WhatsAppને કેન્દ્ર સરકારની ફટકાર, ‘ભારતમાં રહેવું હોય તો નકશા સાથે ના રમો રમત’
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppને ફટકાર લગાવી છે. WhatsAppએ પોતાના ટ્વિટમાં ભારતના ખોટા નકશાનો ઉપયોગ કર્યો છે. કેન્દ્રીય મંત્રીએ થોડા દિવસો પહેલા ઝૂમના સીઈઓ એરિક યુઆનને ચેતવણી આપી હતી. તેણે હવે ટ્વિટર પર મેટાની માલિકીની મેસેજિંગ એપને ચેતવણી આપી છે.
ટ્વીટમાં મંત્રીએ શું કહ્યું?
રાજીવ ચંદ્રશેખરે ટ્વીટ કર્યું કે ડિયર WhatsApp, હું પ્રાર્થના કરું છું કે તમે ભારતના નકશામાં બનેલી ભૂલને વહેલી તકે સુધારી લો. તેમણે કહ્યું કે ભારતમાં વ્યાપાર કરતા તમામ વ્યવસાયો અને જેઓ ભારતમાં વેપાર કરવાનું ચાલુ રાખવા માંગે છે તેઓએ સાચા નકશાનો ઉપયોગ કરવો જોઈએ.
Dear @WhatsApp – Rqst that u pls fix the India map error asap.
All platforms that do business in India and/or want to continue to do business in India , must use correct maps. @GoI_MeitY @metaindia https://t.co/aGnblNDctK
— Rajeev Chandrasekhar ???????? (@Rajeev_GoI) December 31, 2022
કેન્દ્રીય મંત્રીએ WhatsAppના ઓફિશિયલ હેન્ડલ પર ટ્વીટ કરાયેલા એક વીડિયો તરફ ધ્યાન દોર્યું. જેમાં ફોલોઅર્સને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ 24 કલાકના લાઈવ સ્ટ્રીમ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમાં આપેલા ગ્લોબમાં ભારતનો ખોટો નકશો હતો. તે જમ્મુ અને કાશ્મીર સંબંધિત ભૂલ હતી.
ચંદ્રશેખરે અગાઉ Zoomના CEO પર પ્રહારો કર્યા હતા
આ પહેલા 28 ડિસેમ્બરે મંત્રીએ Zoomના CEO એરિક યુઆન પર હુમલો કર્યો હતો, જેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર ભારતનો ખોટો નકશો શેર કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તમારે ખાતરી કરવી જોઈએ કે તમે તે દેશોના સાચા નકશાનો ઉપયોગ કરો છો જેમાં તમે વેપાર કરવા માંગો છો.
ટીકાનો સામનો કરતા યુઆને તેના સત્તાવાર એકાઉન્ટમાંથી ટ્વીટ હટાવી દીધી હતી. તેણે કહ્યું હતું કે મેં હાલમાં જ એક ટ્વીટ ડિલીટ કરી છે, જેના સંબંધમાં તમારામાંથી ઘણા લોકોએ નકશાને લઈને સમસ્યાઓ ઉઠાવી હતી. તેમણે કહ્યું કે પ્રતિસાદ માટે આભાર.