નાશિક: બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં આગ, 2ના મોત, 17 ઘાયલ, મૃતકોના પરિજનોને 5-5 લાખની સહાયની જાહેરાત
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલી પોલી ફિલ્મ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતા જ મુખ્યમંત્રી એકનાથ શિંદે ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સાથે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
A massive fire incident at a industry located at Igatpuri #Maharashtra. Prompt & timely response by #SouthernCommand Search & Rescue Helicopter requisitioned by civil administration to evacuate casualty.#SouthernCommandYodha#HarKaamDeshKeNaam pic.twitter.com/0vHqRgTfZD
— Southern Command INDIAN ARMY (@IaSouthern) January 1, 2023
વિસ્ફોટ દૂર સુધી સંભળાયો
અધિકારીઓએ જણાવ્યું કે નાસિક જિલ્લા મુખ્યાલયથી 30 કિલોમીટર દૂર સ્થિત ફેક્ટરીમાં રવિવારે સવારે 11 વાગ્યે બોઈલર પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી અને ભીષણ જ્વાળાઓ દેખાવા લાગી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગ, પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. ભારતીય સેનાના સધર્ન કમાન્ડે તેના ફેસબુક પેજ પર દુર્ઘટના બાદ વીડિયો શેર કર્યો છે, જેમાં ઉંચી જ્વાળાઓ ઉછળતી જોવા મળી રહી છે.
ધડાકો એટલો જોરદાર હતો કે તેનો અવાજ આસપાસના ગામો સુધી સંભળાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી જોઈ શકાતા હતા. સીએમ શિંદેએ કહ્યું, તે એક ઓટોમેટેડ પ્લાન્ટ હોવાથી, બ્લાસ્ટ સમયે ત્યાં ઘણા બધા લોકો હાજર ન હતા. બચાવ કામગીરી માટે જે પણ પ્રયાસો કરવા પડશે, સરકાર કરશે. તેમાં કોઈ કમી રહેશે નહીં. અમારા અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને એસપી સ્થળ પર હાજર છે.
આ પણ વાંચો : દિલ્હી : યુવકોએ કારમાં યુવતીને 8KM સુધી ઢસેડી ગયા, દર્દનાક મોત, 5 આરોપીની ધરપકડ