બનાસકાંઠાઃ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દુરંદેશિતાથી ‘ખેલ મહાકુંભ’ વર્ષ 2010માં શરૂઆત કરવામાં આવ્યો હતો. ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની સંસ્કૃતિમાં રમત-ગમતનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. કેટલીક લોકપ્રિય રમતો ક્રિકેટ, ખો-ખો, બેડમિન્ટન, ફૂટબોલ, કબડ્ડી અને ટેબલ ટેનિસ છે. આ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ રમતગમતની પ્રવૃત્તિઓની અધ્યક્ષતા અને દેખરેખ રાખે છે. જેમાં ગુજરાતમાં રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે સત્તામંડળ દ્વારા ઘણી સફળ અને લોકપ્રિય પહેલો હાથ ધરવામાં આવી છે, ‘ખેલ મહાકુંભ’ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
ખેલમહાકુંભ અંતર્ગત રાજ્યકક્ષાની સ્પર્ધા રાજકોટ ખાતે યોજાઈ હતી. જેમાં ડીસાના આઈ સર્જન ડો. વિનય પઢીયાર અને એમના સાથી ખેલાડી પંકજ માધવાણી રાજ્યકક્ષાની બેડમિન્ટનની ટુર્નામેન્ટમાં સમગ્ર રાજ્યમાં ચોથા ક્રમાંકે આવ્યા છે. રાજ્યના સરહદી વિસ્તારના બનાસકાંઠા જિલ્લાનું રાજ્યકક્ષાએ નામ રોશન કરતાજિલ્લાના તબિબિ આલમમાં, મિત્રો અને પરિવારજનો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. બનાસકાંઠા એવો જિલ્લો કે, જયાં રમત-ગમત માટે કોઈ વિશેષ સુવિધાઓ નથી ત્યાંથી રમીને અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત જ્યાં સારૂ ઈન્ફાસ્ટ્રચર છે ત્યાંના ખેલાડીઓ સામેની સ્પર્ધામાં જીતીને પોતાના જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ બને ખેલાડી 2017માં સુરતમાં રાજ્ય લેવલે સિલ્વર મેડલ પણ જીત્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા સ્પોર્ટસ કલબ સ્થાનિકોને રમત-ગમત ક્ષેત્રે આગળ વધવા માટે ઇન્ફાસ્ટ્રકચરની સાથે-સાથે ઉત્તમ પ્રોત્સાહન પુરું પાડે છે.
રમતગમત સર્વગ્રાહી વિકાસને પ્રોત્સાહન આપે છે. આ જ કારણોથી ગુજરાતમાં દર વર્ષે KMKનું આયોજન કરવામાં આવે છે. આ ઇવેન્ટ લગભગ એક મહિના સુધી ચાલે છે અને દરેક ઉભરતી પ્રતિભા તેમની કુશળતા અને સખત મહેનત કરે છે. આ માત્ર ખેલૈયાઓને પ્લેટફોર્મ જ નહીં. પરંતુ પ્રતિભાગીઓ વચ્ચે સ્પર્ધાત્મક પરંતુ મૈત્રીપૂર્ણ વાતાવરણને પ્રોત્સાહિત કરે છે. કોઈપણ વય જૂથના લોકો તેમાં ભાગ લઈ શકે છે. આ ઉપરાંત ખેલ મહાકુંભમાં સૌપ્રથમ પંચાયત કક્ષા ત્યારબાદ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ આગળ વધે છે. અંતમા વિજેતાઓને રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં રમવા મળે છે.