હેલ્થ

ઠંડીમાં હાર્ટ એટેકથી બચવા કરો આ ઉપાય, સ્વસ્થ રહેશે દિલ અને મસ્ત રહેશો આપ

ગુજરાતમાં ઠંડીની અસર ધીમે ધીમે વર્તાઈ રહી છે ત્યારે આવનારા સમયમાં ઠંડી વધવાની પૂરી શક્યતાઓ છે. ઠંડી વધવાની સાથે હાર્ટ એટેકની જોખમ પણ વધી જાય છે. જે લોકો હાર્ટની બીમારીથી પીડાઈ રહ્યા છે તે લોકોએ ખાસ આ મોસમમાં વધારે કાળજી લેવાની જરૂર છે. શિયાળામાં તાપમાન નીચું જવાને કારણે હાર્ટમાં રહેલી ધમનીઓ સંકોચાઈ જાય છે જેના લીધે રક્તસંચારમાં પ્રભાવ પડે છે. આવામાં જો ઠંડીનું પ્રમાણ વધે અને યોગ્ય દરકાર લેવામાં ન આવે તો હાર્ટ એટેકની સંભાવના વધી શકે છે.

ઠંડીમાં હાર્ટ એટેકથી કેવી રીતે બચવું?

1. શિયાળમાં વહેલી સવારે અને રાતે તાપમાન સૌથી ઓછું હોય છે. આથી આ સમયે ઘરની બહાર નીકળવું જોઈએ નહિ. નીચા તાપમાનમાં બહાર રહેવાથી હાર્ટ પર અસર થઇ શકે છે અને એટેકનો ખતરો વધી શકે છે. જો આ સમયે બહાર નીકળવું પડે તો પૂરું શરીર ઢંકાય તે રીતના અને ગરમ કપડા પહેરીને નીકળવું જોઈએ.

2. ઘણા લોકોને વહેલી સવારે કસરત કરવાની આદત હોય છે, પણ શિયાળામાં વહેલી સવારે કસરત ટાળવી જોઈએ. જો તમે તમારા હાર્ટને સ્વસ્થ રાખવા માંગો છો તો સવારે 7-8 વાગ્યા પછી જ એકસરસાઈઝ કે અન્ય કોઈપણ પ્રકારની શારીરિક કસરત કરવી જોઈએ. મોડી સાંજે પણ એકસરસાઈઝ કરવાનું ટાળવું જોઈએ. આનાથી કાર્ડીઓવેસ્ક્યુલર હેલ્થ પણ સારી રહેશે.

3. ઠંડીમાં શરીરને ગરમ રાખવું પણ જરૂરી છે, જો શરીરનું તાપમાન જળવાઈ રહેશે તો પણ હાર્ટ અટેકનો ખતરો ટળી શકે છે. જો તમારા શરીરનું ઉષ્ણતામાન બરાબર રહેશે તો તમારું હાર્ટ પણ હેલ્ધી રહેશે. શિયાળામાં ગરમ કપડા પહેરી રાખવા જોઈએ અને સ્મોકિંગ જેવી આદતોથી દુર રહેવું જોઈએ.

4.હાર્ટને હેલ્ધી રાખવા માટે વોકને ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે શિયાળામાં રોજ લગભગ 4 કિમી જેટલું ચાલશો તો તમારું હાર્ટ હેલ્ધી રહેશે. જો કે આ વોક પણ વહેલી સવારે અને મોડી રાતે કરવું ટાળવું જોઈએ.

5. શિયાળાની ઋતુમાં ખાવા પર પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડાયેટમાં ઠંડી વસ્તુઓના સેવનને ટાળવું જોઈએ. ફળ અને લીલા શાકભાજીનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ. અને જો તમે દવા લેતા હોય તો દવા સમયસર લેવી જોઈએ.

6. અમુક લોકો શિયાળામાં બોડી બનાવવા હેતુ જીમની સાથે સપ્લીમેન્ટ પણ લેતા હોય છે જેનાથી પણ હૃદયરોગનો ખતરો વધી જાય છે. શિયાળામાં જ નહી પરંતુ કોઈપણ ઋતુમાં સપ્લીમેન્ટ લેવાનું ટાળવું જોઈએ અને જીમમાં જતા પહેલા તમારા કાર્ડીઓલોજીસ્ટની સલાહ ખાસ લેવી જોઈએ.

Back to top button