છોટા ઉદેપુરના ક્સ્બા વિસ્તારમાં રવિવારે ફુડ પોઈઝનિંગ થતાં લગભગ 150થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ લગ્ન પ્રસંગે યોજાયેલા જમણવાર બાદ મહેમાનોને ખોરાકી ઝેરની અસર થતા તેમને સારવાર માટે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
છોટા ઉદેપુરના એક વિસ્તારની દીકરીના લગ્ન પ્રસંગે બપોરના સમયે જમણવાર રાખ્યો હતો, એકબાજુ વડોદરાથી જાન પણ આવી ગઈ હતી. બધાએ બપોરનું જમણવાર જમ્યા હતા. અને લગભગ સાંજના છ વાગ્યાના અરસામાં અચાનક લોકોને ઝાડા ઉલ્ટીની અસર શરૂ થતાં વારાફરતી છોટા ઉદેપુરની સિવિલ હોસ્પીટલમાં દોડી ગયા હતા.
રવિવારે હોવાને કારણે મોટાભાગનો હોસ્પિટલનો સ્ટાફ રજા પર હતો
ફુડ પોઈઝનિંગની અસર થતાં મોટી સંખ્યામાં લોકો છોટા ઉદેપુરની હોસ્પિટલ દોડી ગયા હતા. જો કે રવિવાર હોવાને કારણે હોસ્પિટલનો મોટાભાગનો સ્ટાફ રજા પર હતો. પરંતુ જોત જોતામાં દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઇ જતાં હાજર ડોક્ટર તેમજ અન્ય સ્ટાફ ઓછો પડ્યો હતો. જ્યારે બીજી બાજુ દર્દીઓની સંખ્યામાં સતત વધતી જતી હતી. જેને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરીને જિલ્લાની અન્ય હોસ્પિટલમાંથી ડોક્ટર તેમજ અન્ય સ્ટાફ મોકલવા માટે વિનંતી કરાઈ હતી.
દર્દીઓને સુવડાવવા માટે બેડ પણ ખુટી પડ્યા
હોસ્પિટલ સ્ટાફની સાથેસાથે દર્દીઓને સુવડાવવા માટેના બેડ પણ ખૂટી ગયા હતા, જેને લઈને દર્દીઓને જમીન પર સુવડાવીને સારવાર કરવાની ફરજ પડી હતી. આ લગ્ન પ્રસંગમાં વડોદરાથી જાનૈયાઓ આવ્યા હતા. તેઓને પણ ખોરાકી ઝેરની અસર થઈ હતી. જેઓ છોટા ઉદેપુરથી નીકળીને વડોદરા જવા નીકળી ગયા હતા.
અત્યારસુધીમાં 150થી વધુ દર્દીઓ હોસ્પિટલમાં
છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. યોગેશ પરમારના જણાવ્યા મુજબ 150થી વધુ કેસ છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં આવી ગયા છે, અને હજુ પણ દર્દીઓ આવતા હોવાનું જણાવી રહ્યા છે. જોકે હાલ મોટા ભાગના દર્દીઓની હાલત સ્થિર હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.