રાજ્યમાં સરકારી શાળાના શિક્ષક બનવા ઈચ્છતા યુવકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાસહાયકની ભરતી માટે ફાઈનલ મેરીટ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ પરિણામ જાહેર કર્યુ છે. જેમાં 2 હજાર 600 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ફાઈનલ મેરિટના આધારે રાઉન્ડ મુજબ ડોક્યુમેન્ટ ચકાસણીની કામગીરી હાથ ધરાશે. ડોક્યુમેન્ટ ચકાસણી બાદ વિદ્યાસહાયક ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવામાં આવશે.
વિધવા બહેનો માટે મેરીટમાં 5 ટકા લાભ આપવાની જાહેરાત
વિદ્યાસહાયકની ભરતી માટે ફાઇનલ મેરીટ યાદી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ જાહેર કરી છે. જેમાં 4 ઓકટોબર 2022ના રોજ વિદ્યાસહાયક ભરતીને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમા વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનો માટે મેરીટમાં 5 ટકા લાભ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે પ્રમાણે TET – 1 , TET – 2 પાસ વિધવા બહેનોને વિધાસહાયક ભરતીમાં વધારાના 5 ટકા ગુણ આપવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
ક્યારે થઈ હતી ભરતીની જાહેરાત
મહત્વનું છે કે, ગત 10 ઓક્ટોબર 2022માં 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં ધોરણ 1થી 5 માટે એક હજાર વિદ્યાસહાયકોની ભરતી થશે જ્યારે ધોરણ 6થી 8માં 1600 વિદ્યાસહાયકોની ભરતી કરશે તેવી માહિતી શિક્ષણ મંત્રીએ આપી હતી. આ ભરતીમાં જ ગણિત-વિજ્ઞાન માટે 750 અન્ય ભાષાના વિષયો માટે 250ની ભરતી જ્યારે સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યાસહાયકોની ભરતી થશે.