કચ્છમાં શિયાળાની ફુલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, આવી ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છનાં પ્રખ્યાત અડદિયાની માંગ વધી ગઈ છે, કોરોના કાળમાંથી લોકોમાં રોગ પ્રતિકારક શકિત પ્રત્યે જાગૃત થયા છે આમ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ઉપયોગી છે.દિવાળીનો તહેવાર સમાપ્ત થાય એટલે કચ્છમાં મીઠાઈના વેપારીઓ અડદિયા બનાવવાની શરૂઆત કરે છે.
અડદિયાએ ગુજરાતીઓની પ્રિય શિયાળુ વાનગી
આમ તો શિયાળામાં આપણે અનેક વાનગીઓ બનાવીએ છીએ પરંતુ અડદિયાએ ગુજરાતીઓની પ્રિય શિયાળુ વાનગી છે. અડદની દાળમાંથી બનતી આ આઈટમમાં ઘણાં ડ્રાયફ્રુટ્સ અને તેજાના હોય છે. શિયાળામાં અડદિયા ખાવાના ઘણા ફાયદા છે. જે શરીરને આખા વર્ષ માટેની તાકાત પૂરી પાડે છે. અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, દેશી ઘી, ગુંદ, દૂધ, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, એલચી, લવિંગ, તજ, સૂંઠ વગેરે જેવા મસાલાઓનો ઉપયોગ થતો હોય છે.
કેમ અડદિયા ખાવામાં આવે છે ?
ઠંડીને કારણે ઘણાં લોકોને સોજા આવવા, સાંધામાં દુખાવો થવો, કમરમાં દુખાવો થવો જેવી અનેક પ્રકારની મુશ્કેલીઓ થતી હોય છે. આ બધા દુખાવામાંથી બચવા અને શરીરમાં થતા દુખાવાને દૂર કરવા દરેક લોકોએ શિયાળામાં અડદિયા જેવા વસાણાં ખાવા જોઇએ. જેથી આ બધી સમસ્યાઓમાં રાહત મળે છે. આર્યુવેદિક ડોક્ટરે જણાવ્યું હતું હતું કે અડદિયા ઘણા રોગો સામે રક્ષણ આપે છે. અડદમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે, આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે, વળી તેમાં ગરમ ગણાતા મસાલા પણ નાખવામાં આવે છે, માટે શિયાળાની ઋતુમાં તો અડદિયા ખાવા જ જોઈએ. આ ઉપરાંત ઠંડીમાં ગુંદરપાક, ખજૂર પાકની પણ ડિમાન્ડ રહે છે.
વિદેશ વસતા કચ્છના લોકો પણ અચૂક અડદિયા મંગાવે
ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપરમાંડવી, મુન્દ્રા, નખત્રાણા, નલિયા,દયાપરની બજારમાં આવેલી મીઠાઈની દુકાનોમાં અડદિયા મળે છે જે અડદિયા છેક કચ્છ નહિ પણ સમગ્ર ભારતમાં પહોંચે છે. વિદેશ વસતા કચ્છના લોકો પણ અચૂક અડદિયા મંગાવે છે. સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળો પણ અડદિયા બનાવીને વહેંચતા હોય છે. ઠંડીમાં અડદિયા ઉપરાંત ગુંદરપાક, ખજૂર પાકની પણ ડિમાન્ડ રહે છે. ત્યારે એક વખત અચૂક સૌ કોઈએ અડદિયા મંગાવીને સ્વાદ લેવો જ જોઈએ.