ગુજરાત

પાટડીના સુરજપુરામાં ટ્રેક્ટર પલ્ટી ખાઇ જતા ટ્રેક્ટર નીચે દબાઇ જવાથી ખેડૂતનું કમકમાટીભર્યુ મોત

Text To Speech

સુરેન્દ્રનગરઃ પાટડી તાલુકાના સુરજપુરામાં ટ્રેક્ટર પલ્ટી ખાઇ જતા ટ્રેક્ટર નીચે દબાઇ જવાથી ખેડૂતનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. પોતાના ખેતરમાં જતા સમયે તલાવડીની ખાડમાં ટ્રેક્ટર પલટી ખાઇ જતા છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. પાટડી પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક ખેડૂતની તસવીર

પાટડી તાલુકાના સુરજપુરા ગામના ખેડૂત આગેવાન રમેશભાઇ કાંતીભાઇ જાકાસણીયા (પટેલ) રોજના નિત્યક્રમ પ્રમાણે પોતાના ઘેરથી ટાફે કંપનીનું મેસી ફર્ગુશન ટ્રેક્ટર નંબર GJ-13-EE-4989 લઇને પાટડી શડલા રોડ પર પોતાના ખેતરે જઇ રહ્યાં હતા. ત્યારે પુરઝડપે જઇ રહેલા ટ્રેક્ટરના સ્ટીયરિંગ પરનો કાબુ અચાનક ગુમાવી દેતા પાટડી શડલા રોડ પર મામાની તલાવડીની ખાડમાં ટ્રેક્ટર પલ્ટી ખાઇ ગયું હતુ અને ટ્રેક્ટરચાલક રમેશભાઇ કાંતીભાઇ જાકાસણીયા (પટેલ) ટ્રેક્ટર નીચે દબાઇ જતાં એમને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા એમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ ગોઝારી ઘટનાની જાણ થતાં આજુબાજુના ખેતરમાંથી લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતના ઘટનાની જાણ થતાં પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા અને નિલેશભાઇ રથવી સહિતનો પોલિસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતક રમેશભાઇ કાંતીભાઇ જાકાસણીયા (પટેલ)ની લાશ પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલ્યો હતો. આ મામલે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલિસ સ્ટાફના પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.

Back to top button