ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસ

PM મોદીએ સહકારી મંત્રાલય બનાવી સહકારિતા આંદોલનમાં પ્રાણ પૂર્યા છે: અમિત શાહ

ગાંંધીનગરઃ સહકાર મંત્રી  અમિત શાહે ગુજરાતભરમાંથી સહકાર સંમેલનમાં સહભાગી થયેલા સહકારી આગેવાનો ખેડૂતો ભાઈઓ-બહેનોને આવકારતા કહ્યું હતું કે, ગુજરાત સહકારીતા ક્ષેત્રનું સફળતાનું મોડેલ છે. કોઈ પણ ક્ષેત્રમાં ગુજરાતે સહકારિતાના આત્માને બચાવ્યો છે. દેશભરમાં બહુ ઓછા પ્રાંત છે કે જ્યાં પેક્સથી એપેક્સ સુધી સહકારિતા સિદ્ધાંત અને પારદર્શિતા પર ચાલતી હોય તેમાં આપણું ગુજરાત એક છે જે બદલ સહકારિતા કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણને યાદ છે કે, આઝાદીના સમયથી સ્વાવલંબન–સ્વદેશીના બે આધાર સ્તંભ પર સરદાર પટેલ અને  મોરારજી દેસાઈએ ગાંધીજીના નેતૃત્વમાં શરૂઆત કરી હતી ત્યારબાદ ત્રિભુવનદાસ પટેલ અને વૈકુંઠભાઇ મહેતા જેવા અનેક કાર્યકર્તાઓએ સહકારિતા ક્ષેત્રને મજબૂત કરવા પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું છે. આ જ કારણે તેમણે વાવેલું સહકારિતાનું બીજ વટવૃક્ષ બની વિશ્વની સમક્ષ આજે ઉભું છે.

હું સહકારીતા ક્ષેત્રે જોડાયો ત્યારથી સર્વે સહકારી કાર્યકરોની માંગ હતી કે, કેન્દ્રમાં સહકારિતા માટેનું અલગ મંત્રાલય હોય તેવું કહી સહકાર મંત્રી  અમિત શાહે જણાવ્યું હતું કે, તે સમયે કોઇ સરકારે આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કર્યું ન હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષ પહેલા ક્રાંતિકારી પગલું ભર્યું અને કેન્દ્રમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. આ કદમ થકી આવનારા ૧૦૦ વર્ષ સુધી સહકારિતા આંદોલનમાં પ્રાણ પૂરાયા છે. તેમણે ઉમેર્યું હતું કે, મંત્રાલયના નિર્માણ બાદ આ સરકારે એવું ઉમદા નિર્ણય લીધો છે કે ખાંડની મિલોને વધારે નફો થતો તે કિસાનના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરતાં હતા ત્યારે ઇન્કમટેક્સ લાગતો હતો. બજેટમાં આ ટેક્સ દૂર કરીને કિસાનોને રૂ. ૮,૦૦૦ કરોડનો ફાયદો આ સરકારે કરાવ્યો છે. સહકારિતા ક્ષેત્ર પરના સરચાર્જ ટેક્સને પણ ૧૨ ટકાથી ઘટાડીને ૭ ટકા આ બજેટમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સહકારીતા પર ૧૮.૫ ટકા વેટ હતો તે ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે. મંત્રીએ કહ્યું હતું કે ફેબ્રુઆરી-૨૦૨૦માં એક ઠરાવ કરીને ક્રેડિટ ગેરંટી ફંડની જેટલી યોજનાઓ છે તે હવે કો-ઓપરેટીવના માધ્યમથી જ ચાલશે. ભારત સરકારના તમામ મંત્રાલયની એક દિવસની બેઠક યોજાઈ હતી જેમાં સહકારિતા મંત્રાલયને પ્રાધાન્ય આપવાનું નક્કી કરાયું. આ ક્ષેત્રે અનેક નિર્ણયો પ્રગતિમાં છે. આ બજેટમાં ઘોષણા કરી છે ૬૩,૦૦૦થી વધુ પેક્સ કાર્યરત છે તે તમામનું કમ્પ્યુટરાઇઝેશન કરવાનું કામ ભારત સરકાર -નાબાર્ડ સાથે મળીને કરી રહી છે. આ ક્રાંતિકારી પગલુ આપણી ત્રિસ્તરીય કૃષિ ફાઇનાન્સ ક્રેડિટ સિસ્ટમ માટે લેવાઇ રહ્યું છે. પેક્સની જેમ જિલ્લા સહકારી બેન્ક, રાજ્ય સરકારી અને નાબાર્ડનું પણ એક જ પ્રકારનું સોફ્ટવેર હશે. નાબાર્ડના કોમ્પ્યુટરની અંદર તમામ પેક્સનું દૈનિક જે વેપાર-રિકવરી થાય છે તે તમામ નાબાર્ડ સુધી પહોંચશે. જેના પરિણામે પારદર્શિતા આવશે. જેથી પેક્સ બંધ કરવાનો સમય જ નહીં આવે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.

તેમણે કહ્યું હતું કે નવી સરકાર નીતિ બનાવવા પણ ભારત સરકારે વેબસાઇટ અને પ્રત્યક્ષ સૂચનો મંગાવવાના શરૂ કર્યા છે. સહકારી સંસ્થાઓ સાથે બેઠક પણ કરી છે. પેક્સમાં માછલી પાલનની સહકારી સમિતિઓ, દૂધ ઉત્પાદક સહકારી સમિતિઓ, ઘાસચારો એકત્રિત કરતી સમિતિઓ અથવા કોઇ પણ પ્રકારની સહકારી સમિતિઓનો એક મોટો ડેટા બેન્ક ભારત સરકાર તૈયાર કરવા જઇ રહી છે. આ સાથે પેક્સને બહુઉદેશીય બનાવવા પણ ભારત સરકાર કામ કરી રહી છે. સહકાર મંત્રીએ કહ્યું હતું કે હાલમાં ઓર્ગેનિક કૃષિ ઉત્પાદન મંડળીઓ માટે કોઇ વ્યવસ્થા નથી. AMUL હેઠળ ભારત સરકાર નજીકના સમયમાં પ્રથમ લેબોરેટરી અમૂલ ફેડ, ગાંધીનગર ખાતે ડેરીમાં તેયાર કરવા જઇ રહી છે. આનો વિસ્તાર કરીને તમામ જિલ્લામાં તેની લેબ તૈયાર થવાથી પ્રામાણિત ઓર્ગેનિક કૃષિ ઉત્પાદન ખેડૂત પાસે પહોંચશે તેનો ફાયદો ખેડૂતોને થશે. આ લેબથી એક મોટુ સહકારિતા આધારિત નેટવર્ક તૈયાર થશે. ભારત સરકાર મલ્ટિ સોસાયટી કો-ઓપરેટિવ એક્ટમાં પણ ખૂબ મોટા સુધારા કરવા જઇ રહી છે.તેમણે કહ્યું હતું કે ભારતમાં આ સહકારીતા મંત્રાલયની નવી શરૂઆત થઇ છે ત્યારે તેમાં નિમણુંક પ્રક્રિયા, ખરીદી અને ઓડિટ સિસ્ટમમાં ખૂબ મોટી પારદર્શિતા આવશે. આ તમામ પ્રક્રિયા બદલવા રાજ્યો સાથે પણ ચર્ચા ચાલી રહી છે. આ બદલાવ આવવાથી સહકારિતા આંદોલનની વિશ્વસનીયતામાં વધારો થશે અને આ આંદોલનમાં  નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં નવો પ્રાણ ફૂંકાશે. ભારતને ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવા PM શ્રી મોદીજીનું સ્વપ્ન સાકાર કરવામાં સહકારી ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન ગણાશે.

સહકારીતા મંત્રીએ કહ્યું હતું કે આજે નેનો યુરિયા પ્રવાહી સ્વરૂપે પ્લાન્ટનું કલોલ ખાતે શ્રી મોદીજીના હસ્તે ઇ-લોકાર્પણ થયું છે તેના ખૂબ મોટા ફાયદા છે. આ નેનો યુરિયાથી આપણી જમીન, પાણી અને હવા પ્રદૂષિત થતી બચશે અને ખેડૂતોનું સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. નેનો યુરિયા પ્રવાહીના ઉત્પાદનથી એક બેગની જગ્યાએ માત્ર ૫૦૦ મિલિ લિટરની નાની બોટલ ખેડૂતો પોતાના પોકેટમાં ઘરે લઇ જઇ શકે તેટલું સરળ બનશે. જેનાથી પરિવહન ખર્ચ અને શક્તિ બચશે, આ કૃષિ ક્ષેત્રે મોટો બદલાવ છે. ખેતરમાં જ્યારે આપણે યુરિયા નાખીએ છીએ ત્યારે માત્ર ૨૫ ટકા યુરિયા જ ઉત્પાદન વધારવા કામ આવે છે, ૭૫ ટકા યુરિયા હવામાં ઓગળી જાય છે તેની સામે નેનો યુરિયા પ્રવાહી ઉત્પાદન વધારવામાં ૯૯ ટકા કામ આવે છે. ૧૦૦ ટકા ખેત ઉત્પાદન વધારવાના આ નવા પ્રયોગની શોધ બદલ ઇફ્કોના વૈજ્ઞાનિકો અને કેન્દ્રીય ખાતર મંત્રી મનસુખ માંડવિયા સહિત તમામને સહકાર મંત્રીએ આ પ્રસંગે અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાન મોદીજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સહકારિતા ચળવળમાં કોઇ કસર છોડવામાં આવશે નહિ તેવી પણ આ પ્રસંગે સહકારિતા મંત્રીએ સહકાર ક્ષેત્રના ભાઇ-બહેનોને વિશ્વાસ અપાવ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણી, જમીન અને હવા પ્રદૂષિત ન થાય તેવા નિરામય ભારતની કલ્પના કરી છે તેમની આ કલ્પનાને ચરિતાર્થ કરવા માટે નેનો યુરિયા તરલ સ્વરૂપે ઇફ્કોએ બનાવ્યું છે જેને આજે દેશભરમાં વિતરણ કરવા ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

Back to top button