અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રૂપિયા 624 કરોડના ખર્ચે નિર્માણ થનારા અતિઆધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુર્હૂત કરતા સમગ્ર ગાંધીનગરના સંસદીય મતવિસ્તારને 2024 સુધીમાં દેશનું સૌથી વધુ વિકસિત અને રમતગમત સહિતની સર્વાંગી સુવિધાથી સમૃદ્ધ મતવિસ્તાર બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, તેમના સંસદીય મતવિસ્તારમાં આવતી આ નારણપુરાની જમીન વર્ષોથી એમને એમ પડી હતી. તે અંગે તેમણે PM મોદીને અહી રમત ગમતનું અદ્યતન સ્પોર્ટ્સ સંકુલ ઊભુ કરી યુવા ખેલાડીઓને તક આપવા કરેલી રજૂઆતનો પ્રધાનમંત્રીએ તાત્કાલિક પ્રતિભાવ આપીને રૂપિયા 600 કરોડ મંજૂર કર્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ રમત ગમત સંકુલ આવનારા 30 મહિનામાં સમય બદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે તેઓ જાતે તેની સમગ્ર કામગીરીનું મોનિટરીંગ કરશે અને પ્રધાનમંત્રીના હસ્તે આ સંકુલનું લોકાર્પણ કરાશે. સમગ્ર ગાંધીનગર મતવિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂપિયા 8676 કરોડના વિકાસ કામો પૂર્ણ થયા છે તેની વિગતો તેમણે આ અવસરે આપી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 3 વર્ષમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં રૂપિયા 8613 કરોડના વિકાસકાર્યો કરવામાં આવ્યા જેમાં ઘાટલોડીયા વિધાનસભા રૂપિયા 1984 કરોડ, નારણપુરા વિધાનસભામાં રૂપિયા 1303 કરોડ, વેજલપુર વિધાનસભામાં રૂપિયા 561 કરોડ, સાબરમતી વિધાનસભામાં રૂપિયા 634 કરોડ, સાણંદ વિધાનસભામાં રૂપિયા 800 કરોડ, ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં રૂપિયા 2800 કરોડ, કલોલ વિધાનસભામાં રૂપિયા 531 કરોડનો સમાવેશ થાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સના ખેલાડીઓ તથા પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ સુવિધા મળી શકે તે હેતુથી અમદાવાદ શહેરની મધ્યમમાં આ કોમ્પ્લેક્ષની જગ્યા પસંદગી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય કક્ષાની રમતો સાથે-સાથે પ્રાદેશિક રમત-ગમતોને પણ પ્રોત્સાહન મળી શકે તે મુજબ ડિઝાઇન કરવામાં આવેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને મુખ્ય 6 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં એક્વાટિક કોમ્પ્લેક્ષ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ, ફિટ ઇન્ડિયા ઝોન તેમજ આઉડ ડોર સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે. શાહે કહ્યું કે આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બાબતે ભારત સરકારના રમતગમત મંત્રાલયનો અને ખાસ કરીને મંત્રી અનુરાગ ઠાકુરનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમદાવાદને રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવવા વડાપ્રધાને અનેક પ્રયાસો કર્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. શાહે કહ્યું કે, ગુજરાત લશ્કર અને રમતગમતની બાબતમાં મેણા સાંભળતું આવ્યું હતું કે વેપારી લોકો અને દાળભાત ખાનારા લોકો છે, પણ આજે મોદી સાહેબના નેતૃત્વમાં અને માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશમાં રમતગમત ક્ષેત્રે ટોપ ટેનમાં આવી ગયું છે અને લશ્કરમાં પણ ગુજરાતની એક પણ જગ્યા ખાલી નથી. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થકી રમતવીરોને એક મંચ મળશે, સુવિધા મળશે તેના પરિણામે ગુજરાત સ્પોર્ટ્સમાં પણ નંબર વન બની જશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
नारणपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स निश्चित रूप से भारतीय खेल इतिहास में एक ऐतिहासिक पड़ाव है।
मुझे विश्वास है कि यहाँ से भविष्य में बहुत से राष्ट्रीय व अंतर्राष्ट्रीय स्तर के खिलाड़ी निकलेंगे जो विश्वभर में तिरंगे का मान बढ़ाएंगे साथ ही गुजरात व भारत खेल जगत में नए कीर्तिमान रचेगा। pic.twitter.com/34Si35ZRRz
— Amit Shah (@AmitShah) May 29, 2022
તેમણે વધુમાં કહ્યું કે, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત એક સુરક્ષિત, સમૃદ્ધ , શિક્ષિત અને ગૌરવશાળી દેશ બન્યો છે. આઠ વર્ષના નરેન્દ્રભાઈના શાસનમાં ભારત દુનિયાની દૃષ્ટિએ ખૂબ આગળ વધી ગયું છે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તેમજ તેની બાજુમાં નદીના તટમાં તૈયાર થઇ રહેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તેમજ આ નારણપુરાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર થઈ જશે એ પછી શહેરમાં બીજા ત્રણ સ્પોર્ટ્સ સંકુલો અમપણ નિર્માણ કરીને અમદાવાદને ઓલિમ્પિકની યજમાની કરવા સક્ષમ બનાવવાની અમારી નેમ છે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.