આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં પંજાબની તમામ 13 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી એકલા હાથે લડશે તેવી જાહેરાત ભાજપના પંજાબ પ્રદેશ અધ્યક્ષ અશ્વની શર્માએ કરી હતી. તેમણે શિરોમણી અકાલી દળ (એસએડી) સાથે જોડાણની વાતોને ફગાવી દીધી હતી. તેઓ રવિવારે મલોટમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ સતીશ અસીજાના રાજ્યાભિષેક સમારોહમાં પહોંચ્યા હતા જ્યાં શર્માએ કહ્યું હતું કે પાર્ટી એકલા હાથે લડશે અને જીતશે પણ.
અશ્વની શર્માએ એસએડી પર કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું ?
વધુમાં એસએડી પર કટાક્ષ કરતા અશ્વની શર્માએ કહ્યું કે એસએડી સાથેનું તેમનું જોડાણ પહેલા પણ રાજકીય નહોતું, તે પણ પંજાબમાં સ્થિતિ સુધારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું. પંજાબમાં ભાજપને એસએડીની જરૂર હતી તેવા સમયે એસએડી ભાજપથી ભાગી ગઈ હતી. આ કેવું રાજકીય ગઠબંધન છે, જેમાં પિતા મુખ્યમંત્રી અને પુત્ર નાયબ મુખ્યમંત્રી હતા. તેમણે કહ્યું કે માત્ર ભાજપ જ રાજ્યનું ભલું કરી શકે છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે શ્રી કરતારપુર સાહિબનો માર્ગ ખોલવાનું કામ કર્યું સાથે સાથે બ્લેક લિસ્ટમાં પડેલા બંદીવાન સિંહોની મુક્તિ માટે પણ યોગ્ય પગલાં લેવાયા છે. આ સાથે ભૂતકાળમાં વીર બાલ દિવસની પણ ઉજવણી કરવામાં આવી છે.
લોકોની આગામી આશા માત્ર ભાજપ પાસેથી જ
વધુમાં અશ્વની શર્માએ કહ્યું કે પંજાબમાં કાયદો અને વ્યવસ્થા નામની કોઈ વસ્તુ જ નથી. અહીં રોજેરોજ ખૂન, લૂંટફાટ થાય છે. લોકો અસલામતી અનુભવી રહ્યા છે. પંજાબની જનતાએ AAPને બહુમતીથી જીત અપાવી, પરંતુ જીત બાદ આ સરકાર કુંભકર્ણની જેમ સૂઈ રહી છે. હવે લોકોની આગામી આશા માત્ર ભાજપ પાસેથી જ છે કારણ કે લોકોએ SAD, કોંગ્રેસ અને AAPનો કાર્યકાળ જોઈ લીધો છે.