કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

એશિયાટિક લાયનનું નવું ઘર બની શકે છે આ વિસ્તાર, સરકાર કરી રહી છે તૈયારી

ગીર જંગલમાં સિંહોની વસ્તી છેલ્લી પંચવર્ષીય ગણતરી મુજબ વધીને 674 થઈ છે જે પાંચ વર્ષમાં 29 ટકાનો તોતિંગ વધારો સૂચવે છે, જંગલ વિસ્તાર ઘણો ટૂંકો પડે છે તેથી ગુજરાતનું ગૌરવ એવા સિંહો સતત નવા નવા વિસ્તારમાં આવાસ શોધી રહ્યા છે જેના કારણે રાજકોટ, ચોટીલા, ગોંડલ, જેતપુર સહિત અનેક સ્થળે અનેકવાર ગીરના એશિયાટિક સિંહોના દર્શન થાય છે. હવે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ લાયન હેઠળ આ સિંહો માટે નવો રહેણાંક વિસ્તાર જ્યાં ત્યાં વારંવાર દેખા દે છે તે રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં ઉભો કરવા રાજ્યના વન વિભાગ દ્વારા નિર્ણય લીધો છે.

જેતપુર પંથકને લાયન ટેરેટરી કરાશે જાહેર

એશિયાટિક સિંહની એક માત્ર ભ્રમણભૂમિ આમ તો ગિર ગણાય છે. છેલ્લા કેટલાક સમયથી સિંહના વિચરણનો વિસ્તાર વધ્યો છે. રાજકોટ નજીક સિંહ આવી ગયાના કિસ્સા અનેકવાર બન્યા છે. જ્યાં જ્યાં સિંહના પગલાં થયાં છે તે વિસ્તારને હવે લાયન ટેરેટરીમાં સમાવવા અને સત્તાવાર રીતે ત્યા સિંહ વિચરણ કરી શકે કે વસવાટ કરી શકે તેવી યોજના પુખ્ત સ્તરે પહોંચી છે. ટૂંક સમયમાં તે અંગે સત્તાવાર જાહેરાત થશે. ગિર પણ દૂર નથી પરંતુ સિંહ હવે રાજકોટથી વધારે નજીક આવશે તેવું કહી શકાય.

આ વિસ્તારમાં ઉભી કરાશે આટલી સવલતો

આ અંગે વન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે રાજકોટથી જુનાગઢ વચ્ચે જેતપુર પંથકમાં સિંહોનો કુદરતી વિસ્તાર ઉભો કરાશે, આ કામગીરી બહુ લાંબો સમય ચાલશે અને ઈ.સ. 2047 સુધીમાં ગીર જંગલ સિવાયનો વિસ્તાર પણ સિંહોનો કાયદેસરનો વિસ્તાર બનશે. આ માટે સિંહોને જે પ્રકારનો રહેણાંક વિસ્તાર પસંદ છે તે મૂજબ ઘાસના મેદાનો, વન વિભાગની વીડી વિસ્તારનો વિકાસ, જળસ્ત્રોત વગેરે ઉભા કરાશે. આ વિસ્તારમાં નીલગાય, ભૂંડ સહિતનો ખેડૂતોને ત્રાસ છે અને બીજી તરફ સિંહોને શિકાર મળી રહે તેમ છે, ખેડૂતો અને લોકોને સિંહો શા માટે જરૂરી છે તેની સમજ આપવામાં આવશે અને ગીર વિસ્તારમાં ખેડૂતો તો સદીઓથી સિંહોની મુક્ત અવરજવર વચ્ચે ખેતી કરતા હોય છે તેમ અન્ય વિસ્તાર બનાવવા પણ માર્ગદર્શન અપાશે તેમ વન વિભાગના અધિકારી તુષાર પટેલે જણાવ્યું હતું.

ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત

પ્રોજેક્ટ સફળ થયે રાજકોટ-જુનાગઢ હાઈવે નજીક કેટલાક વિસ્તાર સિંહના નિવાસ એવા ગીર અભ્યારણ્ય જેવા બની જશે જ્યાં મુક્ત વિહરતા સિંહ જોવા મળી શકશે. નેચરલ હેબીટાટ અર્થાત સિંહના વસવાટ અને વિહાર માટે કુદરતી વાતાવરણ ઉપલબ્ધ થાય તે માટે જસદણ, વીંછિયા, ધોરાજી, જેતપુર સહિત ગામોની સીમા સાથે સંલગ્ન વિસ્તારમાં સિંહ જો આવી ચડે તો કોઈ ખલેલ વગર ફરી શકે, રહી શકે તેવી વ્યવસ્થા કરાશે. કેન્દ્ર સરકારે આ યોજના કરી છે, ટૂંક સમયમાં રાજ્ય સરકાર તેની સત્તાવાર જાહેરાત કરશે તેવું પણ સૂત્રો કહે છે. ગુજરાત-સૌરાષ્ટ્રના વનવિભાગના અધિકારીઓએ આ અંગે તમામ પ્રકારની તૈયારી પણ શરૂ કરી દિધી છે.

Back to top button