ગોરખનાથ મંદિરમાં 15 જાન્યુઆરીએ સંક્રાંતિઃ CM યોગી ચઢાવશે ખીચડીનો ભોગ
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ગોરખપુરમાં મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ મનાવાશે. 15 જાન્યુઆરીના પહેલા પ્રહરથી જ શ્રદ્ધાળુઓ બાબા ગોરખનાથને ખીચડી ચઢાવવાનો પ્રારંભ કરશે. આ વખતે ખીચડી ચઢાવવાનું શુભ મુહુર્ત 15 તારીખે સવારે ચાર વાગ્યાથી શરૂ થાય છે. ખીચડી ચઢાવનાર લોકોની સંખ્યા વધુ હોય છે, તેથી આ સિલસિલો મોડી રાત સુધી ચાલતો રહે છે.
CM યોગી આદિત્યનાથ ક્યારે ચઢાવે છે ખીચડી?
ગોરખનાથ મંદિરના મેનેજર દ્રારકા પ્રસાદ તિવારીએ જણાવ્યુ કે મુખ્યપ્રધાન જ્યારથી આ મંદિરમાં પ્રવાસ કરે છે ત્યારથી તેઓ ખીચડીનો પ્રસાદ ચઢાવે છે. એવું ક્યારેય થયુ નથી કે મુખ્યમંત્રી મકરસંક્રાંતિના દિવસે બાબા ગોરખનાથને ખીચડી ન ચઢાવી હોય. એવું પણ નથી કે સૌથી પહેલા મુખ્યમંત્રી જ ખીચડી ચઢાવે. શુભ મુહુર્તમાં કોઇ પણ આવીને ખીચડીનો પ્રસાદ ચઢાવી શકે છે. શ્રદ્ધાળુઓ પત્રમ પુષ્પમ ફલમ હેઠળ મંદિરમાં ભગવાનને ખીચડી ચઢાવે છે. તેમાં મુઠ્ઠીભર ચોખા સાથે ફળ-ફુલ, ગોળ અને મીઠાઇઓ ભગવાનને ચઢાવાય છે. ત્યારબાદ તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે.
આ વખતે 2000 સુરક્ષાકર્મી સુરક્ષામાં તહેનાત
મુખ્યમંત્રીના આદેશ બાદ ગોરખનાથ મંદિરના ખીચડી મેળામાં પોલીસ પ્રશાસન દ્વારા અભુતપુર્વ સુરક્ષા રહેશે. મકરસંક્રાંતિ પર ગોરખનાથ મંદિર અને મેળા પરિસરની સુરક્ષામાં 2000થી વધુ પોલીસના અધિકારીઓ અને જવાનો તહેનાત કરાશે. પોલીસ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરાશે. અહીં તહેનાત ત્રણ સીનિયર પોલીસ અધિકારી સુરક્ષાકર્મીઓનું નેતૃત્વ કરશે. અહીં લાખો શ્રદ્ધાળુઓ મકરસંક્રાંતિના દિવસે બાબા ગોરખનાથના દર્શન કરવા આવે છે અને ખીચડી ચઢાવે છે. આ સાથે ગોરખનાથ મંદિર પરિસરમાં એક મહિના સુધી ચાલનારા મેળાની શરૂઆત પણ થઇ જાય છે. નેપાળ સહિત વિવિધ રાજ્યોના લોકો આ મેળામાં આવે છે. એક મહિના સુધી ચાલનારા આ ખીચડી મેળામાં કોઇ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે સરકાર પણ એલર્ટ છે.