સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બોગસ ટિકિટો મળી આવતા ખળભળાટ, ઓથોરીટી નોંધાવી ફરિયાદ
ગુજરાતના લોકપ્રિય પ્રવાસન સ્થળ પર રોજ દેશ વિદેશથી હજારો લોકો મુલાકાત લેવા માટે આવતા હોય છે. જો છેલ્લા કેટલાક દિવસની વાત કરવામાં આવે તો વર્ષના છેલ્લા પાંચ દિવસોમાં સ્ટેચ્યું ઓફ યુનિટીમાં 4 લાખથી વધુ મુલાકાતીઓ આવ્યા હતા. ત્યારે આ પ્રવાસન સ્થળ પર ટિકિટોમાં ગેરરીતી થઈ હોવાનું સામે આવ્યું છે.
10,000થી વધુની રકમની ડુપ્લિકેટ ટિકિટ મળી
સ્ટેચ્યુ ઓફ યુનિટીની 10,000થી વધુની રકમની ડુપ્લિકેટ ટિકિટ બનાવીને વેચવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેટલાક વ્યક્તિઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટોમાં છેડછાડ કરીને ટિકિટો વેચવાનો આજે પર્દાફાસ થયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટોમાં છેડછાડ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટીને આર્થિક નુક્સાન પહોંચાડવાનારને ઝડપી પાડવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્ટાફે આ ડુપ્લિકેટ ટિકિટો પકડી છે.
મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટ સાથે છેડછાડ કરી રૂ. 10,030 ની છેતરપિંડી કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીને આર્થિક નુકસાન પહોચાડનારા વિરુદ્ધ ઓથોરીટીએ લાંલ આંખ કરી છે. અને આ મામલો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
જાણો કેવી રીતે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી
સ્ટેચ્યુ ઓફ યુનિટીના PROને 30 ડિસેમ્બરના રોજ કેટલાક પ્રવાસીઓ પાસે રહેલી ટિકિટો શંકાસ્પદ જણાઈ હતી. જેથી આ ટિકિટોની ચકાસણી કરી હતી જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડલ્ટ 8 તથા ચાઇલ્ડ 8 ટિકિટ અને એકતા નર્સરી ટ્રાયબલ કાફેટેરીયાની 8 ટિકિટો બૂકિંગ થયેલી જણાઇ હતી. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટથી વધુમા વધુ 6 જ ટિકિટ જ બૂક થઇ શકે તેમ છે. જેથી આ ઓફિસરે ઓફીસમાં જઈ ટિકિટ સર્વર ચેક કર્યું હતું. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની એડલ્ટ 1 તથા ચાઇલ્ડ 1 ટિકિટ અને એકતા નર્સરી ટ્રાયબલ કાફેટેરીયાની 2 ટિકિટ બૂકિંગ થયેલી હતી. જેથી આ ટિકિટો ડુબ્લીકેટ હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે વધુ પણ ડુબ્લીકેટ ટિકિટો હોવાની શંકા જતા તપાસ કરતા અન્ય બોગસ ટિકિટો મળી આવી હતી. આ ટિકિટોમાં છેડછાડ કરી ખોટો દસ્તાવેજ ઉભો કરીને રૂ. 10,030 ની છેતરપિંડી કરવામા આવી હોવાનું માલુમ પડ્યું હતું.
પ્રવાસીઓને તંત્રની અપીલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બોગસ ટિકિટો મળી આવતા તંત્ર આ મામલે હવે સતર્ક બન્યું છે. અને અહી આવતા તમામ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓફિસિયલ વેબસાઈટ www.soutickets.in પરથી જ ટિકિટ બૂક કરાવવા જણાવ્યું છે. તેમજ એન્ડ્રોઇડ એપ્લિકેશન statue of unity ticket official પરથી પણ ટિકિટ બૂક કરાવી શકાય છે. તેવું પણ જણાવ્યું છે. તેમજ વધુ માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર – 1800 233 6600 પર ફોન કરવા જણાવ્યું છે.
આ પણ વાંચો : રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદની શક્યતા, જાણો શું છે નવી આગાહી