આતંકી-ત્રાસવાદી ઘટનાઓને લઈ સરકાર એલર્ટ; નર્મદા નદીના 5 બેટ પર પરવાનગી વગર પ્રવેશ નિષેધ


ભરૂચઃ જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા કોઇ ગુનાઇત કૃત્યને અંજામ અપવામાં આવે તેવી શક્યતાઓને લઇને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. બીજી તરફ જિલ્લા વહિવટી તંત્રએ પણ વિવિધ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આતંકવાદીઓ, ત્રાસવાદીઓ, અસામાજિક તત્વો દરિયાઇ માર્ગે આવી નર્મદા નદીમાં ઉપસી આવેલાં ટાપુઓ તેમજ આલીયાબેટ આવી રોકાણ કરે તેવી શક્યતાઓને લઇને જિલ્લાના પાંચેય ટાપુઓ પર અધિકૃત અધિકારીની પુર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત જૂના મોબાઇલ-સીમકાર્ડના વેચાણ તેમજ હોટલ, દુકાનો પર સીસીટીવી લગાવવા સહિતના વિવિધ મુદ્દાઓને લઇને ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યાં છે.
ઉપરાંત ત્રાસવાદીઓ દરિયાઇ માર્ગે આવી નર્મદા નદીમાં ઉપસી આવેલાં ટાપુઓ જેમકે સરફુદ્દીન બેટ, દશાન બેટ, મહેગામ બેટ, વેંગણી બેટ તેમજ આલિયાબેટમાં આવી રોકાણ કરે તેવી શક્યતાઓને લઇને તમામ બેટ પર અધિકૃત અધિકારીની મંજૂરી વિના કોઇ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમજ કોઇ પણ પ્રકારના બાંધકામ, ધાર્મિક મેળાવડા ન કરવા સૂચના અપાઇ છે. ઉપરાંત જો કઇ પ્રવેશ કરે તો તેમની સામે કાનની પગલાં ભરવામાં આવશે તેમ જણાવાયું છે.