અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ચૂંટણી સુધી યથાવત: DGP આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન અપાયું

Text To Speech

ગાંધીનગરઃ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ આગામી 31 મેના રોજ પૂર્ણ થવાનો હતો પરંતુ તેમને વધુ 8 મહિનાનું એક્સટેન્સન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 1985ની બેચના આશિષ ભાટીયાનો કાર્યકાળ લંબાવવાના ગૃહ મંત્રાલયના પ્રપોઝલને કેબિનટ કમિટી દ્વારા સ્વીકૃતિ અપાઈ  છે. તેથી તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી સુધી ગુજરાતના પોલીસ વડા તરીકેની જવાબદારી અદા કરશે.

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા 31મી જાન્યુઆરી 2023 સુધી કાર્યરત રહેશે. આમ તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સમાપ્તિ સુધી ગુજરાત પોલીસના વડા તરીકે કાર્યરત રહેશે.અહીં ઉલ્લેખનીય છે કે, 31 જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસ વડાપદેથી શિવાનંદ ઝાની નિવૃત્ત બાદ તેમના સ્થાને આશિષ ભાટિયાની નિમણૂંક કરાઈ હતી. 2 વર્ષ પહેલાં એક નિયમ બનાવાયો હતો, જેમાં ગુજરાતના પોલીસવડા માટે હવે 2 વર્ષનો કાર્યકાળ ફરજિયાત કરવામાં આવ્યો હતો.

DGP આશિષ ભાટિયા સતત સાતથી આઠ કલાક આરોપીઓની પૂછપરછ કરી શકે છે તેવી પોલીસ વિભાગમાં છાપ ધરાવે છે. તેમની ખાસ કામગીરીની જો વાત કરવામાં આવે તો વર્ષ 2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. તે સમયે આશિષ ભાટિયા અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે કાર્યરત હતા અને તેમણે તેમની આખી ટીમને ભેગી કરી અને 20 જ દિવસમાં આખો કેસ ઉકેલી 30 જેટલા આરોપીઓને ઝડપી પાડયા હતા. નવાઈની વાત એ છે કે આ બોમ્બ બ્લાસ્ટ પાછળ ઇન્ડિયન મુજાહિદ્દીનનો મોડ્યુલ છે તેવું કહેનારા પ્રથમ અધિકારી હતા. આશિષ ભાટિયાએ લગભગ 22 વર્ષમાં ગુજરાત પોલીસમાં અલગ-અલગ મહત્વપૂર્ણ પદ પર કામ કર્યું છે. ભાટિયા 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોના નવ કેસની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલી SITની ટીમના ત્રણ આઈપીએસ અધિકારીઓમાંથી એક હતા.

આશિષ ભાટિયા શાંત પ્રકૃતિના અધિકારી માનવામાં આવે છે. વર્ષ 2001માં પોલીસ મેડલ પણ તેઓ મેળવી ચૂક્યા છે. આટલું જ નહીં વર્ષ 2011માં પ્રેસિડેન્ટ મેડલ પણ તેઓ મેળવી ચૂક્યા છે. પોલીસ વિભાગમાં આશિષ ભાટિયાને પ્રિવેન્શન ઓફ ક્રાઇમના માસ્ટર ગણવામાં આવે છે. અત્યાર સુધીની તેમની જે પણ પોસ્ટ રહી છે તે પોસ્ટ દરમિયાન તેઓથી તમામ અધિકારીઓ સંતુષ્ટ રહ્યા છે, અધિકારીઓ તેમની સાથે કામ કરવું તે એક લ્હાવો ગણાવે છે.

Back to top button