ઉત્તર ગુજરાતગુજરાત

વ્યાજખોરોને ડામવા માટે સમય-મર્યાદામાં અસરકારક પગલાં લેવામાં આવશે: IG જે.આર.મોથલિયા

  • પાલનપુર ટાઉનહોલમાં યોજાયો લોકદરબાર કાર્યક્રમ

પાલનપુર : ગુજરાત નાણા ધીરનાર અધિનિયમ-2011 અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મહાનિર્દેશક સરહદી રેન્જ આઈ.જી જે.આર. મોથલિયાની ઉપસ્થિતિમાં પાલનપુર ટાઉનહોલ ખાતે લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જિલ્લામાં વધી રહેલી વ્યાજખોરીને ડામવા માટે આયોજીત લોક દરબારમાં વ્યાજખોરીનો ભોગ બનેલા લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, તેમજ વ્યાજખોરીની આ સામાજીક દૂષણરૂપી પ્રવૃતિને નાથવા માટે પોલીસને રજુઆત કરી હતી. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા યોગ્ય સુચનો કરી જે વ્યક્તિ જાહેરમાં પ્રશ્નો રજુ ના કરી શકે તેવા લોકો ખાનગીમાં પોલીસ સ્ટેશન જઈને પ્રશ્નો રજુ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

લોક દરબારના અધ્યક્ષ એવા પોલીસ મહાનિર્દેશક બોર્ડર રેન્જ કચ્છ ભુજનાઓ જે.આર.મોથલિયાએ જિલ્લાની જનતાને અપીલ કરતા જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીના દુષણને ડામવા માટે હાથ ધરાયેલા અભિયાનમાં આપ સૌના સાથ સહકારની જરૂર છે. આપના પ્રશ્નો જણાવો અમે નિશ્ચિત સમયમર્યાદામાં અસરકારક પગલાં લઈશું એમ જણાવી વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોની આપવીતી સાંભળી જિલ્લા પોલીસને તાત્કાલિક ધોરણે આવા તત્વો સામે કડક પગલાં લેવા આદેશ કર્યો હતો.

વ્યાજખોરો-humdekhengenews

વ્યાજખોરીના દુષણને ડામી દેવાશે

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ વ્યાજખોરીનો ભોગ બનેલા લોકોને 100 નંબર પર પોતાની રજુઆત કરવા તેમજ ગુડ મોર્નિંગ કે ગુડ નાઈટ જેવા મેસેજોની જેમ પોલીસને આ બાબતે આવા મેસેજ કરવા અપીલ કરી હતી. વધુમાં જિલ્લા પોલીસ વડાએ લોક દરબાર અંતર્ગત અમે લોકોની વચ્ચે જઈશુ અને તેઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશુ, લોક દરબાર અંતર્ગત લોકોને કાયદાકીય સલાહ આપવાથી લઈને તેઓને સરકારની વિવિધ યોજનાઓથી પણ વાકેફ કરવામાં આવશે એમ જણાવી વ્યાજખોરી એક સામાજીક દુષણ છે તેને ડામવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે, જનતા ફરિયાદ લઈને પોલીસ પાસે આવે છે પરંતુ આજે અમે ખુદ આપની પાસે આવ્યા છીએ. આપના પ્રશ્નો સાંભળવા માટે એમ જણાવી કોઈ પણ જાતની સમસ્યા હોય, તો તુરંત જ કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરવો જેથી પોલીસ આપની મદદ કરી શકે એમ જણાવ્યું હતું.

વ્યાજખોરો-humdekhengenews

વિવિઘ એસો.ના સભ્યો હાજર રહ્યા

લોક દરબાર કાર્યક્રમમાં પાલનપુર નગરપાલિકા પ્રમુખ સુશ્રી કિરણબેન રાવલ, હીરા બજાર એસોસિએશન, સોની બજાર એસોસિએશન, પત્રકાર એસોસિએશન, કેમિસ્ટ એન્ડ મેડિકલ એસોસિયેશન, જિલ્લા ઉધોગ કેન્દ્ર, બનાસ બેન્કના પ્રતિનિધિઓ, પ્રબુદ્ધ જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ચાઈનીઝ દોરીના 26 કેસ કરાયા

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને નાગરિકોને કરવામાં આવેલ અપીલનો એક વીડિયો મેસેજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લામાં ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય લોકોએ પણ બજારમાં ક્યાંય ચાઈનીઝ દોરી કે ચાઈનીઝ તુક્કલનું વેચાણ જોવા મળે તો 100 નંબર પર પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. અત્યાર સુધીમાં જિલ્લામાં આવા 26 થી વધારે કેસ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વિપુલ ચૌધરીએ અમૂલના પૂર્વ MD સોઢી વિશે કરી ચોંકાવનારી વાત

Back to top button