ડૉ. સોઢીની હકાલપટ્ટી બાદ GCMMFમાં આંતરિક ઓડિટ શરૂ થયુ છે. જેમાં CAની નિયુક્તિ થશે. તથા ઉત્તરાયણ બાદ અમૂલ ફેડરેશનમાં નવા ચેરમેનની ચૂંટણી છે. સરકારી નિરીક્ષણ અને અન્વેષણ સમિતિ સહકારી ક્ષેત્રે દૂધના વહીવટનું ઓડિટ કરશે. તેમજ ચેરમેનની રેસમાંથી શંકર ચૌધરી, જેઠા ભરવાડ આપોઆપ બહાર થઇ ગયા હોય તેવું લાગે છે. GCMMF ‘અમૂલ’ના MDપદેથી ડો.આર.એસ.સોઢીની હકાલપટ્ટી બાદ આંતરિક ઓડિટનો દોર શરૂ થયો છે. અમૂલમાં ચાલતા ગેરવહીવટ અને તેની ફરિયાદોને પગલે આગામી એકાદ સપ્તાહમાં રાજ્યનો સહકાર વિભાગ નાણાકિય વહીવટના ઓડિટ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ- CAની પણ નિયુક્તિ કરશે તેમ જાણવા મળ્યુ છે.
આ પણ વાંચો: અમદાવાદ: ઉત્તરાયણ આવતા પોળના લોકોને થઇ કમાણી, જાણો કઇ રીતે
ચેરમેનની રેસમાંથી શંકર ચૌધરી, જેઠા ભરવાડ આપોઆપ બહાર
અમૂલ ફેડરેશનના નવા ચેરમેન- વાઈસ ચેરમેનપદની રેસમાંથી બનાસ સંઘના શંકર ચૌધરી અને પંચમહાલ સંઘના જેઠા ભરવાડ આપોઆપ બહાર આવી ગયા છે. GCMMFના નવા પદાધિકારીઓની ચૂંટણી પૂર્વે આ બંને અનુક્રમે વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષપદે કાર્યરત થઈ ચૂક્યા છે.
ઉત્તરાયણ પછીના એકાદ સપ્તાહમાં બોર્ડના નવા પદાધિકારીઓની ચૂંટણી
તત્કાલિન MD ડો. સોઢી અને તેમની સાથે નિર્ણયમાં ભાગીદાર રહેલા તમામ અધિકારીઓ, સંચાલક મંડળની પણ ઉલટતપાસ થઈ શકે છે. GCMMFના વર્તમાન બોર્ડમાં ચેરમેન શામળભાઈ પટેલ અને વાઈસ ચેરમેન વાલમજીભાઈ હુંબલની મુદ્દત પૂર્ણતાને આરે છે. આથી, ઉત્તરાયણ પછીના એકાદ સપ્તાહમાં બોર્ડના નવા પદાધિકારીઓની ચૂંટણી માટે સહકાર રજિસ્ટ્રાર તારીખનું એલાન થઈ શકે છે.
GCMMFમાં ચાલેલા ગેરવહીવટની ફરિયાદો પરત્વે તપાસ શરૂ
મંગળવારે અમૂલ ફેડરેશનના આંતરિક ઓડિટરોએ ત્રણેક વર્ષના ઓડિટ અહેવાલોની પુનઃસમિક્ષા તેમજ ચાલુ નાણાકિય વર્ષે લેવાયેલા વહીવટી નિર્ણયોનું ઓડિટ શરૂ કર્યુ છે. MD સામે મળેલી ફરિયાદોને કારણે ચાલુ નાણાકિય વર્ષ પૂર્ણતાને આરે હોવા છતાંયે અમૂલ ફેડરેશનના નાણાકિય વહીવટના ઓડિટ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ- CAની નિયુક્તિ થઈ શકી નહોતી. હવે તમામ સંઘોના દુધના વહીવટનુ ઓડિટ અર્થાત નિરીક્ષણ અને અન્વેષણ સમિતિના વડા મુખ્ય કાર્યપાલક ઈજનેરની જગ્યાએ સિનિયર ઓફિસર નિયુક્ત કરીને GCMMFમાં ચાલેલા ગેરવહીવટની ફરિયાદો પરત્વે તપાસ શરૂ કરાશે.