ધોળા-ઉમરાળા રોડ પર ઇંટ ભરેલો ટ્રક પલટાતા બે મજૂરના મોત, અન્ય બેને સારવાર અર્થે ખસેડાયાં
ભાવનગરઃ જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા-ઉમરાળા રોડ પર ઈંટ ભરીને પસાર થઈ રહ્યો હતો. ત્યારે ટ્રક અકસ્માતે રોડ સાઈડમાં પલટી ખાઈ જતાં ઈંટો વચ્ચે દબાઈ જતાં બે શ્રમજીવીઓના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે ડ્રાઈવર સહિત ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવેલ એક ઈંટના ભઠ્ઠામાંથી ઈંટોનો જથ્થો ભરી ટ્રક નં-જી-જે-07-વાય-1055 નંબરનો ટ્રક ત્રણ મજૂરો ડ્રાઈવર-ક્લિનર સાથે આ ઈંટનો જથ્થો ખાલી કરવા રવાના થયા હતા. દરમ્યાન ધોળા-ઉમરાળા રોડ પરથી આ ટ્રક પસાર થઈ રહ્યો હતો, તે વેળાએ ટ્રક ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવતાં ટ્રક રોડ સાઈડમાં પલ્ટી ખાઈ જતાં ત્રણ મજૂરો ઈંટોના ઢગલામાં દબાઈ ગયા હતાં, જ્યારે ડ્રાઈવર-કલીનરને પણ ઈજા પહોંચી હતી.
આ દરમિયાન રોડ પર પસાર થતાં રાહદારીઓ-વાહન ચાલકો ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતાં અને ઈંટોના જથ્થા તળે દબાયેલા શ્રમિકોને બહાર કાઢ્યાં હતાં પરંતુ ગંભીર ઈજાને પગલે ઉકાભાઈ નામના વૃદ્ધ તથા ટીણાભાઈ નામના યુવા મજુરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ડ્રાઈવર-ક્લિનર તથા એક મજૂરને તાત્કાલિક સારવાર અર્થે ઉમરાળા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં એક ઈજાગ્રસ્તની તબિયત નાજુક જણાતા વધુ સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ ઉમરાળા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.