થરામાં પઠાણી ઉઘરાણીથી ત્રાસેલા વેપારીને વ્યાજખોરોએ મારી નાખવાની ધમકી આપી
થરા: કાંકરેજ તાલુકાના એક વેપારીએ રૂપિયા પાંચ લાખ વ્યાજે લીધા હતા. જેની મૂડી અને વ્યાજની રકમના રૂપિયા ચૂકવી દીધા હતા. છતાં વ્યાજખોરો એ ઉઘરાણી ચાલુ રાખી હતી. અને જો રકમ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વેપારીએ ત્રણ વ્યાજખોરો સામે થરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાના બુકોલીયાવાસ ખાતે રહેતા વેપારી પ્રજાપતિ રમેશભાઈ અજમલભાઈ એ વર્ષ 2005માં ત્રણ કોરા ચેક આપીને જહાગીરખાન કેશરખાન મકરાણી પાસેથી રૂપિયા પાંચ લાખ વ્યાજે લીધેલ હતા. જેમાં રમેશભાઈ પ્રજાપતિએ અવાર નવાર વ્યાજની રકમ જમા કરાવી હતી.
વ્યાજ અને મૂડી આપ્યા છતાં ઉઘરાણી કરતા હતા
જેમાં વ્યાજ સાથે મૂડી પણ આપી દીધેલ હોવાનું કહેવાય છે. છતાં હજુ રૂપિયા 7 લાખ જેટલા હજુ બાકી રહ્યા છે આપવા માટે થરાના સિપાઈ વાસ માં રહેતા જહાગીરખાન કેશરખાન મકરાણી, સુલતાનાબેન જહાગીરખાન મકરાણી, શાહરૂખખાન જહાગીરખાન મકરાણી સામે થરા પોલીસ મથકમાં ઈ.પી.કો કલમ.516(2) 114તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ એક્ટ કલમ 5(1).33(3).40.42 મુજબ ફરિયાદ નોધાવી છે.
વ્યાજખોરોએ મારી નાખવાની ધમકી આપી
વર્ષ ૨૦૦૫થી આજ દીન સુધી રમેશભાઈ પ્રજાપતિને શારીરિક અને માનસિક રીતે હેરાન કરીને વ્યાજખોરો એ રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા થરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર પ્રસરી ગઇ છે.
વ્યાજખોરો સામે કાર્યવાહી હાથ ધરાશે
અગાઉ એક પટેલ ખેડૂતે સુસાઈડ કર્યું હતું ત્યારે હવે થરા ખાતે વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતાં હડકંપ મચી જવા પામ્યો છે. આ અંગે થરા પોલીસ મથકના પીએસઆઈ પ્રદ્યુમનસિંહ જાડેજા તપાસ ચલાવી રહ્યા છે. અને આરોપીઓને દબોચવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
આ પણ વાંચો :રાજકોટમાં મહિલા ASI લાંચ લેતા ઝડપાયા, ACBએ પોલીસ સ્ટેશનમાં જ છટકું ગોઠવ્યું હતું