પાલનપુર : દાંતીવાડા ડેમમાં પક્ષીનો શિકાર કરવા મુદ્દે નોંધાઈ ફરિયાદ
- માછીમારીના ઠેકેદારના મેનેજર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા દાંતીવાડા ડેમમાં માછીમારી કરવાની સાથે સાથે પક્ષીઓનો પણ શિકાર કરાતો હોવાનો વિડિયો બે દિવસ અગાઉ જ વાયરલ થયો હતો. જેના પગલે વન વિભાગ હરકતમાં આવ્યું હતું. અને શિકાર કરનારા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. દાંતીવાડા ડેમમાં માછીમારી કરતા કરતા નિર્દોષ પક્ષીઓનો શિકાર કરીને મોતને ઘાટ ઉતારવાનો વિડીયો બે દિવસ અગાઉ વાયરલ થયો હતો. જેને લઈને જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી હતી.
જ્યારે વન વિભાગ પણ આ ઘટનાને લઈને હરકતમાં આવ્યું હતું. અને તંત્ર દ્વારા માછીમારી કરાવનાર ઠેકેદારના મેનેજર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જયારે શિકાર કરનારને ઝડપી લેવાની પણ કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, વિડિયો સપ્ટેમ્બર માસનો હોવાનું મનાય છે, અને દાંતીવાડા ડેમના દક્ષિણ વિસ્તારમાં આવેલા રામસિડા ગામ તરફનો છે. માછીમારી માટે ટેન્ડરધારક દ્વારા મજૂરીએ રાખવામાં આવતો વ્યક્તિ બિહારનો છે. જેને છૂટો કરી દેવામાં આવ્યો છે. પરંતુ તેની તપાસ ચાલુ છે. જ્યારે વાઇલ્ડ લાઇફ પ્રોટક્શન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. અને ઘટનામાં સંડોવાયેલાને ઝડપી લેવા અને કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો : પાલનપુર : જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ડીસા ખાતે કરાશે