ગુજરાતટોપ ન્યૂઝધર્મશતાબ્દી મહોત્સવ

શતાબ્દી મહોત્સવ : અખાતી દેશમાં BAPS મંદિર બાપાનું સ્વપ્ન હતું જે થઈ રહ્યું છે સાકાર

અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે અખાતી દેશ દિનની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો આરબ ભૂમિ પર મંદિર કરવાનો સંકલ્પ આજે સાકાર થઈ રહ્યો છે. યુ.એ.ઇની રાજધાની અબુધાબીમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિર ભારત અને યુ.એ.ઇ વચ્ચેના ગાઢ સંબધોનું પ્રતીક, યુ.એ.ઇમાં વસતા ૩૩ લાખ ભારતીયો ઉપરાંત અન્ય અનેક સંસ્કૃતિઓ અને સમુદાયો માટે પ્રેરણાનું પ્રતીક છે. વર્ષ 2019માં વિશ્વપ્રસિદ્ધ શેખ ઝાયેદ મસ્જિદમાં મહંતસ્વામી મહારાજ અને સંતવૃંદની શેખ નહ્યાને પધરામણી કરાવી હતી.

સ્વામિનારાયણ મંદિર માટે ફાળવવામાં આવી હતી જમીન

બાહરીનના વડાપ્રધાન દ્વારા ફેબ્રુઆરી 2022 માં બી.એ.પી.એસ સ્વામિનારાયણ હિન્દુ મંદિરના નિર્માણ માટે ભૂમિની ફાળવણી કરવામાં આવી હતી. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ ખાતે મે 2022 માં યોજાયેલ પ્રથમ ઐતિહાસિક આંતરધર્મ પરિષદમાં બી.એ.પી.એસ.નું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સદીઓથી ભારત અને અખાતી આરબ દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધની એક નિરાળી ગંગા વહેતી રહી છે. 1997માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ આરબ ભૂમિ પર પધાર્યા ત્યારે તેઓએ અહી વસતા હિન્દુઓની ધર્મભાવનાને પોષણ કરવા એક પવિત્ર સંકલ્પ કર્યો હતો કે આરબ ભૂમિ પર ભવ્ય સંસ્કૃતિધામ મંદિરનું નિર્માણ થાય. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની આરબદેશોની વિચરણયાત્રા દરમિયાન બાહરીનના રાજા શેખ અમીર ઈસા બિન સલમાન અલ ખલીફા, શારજાહ ના રાજવી પરિવારના શેખ હામદ, મસ્કત ના રાજવી શેખ સૈયદ સૈફ બિન હામદ બિન સાઉદ અલ બુસાયદી તેમજ દુબઈના આરબ ઉમરવો સાથેની તેમની સ્નેહસભર મુલાકાતો સૌનાં દિલોદિમાગ પર અનોખો દિવ્ય પ્રભાવ પાથરી ગઈ છે.

મંદિર માટે પ્રથમ અઢી એકર અને ત્યારબાદ 27 એકર જમીન અપાઈ

વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં એપ્રિલ, 2019માં અબુધાબીમાં બી.એ.પી.એસ.હિન્દુ મંદિરનો ભવ્ય શિલાન્યાસ વિધિ સંપન્ન થયો હતો. યુ.એ.ઇ.ની સરકારે પ્રારંભમાં આ મંદિરના નિર્માણ માટે અઢી એકર ભૂમિ ફાળવી હતી. શેખ અબ્દુલ્લા બિન ઝાએદ અલ નહ્યાને દિલ્લીના અક્ષરધામની મુલાકાત પણ લીધી હતી. ત્યારબાદ અબુધાબીના ક્રાઉન પ્રિન્સે 27 એકર ભૂમિનું દાન કર્યું હતું. વર્ષોથી બાહરીનના રાજવી પરિવાર અને બી.એ.પી.એસ વચ્ચે ઘણી સદભાવના મુલાકાતો યોજાઇ હતી. અહી એક વિસ્તૃત હિન્દુ મંદિરની જરૂરિયાત છે તે અંગેની રજૂઆત બાદ, ભારત સરકાર અને બાહરીન સરકારના સંયુક્ત સહયોગથી બી.એ.પી.એસ મંદિર માટે ફેબ્રુઆરી 2022 માં મંદિર માટે જમીન પ્રાપ્ત થઈ છે.

આજે વિદેશમંત્રી એસ.જયશંકર રહ્યા હતા ઉપસ્થિત

આજની સભામાં આમંત્રિત મહાનુભાવોમાં ડો.એસ જયશંકર, માનનીય વિદેશ મંત્રી – ભારત સરકાર, ડો. ડી વિરેન્દ્ર હેગડે, ધર્માધિકારી – શ્રીક્ષેત્ર ધર્મસ્થળ, કર્ણાટક, ઇલિયાસ અકબર અલી, ચેરમેન & સીઇઓ – ગ્રુપ સિપ્રોમેડ, મડાગાસ્કર, થોમસ પેરેઝ, પૂર્વ સેક્રેટરી ઓફ લેબર – યુએસએ, યોગેશભાઈ મહેતા, ફાઉન્નડર & સીઇઓ – પેટ્રોકેમ મિડલ ઈસ્ટ લિમિટેડ , યુએઇ, બકુલભાઇ મહેતા, મેનેજીંગ ડાયરેક્ટર , મસ્ક્ત ફાર્મસી એન્ડ સ્ટોર એલ એલ સી, ઓમાન, ડો. અમન પુરી, યુએઇ ખાતે ભારતના કોનસુલ જનરલ, મહામહીમ ડો. બસમ અલ ખાતીબ,ભારત ખાતેના સિરીયાના રાજદૂત, નજમ અલ કૂડસી, પૂર્વ સીઇઓ- અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સીલ, રમેશ રામકૃશનન, – ટ્રાન્સ વર્લ્ડ ગ્રૂપ ઓફ કંપની, યુએઇ, કે જી બાબુરાજન, ચેરમેન & જનરલ મેનેજર – બી કે જી હોલ્ડિંગ એસ.પી.સી , બાહરીન, મનીષભાઈ પટેલ, મેનજિંગ ડાયરેક્ટર – જીપ ગ્રૂપ, યુએઇ, આર રમેશ, મેનેજિંગ ડાયરેક્ટર – સેન્ટિ એકસકેવેશન & કન્સ્ટ્રક્શન ડબલ્યુ એલ એલ, બાહરીન, રાજેશ માલપાણી, ચેરમેન , માલપાણી ગ્રૂપ , ભારત, નંદન ઝા , એક્સિક્યુટિવ વાઇસ પ્રેસિડેંટ – પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઉપસ્થિત રહ્યા હતા.

આજના કાર્યક્રમમાં કોણે શું વક્તવ્ય આપ્યું ?

પ્રમુખ સ્વામી નગર ખાતે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના જીવન-કાર્ય-સંદેશને શ્રદ્ધાંજલિ આપતાં વક્તવ્યો આપ્યા હતા. જેમાં નિર્માણાધીન અબુધાબી બી. એ. પી. એસ. હિન્દુ મંદિરના ટ્રસ્ટી શ્રી અશોક કોટેચાએ જણાવ્યું હતું કે, “આજે પણ યાદ છે કે પ્રમુખસ્વામી મહારાજ એપ્રિલ 1997 માં રણની વચ્ચે ગરમીમાં ઠાકોરજીને લઈને બેઠા હતા અને ભજન ચાલતું હતું. પછી પ્રમુખસ્વામી મહારાજે ધૂન શરૂ કરી અને બોલ્યા કે ‘વિશ્વમાં શાંતિ થાય , વિશ્વનાં દેશો વચ્ચે એકતા થાય અને અંતે બોલ્યા કે અહી અબુધાબીમાં મંદિરનું નિર્માણ થાય’. આજે અબુધાબીમાં મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે તેની પાછળ પ્રભુને કેન્દ્રમાં રાખીને પ્રમુખસ્વામી મહારાજે કરેલી પ્રાર્થના રહેલી છે.”

અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સીલના પૂર્વ CEO, નજમ અલ કૂદસીએ જણાવ્યું હતું કે, “આજથી 10 વર્ષ પહેલાં મે પ્રમુખસ્વામી મહારાજના દર્શન અમદાવાદ સ્થિત શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં કર્યા હતા એ દિવસ મારા માટે ખૂબ જ પુણ્યનો દિવસ હતો.પ્રમુખસ્વામી મહારાજના વ્યક્તિત્વની મારા પર ખૂબ જ ઊંડી અસર પડી હતી. અક્ષરધામ મંદિર હુમલા વખતે પ્રમુખસ્વામી મહારાજે આપેલો શાંતિ નો સંદેશો એ ખૂબ જ પ્રભાવક હતો. પ્રમુખસ્વામી મહારાજનો પ્રભાવ એવો છે કે આજે સાઉદી અરેબિયામાં પણ લોકો હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ અને એ પી જે અબ્દુલ કલામ સાહેબની મિત્રતા અનોખી હતી.”

સિપ્રોમેડ ગ્રુપ, માડાગાસ્કરના ચેરમેન & સીઇઓ શ્રી ઇલિયાસ અકબર અલીએ જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું અને મહંત સ્વામી મહારાજના દર્શન કરવા મળ્યા એ મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને હું ખૂબ જ અભિભૂત છું , અહીંની સ્વચ્છતા, પ્રબંધન, સમર્પણ વગેરે અદ્ભુત છે. પ્રમુખસ્વામી મહારાજે આપણને શાંતિ, સંવાદિતા,ભલાઈ, પ્રેમ વગેરે ના પાઠ શીખવ્યા છે અને તે બધું આ નગરમાં જોવા મળે છે. હું બાળકોને કહેવા માગું છું કે ,’પ્રમુખસ્વામી મહારાજે બતાવેલા આદર્શો અને મૂલ્યો ક્યારેય ભુલતા નહી અને જો તેનું પાલન કરશો તો જીવનમાં ખૂબ જ આગળ વધશો.’ વિશ્વભરમાંથી આવેલા ૮૦,૦૦૦ સ્વયં સેવકોનું સમર્પણ જોઈને હું નતમસ્તક છું કારણકે પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ વગર આ શક્ય નથી. અબુધાબીમાં બની રહેલું સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ પ્રમુખસ્વામી મહારાજનો વારસો છે અને આ મંદિર બે અલગ અલગ સંસ્કૃતિને એક મંચ પર લાવશે. પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામ હુમલા પછી શાંતિ સંદેશો આપીને વિશ્વભરમાં માણસાઈનો સંદેશ પહોંચાડ્યો છે.”

ભારત ખાતેના સિરીયાના રાજદૂત ડો. ડો. બસમ અલ ખાતીબે જણાવ્યું હતું કે, “આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દર્શાવેલા માનવીય મૂલ્યોનું દર્શન કરીને હું ખૂબ જ ગૌરવ અનુભવું છું અને પ્રમુખસ્વામી મહારાજે પ્રેમની ભાષા વિશ્વભરમાં લોકોને શીખવી છે.” યુએઇ ખાતે ભારતના કોનસુલ જનરલ ડો. અમન પૂરીએ જણાવ્યું હતું કે, “પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં શાંતિ અને સંવાદિતા નો સંદેશો આપ્યો છે અબુધાબીમાં બની રહેલું હિન્દુ સ્વામિનારાયણ મંદિર એ તેનું ઉત્તમ ઉદાહરણ છે.”

ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, “આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારા માટે ગર્વ અને સૌભાગ્યની વાત છે. પ્રમુખસ્વામી મહારાજને વિશ્વગુરુ તરીકે ઓળખવામાં આવે છે કારણકે તેઓએ 50 થી વધુ દેશોમાં વિચરણ કર્યું છે.17000 થી વધુ ગામડાઓમાં વિચરણ કર્યું છે , 1200 થી વધારે મંદિરોનું નિર્માણ કર્યું છે 7 લાખથી વધારે પત્રો લખીને હરિભક્તોને આશીર્વાદ આપ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે નાતજાત અને ઊંચનીચના ભેદભાવ વગર તમામ લોકોને અપનાવ્યા છે. આજે મહંત સ્વામી મહારાજ ના દર્શન અને આશીર્વાદ મળ્યા એ મારા માટે સૌભાગ્યની વાત છે. અબુધાબી માં બનનાર મંદિર પ્રમુખસ્વામી મહારાજની આધ્યાત્મિકતા અને દિવ્યતાની શક્તિ છે. ખાડી દેશોના બે મંદિરોનું નિર્માણ થવું એ ચમત્કારથી પણ મોટી વાત છે અને આવનારા વર્ષોમાં થાઇલેન્ડ , પેરિસ , સાઉથ આફ્રિકા , ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં પણ BAPS મંદિરોનું નિર્માણ થશે એવું હું દ્રઢપણે માનું છું. દિલ્હી અક્ષરધામની ભવ્યતા, દિવ્યતા,શિસ્ત,પ્રબંધન વગેરે જોઈને હું ખૂબ જ અભિભૂત થયો હતો જે મારો બી.એ.પી.એસ સંસ્થા સાથેનો પ્રથમ પરિચય હતો.

અંતમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, “પ્રમુખસ્વામી મહારાજે અખાતી દેશોમાં કરેલું વિચરણ અને અથાગ પુરુષાર્થનું પરિણામ અબુધાબી નું મંદિર છે જે શાંતિનું ધામ બનશે અને બેનમૂન બનશે તેમજ બાહરીનમાં પણ અદ્ભુત મંદિર બનશે જે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધારશે. ભગવાન સૌનું ભલું કરે તે પ્રાર્થના કરીએ છીએ”

Back to top button