ દોડતા નજરે પડયા હતા. આગ લાગ્યા બાદ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી.
સાંજના સુમારે અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં પ્લાન્ટમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી હતી. કંપની સત્તાધીશોએ તાત્કાલિક તમામ કર્મચારીઓ અને કામદારોને પ્લાન્ટની બહાર ખસેડી આગ ઉપર કાબુ મેળવવા પાનોલી અને અંકલેશ્વર નોટિફાઇડ એરિયા ઓથોરિટીના 10 થી વધુ ફાયર ટેન્ડરો આવી પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવાયો હતો. આ ઘટના બાદ રાતે ગેસની અસર નજીકના ગ્રામજનોએ અનુભવી હતી.