L D કોલેજના 75માં વર્ષ નિમિત્તે ‘ગ્લોબલ એલ્યુમની કન્વેન્શન’ ઉજવાયો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ ઉદ્ઘાટન
દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે ગુજરાતની પ્રખ્યાત એન્જિનિયરિંગ કોલેજમાંની એક કોલેજ એટલે કે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજે પણ જૂન 2023 સુધી પોતાના 75માં વર્ષની ઉજવણી કરી રહી છે, આ માટે ‘LDCE@75’ કાર્યક્રમ હેઠળ આજે અમદાવાદ ખાતે એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજની પ્લેટીનમ જ્યુબિલિની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનું ઉદ્ઘાટન આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત ગેસ્ટ ઓફ ઓનર તરીકે એચ.એન.સફલના ધીરેનભાઈ વોરા ઉપસ્થિત રહ્યાં હતા.
આ પણ વાંચો : GCCI અને IGBCના સહયોગથી “વર્લ્ડ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ મીટ” યોજાઈ : ઉર્જા પરિવર્તન પર મુકાયો ભાર
એલ.ડી.ના વિદ્યાર્થીઓ આજે દેશ વિદેશમાં અનેકવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યા છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજના ‘ગ્લોબલ એલ્યુમની કન્વેન્શન’ દરમ્યાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશમાં જ્યારે આઝાદીના 75મા વર્ષની ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ પણ જૂન -૨૦૨૩ સુધી પોતાના 75મા વર્ષની LDCE@75′ કાર્યક્રમ હેઠળ ઉજવણી કરી રહ્યું છે. એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ આજે દેશ વિદેશમાં અનેકવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યા છે. કોલેજના એલ્યુમની પોતાની માતૃ સંસ્થાનાં વિકાસ કાર્યો માટે હંમેશાં મદદરૂપ બનતા હોય છે. કોલેજના ભવિષ્યના રોડમેપ અને વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર પૂરતું માર્ગદર્શન અને સહાય કરવા હંમેશા તત્પર છે.”
અમદાવાદની સુપ્રસિદ્ધ LD એન્જિનિયરીંગ કોલેજના ગ્લોબલ એલ્યુમનિ કન્વેન્શનના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર ખૂબ આનંદપૂર્ણ રહ્યો. અહીં જ્ઞાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ રાષ્ટ્રનિર્માણમાં આપેલ યોગદાન તથા ગુજરાતને વિકાસમાં અગ્રેસર રાખવાની તેમની તત્પરતાને બિરદાવું છું. pic.twitter.com/BMgHZTSN8M
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 6, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા બે દાયકામાં ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ કર્યો છે. આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન તરીકે ઓળખાય છે. આજે અમૃતકાળમાં જ્યારે ભારત દેશ વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાત પણ વિકસિત રાજ્ય બનીને દેશભરમાં રોલ મોડલ બની રહ્યું છે. એટલા માટે જ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓને વૈશ્વિક સ્તરની બનાવીને ઉચ્ચ સ્તરીય શિક્ષણ થકી આવનારી પેઢી સમાજ, રાજ્ય અને દેશના વિકાસમાં સહભાગી બને તે માટે સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે.”
આજે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજનું નામ એક બ્રાન્ડ બની ગયું છે : એન.એમ.દેસાઈ
આ પ્રસંગે સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ISROના ડાયરેકટર એન.એમ.દેસાઈએ જણાવ્યું હતું કે, ” એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી વિદ્યાર્થીઓને ત્રણ સૌથી મહત્ત્વની બાબતો હંમેશાંથી શીખવા મળી છે – શીખવાની સ્વતંત્રતા, સવાલો પૂછવાની ક્ષમતા, સાથે કામ કરીને સાથે આગળ વધવાની ઇચ્છાશક્તિ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજનું નામ એક બ્રાન્ડ બની ગયું છે, જે દેશ વિદેશમાં ફેલાયેલા તેના એલ્યુમનીની પ્રતિભા અને તેમણે સર કરેલા સફળતાના શિખરને આભારી છે. રાજ્ય સરકાર આ કોલેજની સ્થાપનાથી લઈને આજ સુધી દરેક ક્ષેત્રે મદદરૂપ થતી આવી છે અને આવનારા દિવસોમાં પણ વધુને વધુ સારું શિક્ષણ મેળવીને વધુ એન્જિનિયર આ સંસ્થામાંથી સમાજ અને રાજ્યની સેવા માટે આગળ આવે તે માટે કોલેજનું સંચાલક ગણ અને રાજ્ય સરકાર સતતપણે કાર્યશીલ રહેશે.”
એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજે લગભગ દરેક ક્ષેત્રે ઉત્કૃષ્ટ એન્જિનિયર આપ્યા છે : ડો. રાજુલ ગજ્જર
આ પ્રસંગે એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો. આર. કે. ગજ્જરે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, “બેસ્ટ ક્વોલિટી એજ્યુકેશન અને ઈન્ફ્રાસ્ટ્રકચર દ્વારા એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજે લગભગ દરેક ક્ષેત્રે ઉત્કૃષ્ટ એન્જિનિયર આપ્યા છે. આજે એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ રોબોટિક્સ, ગ્રીન એનર્જી, ઓટોમેશન, ઈલેક્ટ્રોનિક વ્હિકલ ક્ષેત્રે અનેકવિધ નવીન કોર્સિસ દ્વારા રિસર્ચ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન આધારિત પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. નેશનલ એજ્યુકેશન પોલીસીના નવા આયામોને અમલી બનાવીને વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવા માટે એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે”
આ મહાનુભાવો પણ રહ્યાં હાજર
આ ગ્લોબલ એલ્યુમની કન્વેન્શનના ઉદ્ઘાટન પ્રસંગે ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન કે.એસ.વસાવા, એસ્ટ્રલ ગ્રુપના સંદીપભાઈ એન્જિનિયર, એચ.એન.સફલના ધીરેનભાઈ વોરા, LDCE એલ્યુમની એસોસિયેશનના પ્રેસિડેન્ટ દીપેશભાઈ શાહ, બી.સફલના રાજેશભાઈ બ્રહ્મભટ્ટ સહિત એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર વિદ્યાર્થીઓ અને એલ્યુમની ઉપસ્થિત રહ્યાં હતા.