અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં બે અલગ-અલગ જગ્યાએ મતદાર : કોંગ્રેસનો મોટો આરોપ
દેશના રાજકારણમાં ગરમાવો આવે તેવા ચોંકાવનારા આક્ષેપ થયા છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદમાં બે વિધાનસભા મતવિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા હોવાનો કોંગ્રેસે શુક્રવારે આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચને લખેલા પત્રમાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ જી નિરંજને દાવો કર્યો છે કે ઓવૈસીનું નામ રાજેન્દ્રનગર ઉપરાંત ખૈરતાબાદ વિધાનસભા ક્ષેત્રોમાં નોંધાયેલ છે. બંને મતવિસ્તારની મતદાર યાદી ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવામાં આવી હોવાનો દાવો કરતા નિરંજને કહ્યું કે તે સંસદના ચૂંટાયેલા સભ્યની બેજવાબદારી અને અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં ચૂંટણી તંત્રની બેદરકારી દર્શાવે છે.
જી નિરંજને વીડિયો પણ બહાર પાડ્યો હતો
દરમિયાન આ મામલે જી. નિરંજને એક વીડિયો પણ જાહેર કર્યો છે અને કહ્યું છે કે એક સાંસદ માટે બે જગ્યાની મતદાર યાદીમાં પોતાનું નામ હોય અને તેને ચૂપચાપ જોતા રહે તે યોગ્ય નથી. એટલા માટે તેલંગાણા કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી પંચને પત્ર મોકલવામાં આવ્યો છે.
કોંગ્રેસના વડાએ ઓવૈસી સામે કાર્યવાહી કરવાની માંગ કરી
તેલંગાણા કોંગ્રેસના પ્રમુખ રેવન્ત રેડ્ડીએ ચૂંટણી પંચ પાસે AIMIMના વડા ઓવૈસી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. ઓવૈસી પર કોંગ્રેસના આ આરોપ બાદ રાજકીય તાપમાન વધી શકે છે. 2009, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પોતાનો ગઢ જાળવી રાખ્યા બાદ ઓવૈસી 2004થી હૈદરાબાદના વર્તમાન સાંસદ છે. તેમના પિતા સુલતાન સલાહુદ્દીન ઓવૈસી 1984 થી 2004 સુધી છ ટર્મ માટે શહેરના સંસદસભ્ય હતા.