નેપાળના પર્યટક શહેર પોખરાથી ઉડાન ભર્યાને થોડી જ મિનિટમાં હિમાલયના પર્વતીય વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલું તારા એરના વિમાનનો કાટમાળ મળી આવ્યો છે. નેપાળની સેનાએ મસ્ટેંગમાં થાસાંગ-2ના સાનોસવેયરમાં તારા એરનું દુર્ઘટનાગ્રસ્ત વિમાન શોધી લીધું છે. આ પહેલા ખરાબ હવામાનને કારણે અને વાદળછાયા વાતાવરણને કારણે વિમાનની ભાળ મેળવવી મુશ્કેલ બની ગઈ હતી. આ વિમાને રાજધાની કાઠમાંડૂથી 200 કિલોમીટર પૂર્વમાં સ્થિત પોખરાથી સવારે સવા દસ વાગ્યે ઉડાન ભરી હતી.
ચાર ભારતીય નાગરિક પણ સવાર હતા
બચાવદળની સાથે સૈનિક અને હેલિકોપ્ટર સંભવિત ઘટનાસ્થળની ભાળ મેળવવામાં મદદે હતા. વિમાનને પશ્ચિમ પર્વતીય વિસ્તારમાં જોમસોમ એરપોર્ટ પર ઉતરવાનું હતું પરંતુ પોખરા-જોમસોમ હવાઈ માર્ગ પર ઘોરેપાનીની ઉપર આકાશમાં વિમાનના ટાવરથી સંપર્ક તૂટી ગયો. તારા એરના ટ્વિટ ઓટ્ટર 9 એન-આઈટી વિમાનમાં ચાર ભારતીય નાગરિક, બે જર્મન નાગરિક અને 13 નેપાળી યાત્રિકો ઉપરાંત ચાલક દળના ત્રણ નેપાળી સભ્યો સવાર હતા. કેનેડા દ્વારા નિર્મિત વિમાન પોખરાથી મધ્ય નેપાળ સ્થિત જાણીત પર્યટક શહેર જોમસોમ જઈ રહ્યું હતું. બંને શહેર વચ્ચે વિમાન યાત્રામાં સામાન્ય રીતે 20-25 મિનિટ લાગે છે.
વિમાની કંપનીએ યાત્રિકોની એક યાદી જાહેર કરી હતી, જેમાં ભારતીયની ઓળખ અશોકકુમાર ત્રિપાઠી, તેમના પત્ની વૈભવી બાંડેકર (ત્રિપાઠી) અને તેમના બાળકો ધનુષ ત્રિપાઠી અને ઋતિકા ત્રિપાઠી તરીકે થઈ છે. આ પરિવાર હાલ મુંબઈ નજીક થાણેમાં રહેતો હતો. પોખરા એરપોર્ટના સૂચના અધિકારી દેવરાજે જણાવ્યું હતું કે ચાલક દળના સભ્યોનું નેતૃત્વ કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમિરે કરી રહ્યાં હતા. ઉત્સવ પોખરેલ સહ ચાલક અને કિસમી થાપા વિમાન પરિચાલિકા તરીકે વિમાનના ચાલક દળમાં સામેલ હતી.
2016માં આ એરલાઈનનું વિમાન જ ક્રેશ થયું હતું
વર્ષ 2016માં આ એરલાઈન કંપનીનું જ એક વિમાન ઉડાન ભર્યા બાદ આ માર્ગ પર જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં સવાર તમામ 23 લોકોના મોત થયા હતા. માર્ચ 2018માં યુએસ-બાંગ્લા એરનું વિમાન ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેમાં સવાર 51 લોકોના મોત થયા હતા. સીતા એરનું એક વિમાન સપ્ટેમ્બર 2012માં ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 19 લોકના મોત નિપજ્યા હતા. પોખરાથી જોમસોમ જઈ રહેલા એક વિમાન 14 મે, 2012નાં રોજ જોમસોમ એરપોર્ટ નજીક દુર્ઘનટાગ્રસ્ત થયું હતું, જેમાં 15 લોકોના મોત નિપજ્યા હતા.