શતાબ્દી મહોત્સવ : નૈરોબીમાં બાપાએ 1999માં BAPS મંદિર બનાવી આફ્રિકામાં સત્સંગનું મુખ્ય મથક બનાવ્યું હતું
અમદાવાદ ખાતે હાલમાં ચાલી રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આજે બી.એ.પી.એસ. આફ્રિકા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય સંસ્કૃતિના દીપસ્તંભ સમાન BAPSનાં 25 કરતાં વધુ મંદિરો હાલમાં છે. વર્ષ 1955માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા આફ્રિકાના સૌપ્રથમ BAPS મંદિરની પ્રતિષ્ઠા મોમ્બાસા ખાતે થઈ હતી. ત્યારબાદ 1960માં કમ્પાલા, જીંજા અને ટોરોરો (યુગાન્ડા)માં મંદિરોની સ્થાપના થઈ હતી. આ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજે ઓગસ્ટ, 1999માં ભવ્ય મંદિર દ્વારા નૈરોબીને સત્સંગનું મુખ્ય મથક બનાવ્યું હતું.
નૈરોબીમાં 17 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ઉજવાયો શતાબ્દી મહોત્સવ
પ્રમુખસ્વામી મહારાજે પૂર્વ આફ્રિકાની ધરતી પર વિચરણ-વ્યક્તિગત મુલાકાતો, મંદિરો અને તહેવારો દ્વારા હિન્દુ ધર્મના વૈશ્વિક મૂલ્યોનું હજારો લોકોમાં સિંચન કરાવ્યું હતું. દરમિયાન પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી નિમિત્તે કેન્યાના નૈરોબીમાં 17 થી 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન નવ દિવસીય ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
બાપાએ વિદેશમાં બંધાવેલા મંદિરો
વર્ષ 1977માં, પ્રમુખસ્વામી મહારાજે દાર-એ-સલામ અને મ્વાન્ઝામાં (ટાન્ઝાનિયા) બે મંદિરોની સ્થાપના કરી હતી. 1991માં જોહાનિસબર્ગ (સાઉથ આફ્રિકા) અને કેન્યામાં એલ્ડોરેટમાં નવા મંદિરોની સ્થાપના કરવામાં આવી. એપ્રિલ, 2022માં સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં વિશાળ BAPS હિન્દુ મંદિરની શિલાન્યાસવિધિ સંપન્ન થઈ હતી. ઓકટોબર, 2022માં સાઉથ આફ્રિકામાં લેનેસિયામાં BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી હતી. 1985 માં કેન્યાના ‘લેન્ડ એન્ડ સેટલમેન્ટ મંત્રી’ જોસેફ મટુરિયા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે વ્યસન મુક્ત થયા હતા. તેમણે જાહેરસભામાં હજારોની મેદની સમક્ષ દારૂના વ્યસન-ત્યાગની પ્રતિજ્ઞા લીધી હતી.
આજની સભામાં કોણ હતા આમંત્રિત મહાનુભાવો
આજે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં પૂજ્ય મધુ પંડિત દાસજી, પ્રમુખ – ઈસ્કોન બેંગ્લોર, પૂજ્ય બોધિનાથ વેયલનસ્વામી, ગુરુ મહાસન્નિધનમ – કૌઆ અધીનમ, પૂજ્ય શ્રી સ્વામી યોગસ્વરૂપાનંદજી મહારાજ, પ્રમુખ – ડિવાઈન લાઈફ સોસાયટી, માન. જસ્ટિસ અલ્ફોન્સ ચિગામોય ઓવિની-ડોલો – યુગાન્ડાના મુખ્ય ન્યાયાધીશ, શ્રી જી. કિશન રેડ્ડી, પ્રવાસન, સંસ્કૃતિ, ઉત્તરીય ક્ષેત્રના વિકાસ મંત્રી – ભારત સરકાર, શ્રી તેજેન્દ્ર ખન્ના, દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર, જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ, શ્રી રાહુલ નારવેકર, અધ્યક્ષ – મહારાષ્ટ્ર વિધાનસભા, શ્રી બાબુલાલ મરાંડી, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, શ્રી સુધીર મુનગંટીવાર, વન-સાંસ્કૃતિક બાબતોના મંત્રી – મહારાષ્ટ્ર સરકાર, શ્રી મુકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના કૃષિ, ઉર્જા અને પ્રોકેમિકલ્સ મંત્રી, શ્રી જયંત શામજી છેડા, સ્થાપક, અધ્યક્ષ અને એમડી – પ્રિન્સ પાઇપ્સ એન્ડ ફિટિંગ્સ લિ., શ્રી રોહિતભાઈ જયરામભાઈ પટેલ, ચેરમેન – રોહિત પલ્પ પેપર એન્ડ મિલ્સ લિમિટેડ, ડૉ. ભુપિન્દર (સોનુ) શર્મા, લેખક, શિક્ષક, બિઝનેસ કાઉન્સેલર અને બિઝનેસ આંત્રપ્રિન્યોર, શ્રી અસિત મોદી, નીલા ફિલ્મ પ્રોડક્શનના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.