ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ચાઈનીઝ દોરી વેચતાં પાલિકાની બાંધકામ સમિતિના પતિ સામે ફરિયાદ

પાલનપુર: આગામી દિવસોમાં મકરસંક્રાંતિનું પર્વ આવી રહ્યું છે. ત્યારે વાહન ચાલકો અને પક્ષીઓ માટે જીવલેણ સાબિત થતી ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર બનાસકાંઠા જિલ્લા કલેકટરે પ્રતિબંધ ફરમાવ્યો છે. છતાં આ હુકમને અવગણીને ચાઈનીઝ દોરી વેચતા પાલનપુર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેનના પતિ અને અન્ય બે વ્યક્તિઓ મળીને ત્રણ સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આ ફરિયાદ નોંધાતા ચેરમેન ના પતિ ફરાર થઈ ગયા છે.

ચાઈનીઝ દોરી-humdekhengenews

પૂર્વ પોલીસ મથકમાં ત્રણ સામે નોંધાયો ગુનો

બનાસકાંઠા જિલ્લામાં ચાઈનીઝ દોરીના પ્રતિબંધને અવગણીને ચાઈનીઝ દોરી વેચતા ત્રણ શખ્સો સામે પાલનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગેની હકીકત એવી છે કે, પાલનપુર પૂર્વ પોલીસ મથકનો સ્ટાફ શહેરના ગઠામણ દરવાજા પાસે હોન્ડાઈ સેન્ટ્રો કાર નંબર GJ-08-3903 ને રોકાવી તપાસ કરી રહ્યા હતા. ત્યારે કારમાં પડેલા ખાખી કલર ના ખોખા ને ખોલી તપાસ કરતા રૂપિયા 3000 ની કિંમતની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 15 જેટલી ફીરકીઓ મળી આવી હતી.

અશોક મહેશ્વરીની ઉત્સવ સીઝનમાંથી બે શખ્સોએ ખરીદી કરી હતી

આ ફીરકી અંગે ગાડીમાં બેઠેલા ચંડીસર (મૂળ ગોળા) ગામના લક્ષ્મણભાઈ રાજસંગભાઈ સોલંકી અને ભાવિકકુમાર પ્રકાશભાઈ પ્રજાપતિને પોલીસે દોરી ક્યાંથી ખરીદી હતી તેવું પૂછતા પાલનપુરના સીમલા ગેટ પાસે આવેલા ઉત્સવ સીઝનના માલિક અશોકભાઈ મહેશ્વરી પાસેથી આ દોરી ખરીદી હોવાનું જણાવ્યું હતું. આમ પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરી સાથે ઝડપાયેલા બે શખ્સો અને પાલનપુર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન હર્ષાબેન મહેશ્વરીના પતિ અશોકભાઈ મહેશ્વરી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. ફરિયાદ નોંધાતા જ અશોકભાઈ મહેશ્વરી ફરાર થઈ ગયા હતા.

ચાઈનીઝ દોરી-humdekhengenews

મહેશ્વરીનો ભાજપ સાથે ધરોબો
બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કલેકટરે ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. છતાં કલેકટરના જાહેરનામાની ઐસીતેસી કરીને ચાઈનીઝ દોરીનો વેપાર કરતાં ઉત્સવ સીઝનવાળા અશોકભાઈ મહેશ્વરી ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે. જેમની સામે પોલીસે ઈ. પી. કો. કલમ 188 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 મુજબ ફરિયાદ નોંધી છે. વાહનચાલકો અને પક્ષીઓ માટે ઘાતક બની રહેલી ચાઈનીઝ દોરીનું માત્ર આર્થિક ફાયદા ખાતર બે રોકટોક વેચાણ કરનારા હવે નાસતા ફરી રહ્યા છે.

આ પણ વાંચો :બનાસકાંઠા : રાજસ્થાનથી આવતી સ્વિફ્ટ કારમાંથી રૂ. 1.90 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

Back to top button