શતાબ્દી મહોત્સવમાં આજે ભારતની પહેલી ટુરિઝમ કોન્ફરન્સ યોજાઈ : ‘નોર્થ અમેરિકા દિન’ની પણ કરાઈ ઉજવણી
અમદાવાદને આંગણે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાય રહ્યો છે, તેને અંતર્ગત રોજ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતુ હોય છે. તેથી આજે પણ શતાબ્દી મહોત્સવમાં ‘નોર્થ અમેરિકા દિન’ અને ‘ટુરિઝમ કોનક્લેવ 2023’ની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને કેનેડામાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવતા BAPS નાં 114 મંદિરો આવેલાં છે. પ્રમુખસ્વામી મહારાજે પણ ઈ.સ. 1974માં ન્યૂયોર્કમાં પહેલાં BAPS સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા કરી હતી અને આજે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પે, પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ રૉબિન્સવિલ, ન્યૂજર્સીમાં વધુ એક ભારતીય સંસ્કૃતિનું ભવ્ય ‘સ્વામિનારાયણ અક્ષરધામ’ મહામંદિર તૈયાર થઈ રહ્યું છે , જેનું ભૂમિપૂજન વર્ષ 2014માં પ્રમુખસ્વામી મહારાજે કર્યું હતું.
આ પણ વાંચો : પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં આજે ઉજવાયો ‘ગુજરાત ગૌરવ દિન’ : જાણો આ દિવસની મહત્વતા
અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરોનો સૂર્યોદય
નોર્થ અમેરિકાની વાત કરવામાં આવે તો બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે વર્ષ 2004માં શિકાગો અને હ્યુસ્ટનમાં, વર્ષ 2007માં એટલાન્ટા અને ટોરન્ટોમાં, વર્ષ 2012માં લોસ એન્જેલસ અને વર્ષ 2014માં ન્યૂજર્સી ખાતે હિન્દુ મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ ઉપરાંત વર્ષ 2000 માં ન્યૂયોર્કમાં યુનોમાં યોજાયેલ મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટમાં પણ પ્રમુખસ્વામી મહારાજે વિશ્વધર્મ સંવાદિતાની હાકલ કરી હતી. આ પહેલાં યોગીજી મહારાજ શતાબ્દી ઉપક્રમે પણ ઈ.સ. 1991માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી અમેરિકામાં ન્યૂજર્સી ખાતે 11 લાખથી વધુ લોકોને ભારતીય સંસ્કૃતિનો અપૂર્વ સંદેશ આપતો ‘ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’ ઉજવવામાં આવ્યો હતો અને આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ ઉપક્રમે 2022-23માં નોર્થ અમેરિકામાં 10 જેટલી ‘યુનિટી ફોરમ’ દ્વારા 335 કરતાં વધુ મંદિરો અને ધાર્મિક સંસ્થાઓના 1000 કરતાં વધુ પ્રતિનિધિઓ સાથે BAPS ના સંતો દ્વારા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય વર્ષ 2022માં રૉબિન્સવિલ(ન્યૂજર્સી) અને ટોરોન્ટોમાં BAPS સ્વામિનારાયણ રિસર્ચ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. નોર્થ અમેરિકામાં અનેકવિધ સામાજિક સેવાકાર્યોમાં BAPS ચેરીટીઝ દ્વારા બહુમૂલ્ય પ્રદાન અપાઈ રહ્યું છે.
ભારતની પહેલી ટુરિઝમ કોન્ફરન્સ યોજાઈ, પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ ‘વેલ્યુઝ ઓન સ્પિરિચ્યુઅલ ટુરિઝમ’ વિષય પર વક્તવ્ય આપ્યું
આજના દિવસની શરુઆત ‘ટુરિઝમ કોનક્લેવ 2023′ ભારતની પહેલી ટુરિઝમ કોન્ફરન્સનું દ્વારા કરવામાં આવી હતું. જેમાં BAPS ના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ ‘વેલ્યુઝ ઓન સ્પિરિચ્યુઅલ ટુરિઝમ’ વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે,”આપણે એવા વર્કોહોલિક વિશ્વનું નિર્માણ કરી દીધું છે જેમાં વ્યક્તિનું મૂલ્યાંકન તેઓના વ્યાવસાયિક દાયિત્વના આધારે કરીએ છીએ. મનોરંજન ખાતર પણ લોકો કોઈક રસપ્રદ પ્રવૃત્તિમાં જોડાવા માંગતા હોય છે. ટુરિઝમ વિભાગની અહી મહત્વની ભૂમિકા છે, જેમાં લોકોને તેમના વેકેશન સમય દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવાનો વિકલ્પ મળી શકે. સ્થળ અને મનોરંજનની પ્રવૃત્તિની ફેરબદલ એટલે વેકેશન. જગ્યાઓ બદલાય છે પરંતુ વ્યક્તિ તેવી ને તેવી રહે છે. આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે શું આપણે પ્રસન્નતા અને આનંદ આપણી ભીતરથી જન્માવી શકીએ છે કે કેમ કે લોકો સામાન્ય રીતે બદલાની અપેક્ષા વગર કાર્ય કરતાં નથી. અહી 80,000 સ્વયંસેવકોએ કોઈ અપેક્ષા વગર આ ભવ્ય નગરના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે. પર્યટનમાં એવો પ્રયત્ન કરવો જોઈએ કે લોકોના જીવનમાં એક કાયમી પ્રભાવ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય. લોકોની જ્યારે નિ:સ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે ત્યારે લોકોનું જીવન બદલાઈ શકે છે. પ્રમુખસ્વામી મહારાજ નગર સ્વચ્છ અને શાંતિદાયક છે, જ્યાં લોકોના જીવન પરિવર્તન થાય છે. પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા 1200 મંદિરોમાં વર્ષે આશરે ૫૦ કરોડ કરતાં વધુ લોકો દર્શન-મુલાકાત લે છે. આપણે આપના કાર્યમાં રસ લઈ તેના દ્વારા લોકોને સુખી બનાવવાના છે.”
ગુજરાતમાં ટુરિઝમ 1% થી 16% જેટલું વધ્યું છે : મનીષ શર્મા
અક્ષર ટ્રાવેલ્સના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનીષ શર્માએ જણાવ્યું હતું કે, “2003 માં ગુજરાત ટૂરિઝમની સ્થાપના બાદ ગુજરાતમાં ટુરિઝમ 1% થી 16% જેટલું વધ્યું છે. જ્યારે હું યુરોપની ગ્રુપ ટુર કરાવી રહ્યો હતો ત્યારે પ્રમુખસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું, ’ટૂરમાં ભાગ લેનાર સૌના નિયમ-ધર્મ અનુસાર ભોજનની વ્યવસ્થા જળવાય અને શિસ્તબદ્ધ રીતે આયોજન થાય તેવું ધ્યાન રાખજો.’
પ્રમુખસ્વામી મહારાજ આપણા સૌની પ્રેરણા : હરીત શુક્લા
ગુજરાત સરકારના ટુરિઝમ એન્ડ એવિએશન મંત્રાલયના હરીત શુક્લાએ (IAS) જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજ આપણા સૌની પ્રેરણા છે.”
તેમના વક્તવ્ય બાદ યુનેસ્કો દ્વારા ગુજરાતના વિવિધ હેરિટેજ સ્થળોની ઝાંખી કરાવતી વિડિયો દર્શાવવામાં આવી.
ભગવાન સ્વામિનારાયણે ટૂરિઝમની શક્યતાઓ વિષે વાત કરી : આલોક કુમાર પાંડે
કમિશનર ઓફ ટુરિઝમ અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના મેનેજિંગ ડિરેકટર આલોક કુમાર પાંડે(IAS) એ જણાવ્યું હતું કે, “મને એ જાણીને ખૂબ આનંદ થાય છે કે ભગવાન સ્વામિનારાયણ અયોધ્યાના નિવાસી હતા, જે મારા મૂળ સ્થાનની નજીક છે. એમણે ગુજરાતના ગિરનાર, દ્વારકા, બેટ-દ્વારકા આદિ સ્થાનોના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા વિષે અને ત્યાં ટૂરિઝમની શક્યતાઓ વિષે વાત કરી.”
આ સિવાય હિન્દી અને ગુજરાતી સિનેમા જગતના જાણીતા કલાકાર મનોજ જોશીએ ગુજરાતમાં પર્યટનના વિકાસની ઉજ્જવળ શક્યતાઓ વિષે વક્તવ્ય આપ્યું હતું.
ટૂરિઝમમાં ગુજરાત આજે ભારતમાં આગળ પડતું સ્થાન ધરાવે છે : પર્યટન મંત્રી મુળુભાઈ બેરા
ગુજરાતના પર્યટન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, “ મને એ જણાવતાં ગૌરવ થાય છે કે ટૂરિઝમમાં ગુજરાત આજે ભારતમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. આ લાગણી વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક ઉત્સવ એટલે કે આ ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’ ને જોઈને વધુ દૃઢ થઈ છે.”
ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચીફ નોટિકલ ઓફિસર કેપ્ટન અશ્વિન સોલંકી અને ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન અજય પ્રકાશે પણ ટુરિઝમમાં પર્યાવરણની જાળવણી અને કુદરતી સંપદાઓનું કેવી રીતે રક્ષણ કરી શકાય તેના વિષે વક્તવ્ય રજૂ કર્યા.
ન્યૂજર્સીનું અક્ષરધામ એનસાયક્લોપીડિયા જેવું છે : પૂ. જ્ઞાનવત્સલ સ્વામી
BAPSના પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, “અહીં ઉપસ્થિત સર્વેને રૉબિન્સવિલ, ન્યૂજર્સીમાં અક્ષરધામ નિહાળવાનું આમંત્રણ પાઠવું છું. ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામ ટેક્સ્ટ બુક સમાન છે, દિલ્લીનું સ્વામિનારાયણ અક્ષરધામ લાઇબ્રેરી જેવું છે, જ્યારે ન્યૂજર્સીનું અક્ષરધામ એનસાયક્લોપીડિયા જેવું છે. પ્રમુખસ્વામી મહારાજનું જીવન જોતાં આપણે શીખી શકીએ છીએ કે સખત પુરુષાર્થ અને નૈતિકતાનો સંગમ સફળતા અપાવે છે. પ્રમુખસ્વામી નગરમાં ઉત્સાહ, આનંદ અને સુવ્યવસ્થાનો સુમેળ જોવા મળે છે.”
‘કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’ માં સ્વયંસેવકોએ કરેલ પુરુષાર્થની ગાથા વિડિયોના માધ્યમથી દર્શાવવામાં આવી
ત્યારબાદ સાંજે 5 વાગ્યે નોર્થ અમેરિકાના બાળ-યુવા સંગીત વૃંદ દ્વારા સત્સંગદીક્ષાના પાઠ અને કીર્તનગાન સાથે સભાનો શુભારંભ થયો હતો. જેમાં BAPS વરિષ્ઠ સંતો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ નોર્થ અમેરિકા સત્સંગ વિષયક સંઘર્ષો અને પુરુષાર્થની કહાણી વિડિયો દ્વારા દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત ઈ.સ. 1991માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી ન્યૂજર્સી ખાતે યોજાયેલ ‘કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’ માં સ્વયંસેવકોએ કરેલ પુરુષાર્થની ગાથા વિડિયોના માધ્યમથી દર્શાવવામાં આવી હતી. જેમાં નોર્થ અમેરિકામાં નિર્માણ પામેલા અભૂતપૂર્વ BAPS મંદિરોની અભૂતપૂર્વ સૃષ્ટિ, મંદિરોના પ્રભાવ, બાળકો-યુવાનોના જીવનમાં મંદિરોના પ્રભાવ વિષયક વિડિયો ઝલક પ્રસ્તુત કરવામાં આવી હતી. આ ઉપરાંત રૉબિન્સવિલ, ન્યૂજર્સીમાં નિર્માણાધીન ઐતિહાસિક અક્ષરધામ મહામંદિરની નિર્માણ યાત્રાને દર્શાવતી વિડિયો ઝલક પ્રસ્તુત કરવામાં આવી હતી.
આજના અવસરે અનેક મહાનુભાવો આમંત્રિત રહ્યાં હતા અને આ મહાનુભાવોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને વાક–પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આજે આ મહાનુભાવો રહ્યાં હાજર
આજની સભામાં ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર, ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ અને જલ શક્તિ રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલ, G20ના ચીફ કો-ઓર્ડિનેટર હર્ષવર્ધન શ્રિંગલા, ભારતમાં કેનેડાના હાઈ કમિશનર કેમેરોન મેકે, કેનેડામાં ઓન્ટારિયો પ્રાંત માટે નાગરિકતા અને બહુસાંસ્કૃતિકવાદ મંત્રી માઈકલ ડી. ફોર્ડ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ (UPSC) મનોજ સોની, ભારતના લોકપાલના સભ્ય દિનેશ કુમાર જૈન, કેનેડામાં શ્રીનગરી વિદ્યા ભારતી ફાઉન્ડેશનના પ્રમુખ ડો.વી.આઈ. (લકી) લક્ષ્મણન, ફોર્સીથ મીડિયા ગ્રુપના ચેરમેન કમલેશ મહેતા, એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશનના અધ્યક્ષ નીલ પટેલ, પટેલ બ્રધર્સના સ્થાપક અને અધ્યક્ષ મફતભાઈ પટેલ, ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશન (એફઆઈએ)ના પ્રમુખ કેની દેસાઈ, જાણીતા વાયોલિનવાદક સુરેશ લાલવાણી, માલિબુ હિંદુ મંદિરના પ્રમુખ સંપતકુમાર નાદાદુર,ઇનઝેન હોસ્પિટાલિટીના સીઇઓ સુનિલ નાયક, યુએસએથી આવેલાં મુકેશ પટેલ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર મહાવીર પ્રસાદ તાપરિયા, કેનેડાના પ્રાંતીય સંસદ સભ્ય દીપક આનંદ, ગ્લોબોસેટ એન્ટરટેઈનમેન્ટ એલએલસીના સીઈઓ સુધીર વૈષ્ણવ, હિન્દુ સ્વયંસેવક સંઘના વૈશ્વિક સંયોજક સૌમિત્ર ગોખલે અને AAHOA (એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશન)ના ભૂતપૂર્વ અધ્યક્ષ હેમંત પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. સભાના અંતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચન વરસાવ્યાં.