ગુજરાત

સહકારથી સમૃદ્ધિના મંત્ર દ્વારા દૂધ સહકારિતાનો નવો યુગ શરૂ થયો છે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Text To Speech

પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.(પંચામૃત ડેરી )ના ૩૦ ઘન મીટર પ્રતિ કલાકની ક્ષમતા વાળા ઓકિસજન પ્લાન્ટ અને તાડવામાં ૪૭૦૦ મેટ્રિક ટનની ક્ષમતાવાળા પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ અને પંચામૃત ડેરી દ્વારા દૈનિક ત્રણ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ ક્ષમતાના મહારાષ્ટ્રમાં નિર્માણ થયેલ માલેગાંવ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ તથા પંચામૃત ડેરી દ્વારા મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં દૈનિક પાંચ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ ક્ષમતાના સ્થાપનાર પ્લાન્ટનું ઈ-ખાતમુહૂર્ત ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. તેમણે પંચામૃત ડેરીના સુવર્ણજયંતી લોગોનું અનાવરણ કરવા સાથે પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના નૂતન ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું.

ગુજરાતમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે થયેલા નોંધપાત્ર વધારાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું હતુ કે, ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષોમાં દૂધ ઉત્પાદકોની સંખ્યા જે બે દાયકા પહેલા ૨૧ લાખ હતી જે વધીને ૩૬ લાખથી વધુ થઇ ગઇ છે. એટલું જ નહિ દૈનિક ૨૬૦ લાખ લીટર દૂધ એકત્રીકરણ કરવામાં આવે છે.જેનાથી દરરોજ રૂ. ૧૫૦ કરોડની આવક પશુપાલકોને થાય છે.
દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. તેની સાથે પંચમહાલ ડેરી પોતાની સ્થાપનાના ૫૦ વર્ષની ઉજવણી કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્વેત ક્રાંતિ અને સ્વીટ ક્રાંતિનો વિચાર આપ્યો છે તેને .ગુજરાતના ડેરી સંઘો સાકાર કરી રહ્યા છે.ખેતી સાથે પશુપાલન મુખ્ય વ્યવસાય છે ત્યારે પંચમહાલ ડેરી દૂધની વિવિધ બનાવટો દ્વારા મૂલ્ય વર્ધન કરી રહી છે. જેનો સીધો લાભ પશુપાલકોને મળી રહ્યો છે.પંચમહાલ ડેરી સાથે ૨૧૮૫ દૂધ મંડળીઓ અને ૨.૭૩ લાખ સભાસદો જોડાયેલા છે તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ સહકારીતાનો મૂળ મંત્ર વિના સહકાર નહિ ઉધ્ધારને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા સૌને આહ્વાન કર્યું હતું.

કેન્દ્રીય ડેરી મંત્રી પરશોતમ રૂપાલાએ શું કહ્યું જાણો
કેન્દ્રીય ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, પીડિસી બેન્ક એક વખતે બંધ થવાની હતી, જે આજે જેઠાભાઇ ભરવાડના સતત પ્રયાસો થકી ફરી ઉત્કર્ષ પામી છે અને આજે તેના નવા ભવનનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ લોકાર્પણ કરી રહ્યા છે.ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં યોજાયેલી સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં ગુજરાતના કોઈ પણ કોર્પોરેટનો સામનો કરી શકે તેવા સહકાર ક્ષેત્રના વિકાસની યાત્રાને પ્રધાનમંત્રીએ બિરદાવી હતી.તેમણે ઉમેર્યું કે, સહકાર ક્ષેત્રમાં ગુજરાતના ડેરી ઉદ્યોગનો વિકાસ દેશભરમાં ઉદાહરણીય છે. વિશ્વમાં ડેરી ઉદ્યોગનો વિકાસ ૩ ટકા જેટલો છે, જ્યારે દેશમાં ડેરી ઉદ્યોગ ૬.૨ ટકાના ગ્રોથ રેટથી આગળ વધી રહ્યો છે. કોરોના સમયે પણ ડેરી ઉદ્યોગ ધમધમતો રહ્યો અને પરિણામે ગ્રામ્ય અર્થતંત્ર પણ તેની મદદથી ટકી રહી શક્યું.

આ પ્રસંગે ગુજરાત કો ઓપરેટિવ બેંકના મેનેજર અજય પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પ્રારંભમાં પંચામૃત ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા આહિરે જણાવ્યું કે,પંચમહાલ જિલ્લા સહકારી બેંકને પુનઃ શરૂ કરવા માટે કેન્દ્રિય સહકાર મંત્રી અમિત શાહનો પ્રશસ્ય સહયોગ સાંપડ્યો છે.પશુપાલન દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં ડેરી દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ડેરી દ્વારા દૈનિક ૨૦ લાખ લીટર દૂધ સંપાદન કરવામાં આવી રહ્યું છે.ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર રૂ.૩૨૦૦ કરોડ પર પહોચ્યું છે. જે ડેરીના સુવર્ણ જયંતિ અવસરે રૂ.૪૦૦૦ કરોડ સુધી લઈ જવાશે.પંચમહાલ જિલ્લા સહકારી બેંકની શાખાઓ ૪૨ થી વધારી ૧૦૦ સુધી લઈ જવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

જેઠાભાઈ આહિરે ઉમેર્યું કે,આત્મ નિર્ભર ગુજરાત દ્વારા આત્મ નિર્ભર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વપ્નને આત્મ નિર્ભર ગામડાઓ દ્વારા પંચમહાલ ડેરી સાકાર કરશે.એટલુ જ નહિ વડાપ્રધાનના પાંચ ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના સંકલ્પમાં સહકાર ક્ષેત્ર મહત્વનું યોગદાન આપશે.આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજય મંત્રી કુબેર ડીંડોર, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, સાંસદ રતનસિંહ રાઠોડ, જસવંતસિંહ ભાભોર, ધારાસભ્યોઓ, સહકારી આગેવાનો, અગ્રણીઓ, પદાધિકારીઓ, કલેકટર સુજલ મયાત્રા સહિત ડેરીના હોદેદારો, વિવિધ ડેરી સંઘોના ચેરમેન તેમજ પશુપાલકો અને સભાસદો વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા

Back to top button