પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ : આજે ઉજવાયો ‘દર્શન-શાસ્ત્ર દિન’ જાણો શું રહ્યું વિશેષ
અમદાવાદને આંગણે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાય રહ્યો છે, તેને અંતર્ગત રોજ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતુ હોય છે. તેથી આજે પણ શતાબ્દી મહોત્સવમાં ‘દર્શન-શાસ્ત્ર દિન’ની ઉજવણી કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણે ભારતના દાર્શનિક ઇતિહાસમાં વૈદિક, સનાતન, સ્વતંત્ર અક્ષરપુરુષોત્તમ દર્શનની ભેટ આપીને ષડ્દર્શનની શૃંખલમાં એક નુતન અને મૌલિક પૃષ્ઠ ઉમેર્યું છે. તેથી જ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી, ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત આ દર્શનનું શાસ્ત્રીય રીતે પ્રતિપાદન કરતાં મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના કરી છે. આ પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના થયા બાદ, ઉત્તર-દક્ષિણ ભારતમાં અને વિદેશોમાં પણ પ્રખર વિદ્વાનો દ્વારા અક્ષરપુરુષોત્તમ દર્શનના તત્ત્વજ્ઞાનને એક નૂતન અને મૌલિક તત્ત્વજ્ઞાન તરીકે સ્વીકાર અને આવકાર મળી રહ્યો છે.
આ પણ વાંચો :
આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ ઇકો ફ્રેન્ડલી નગર છે : આદર્શજીવન સ્વામી
ભગવાનના ધૂન અને કીર્તન સાથે સાંજે ૪:૪૫ વાગ્યે ‘દર્શન-શાસ્ત્ર’ દિનના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમાં BAPS ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ જીવન અને કાર્યને વર્ણવતા કહ્યું હતું કે,“આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ આકર્ષક અને આહલાદક , મૌલિક અને અલૌકિક , પ્રેરક અને પ્રભાવક છે અને પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવના દર્શાવે છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ ઇકો ફ્રેન્ડલી નગર છે કારણકે આશરે ૨૦૦ જાતિના અલગ અલગ ૧૦,૩૫,૧૦૮ ફૂલ છોડ વાવવામાં પ્રમુખસ્વામી મહારાજની પર્યાવરણના જતન & સંવર્ધનની ભાવનાને પ્રદર્શિત કરે છે. પ્રમુખસ્વામી મહારાજની જીવનશૈલી જળકમળવત્ હતી કારણકે જેમ કમળ કાદવની વચ્ચે રહે છે પરંતુ તેને અસર નથી થતી તે રીતે પ્રમુખસ્વામી મહારાજ આ સંસારથી નિર્લિપ્ત અને નિર્વિકારી રહેતા. પ્રમુખસ્વામીની જીવન શૈલીનું દર્શન રાજકમલ નામના કમળપત્રમાં જોવા મળે છે અને આ પ્રમુખસ્વામી મહારાજ નગરના નાનામાં નાના છોડને પણ મર્મ સાથે રોપવામાં આવ્યો છે.”
ભગવાન સ્વામિનારાયણે સમાજને અક્ષર પુરુષોત્તમ દર્શનનું અમૃત પીવડાવ્યું : પૂ. ભદ્રેશદાસસ્વામી
BAPSના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસસ્વામીએ ‘શાસ્ત્રોના વિરલ પ્રેરણામૂર્તિ: પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત શાસ્ત્ર રચનાના વિરલ કાર્યને અંજલિ આપતાં કહ્યું, “આજે ભારતભરની તમામ સંસ્કૃત પાઠશાળામાંથી આવેલા વિદ્ધાન કુલપતિઓનું આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સ્વાગત છે. ભારતની ભૂમિએ ભગવદગીતાની ભૂમિ છે અને બ્રહ્મસૂત્રની ભૂમિ છે જ્યાં શ્રદ્ધા અને તર્કનું અદ્ભુત સંતુલન જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણે સમાજને અક્ષર પુરુષોત્તમ દર્શનનું અમૃત પીવડાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણે ઉદ્દબોધેલ વચનામૃત ને યોગ શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો યોગ લાગે છે, સાંખ્ય શાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ સાંખ્ય લાગે છે તેવો અજોડ ગ્રંથ છે વચનામૃત.”
આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી
પ્રમુખસ્વામી મહારાજ કરુણાસભર પુરુષ હતા : પી ડી વાઘેલાજી
ટ્રાઈના ચેરમેન પી ડી વાઘેલાજીએ જણાવ્યું હતું કે , “મારા માટે સૌભાગ્યની વાત છે કે ૧૯૯૩ માં મહેસાણામાં પ્રથમ વખત પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન થયા અને ત્યારબાદ તેમની મારા પર ખૂબ જ કરુણા અને આશીર્વાદ રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ કરુણાસભર પુરુષ હતા અને સાથે સાથે કુશળ પ્રબંધક હતા. પ્રમુખસ્વામી મહારાજ મને કહેતા કે જે કાર્ય કરો તે સર્વશ્રેષ્ઠ અને નિર્ભય બનીને કરો, મનને જીતવાની કોશિશ કરો અને સત્યની સાથે રહો.”
બાપજીમાં મન કર્મ અને વચનની એકાત્મતા જોવા મળતી : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલાએ જણાવ્યું હતું કે , “ગાંધી સરદાર અને પ્રમુખસ્વામી મહારાજની ભૂમિમાં આજે ભારતભરનાં સંસ્કૃત વિદ્યાલયોનાં વિદ્વાનો પ્રમુખસ્વામી મહારાજ નગરના દર્શને આવ્યા છે એ આપણાં માટે ગૌરવની વાત છે. પ્રમુખસ્વામી મહારાજમાં મન કર્મ અને વચનની એકાત્મતા જોવા મળતી હતી.”
ભારત ફરી એકવાર સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે : પદ્મભૂષણ વિજય ભાટકર
ભારતના સુપરકોમ્પ્યુટરના જનક અને નાલંદા યુનિવર્સિટીના કુલપતિ પદ્મભૂષણ વિજય ભાટકરે જણાવ્યું હતું કે, “આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવીને એક અદ્ભુત અનુભૂતિ થઈ છે. પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ હોય તો અશકય પણ શક્ય બને છે. આપણાં સૌનો જન્મ એક મહાન સંસ્કૃતિ અને મહાન દેશમાં થયો છે અને એ સંસ્કૃતિનું દર્શન આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થાય છે અને હું દૃઢપણે માનું છું કે ભારત ફરી એકવાર સાચા અર્થમાં વિશ્વગુરુ બનશે. સંત પરમ હિતકારી જોઈને અદ્ભુત અનુભૂતિ થઈ.”
આજે એકેડેમિક કોન્ફરન્સ પણ યોજાઈ
આ ઉપરાંત આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ‘The Contribution Of Aksar-Purusottama Darshana In Vedic Tradition’ નામની એકેડેમિક કોન્ફરન્સ પણ યોજાઈ હતી. જેમાં ભાષ્ય પરંપરાને પુનર્જીવિત કરી ભારતીય વેદાંત દર્શનનમાં ઐતિહાસિક અને વિરાટ પ્રદાન કરનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ‘અક્ષર પુરુષોત્તમ દર્શનનું વૈદિક પરંપરામાં પ્રદાન’ વિષયક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું .
આ કોન્ફરસનું આયોજન BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દિલ્લી, સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી, દિલ્લી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ અને આર્ષ સંશોધન કેન્દ્ર(AARSH), ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં શ્રી અક્ષર-પુરુષોત્તમ દર્શનને વ્યાપક રીતે ઊંડાણથી સમજવાનો અને આ દર્શનના દાર્શનિક, સામાજિક, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સાહિત્યિક પાસાંઓની છણાવટ કરવામાં આવી હતી. વિદ્વાનો દ્વારા શ્રી અક્ષર-પુરુષોત્તમ દર્શનના વિશિષ્ટ સિદ્ધાંતો, અન્ય દર્શનો સાથે તેની તુલના અને ધાર્મિક વિધિ-વિધાનો, પરંપરા, ઉપદેશ અને મૂલ્યો દ્વારા આ દર્શન કેવી રીતે વ્યવહારમાં પ્રસ્થાપિત છે તેના પર રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા.
ભદ્રેશદાસ સ્વામીએ સ્વાગત પ્રવચન આપ્યું
સ્વાગત પ્રવચનમાં મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ આજના સંમેલનમાં ભારતની તમામ મુખ્ય સંસ્કૃત યુનિવર્સીટીના વાઈસ ચાન્સલરનું સન્માન કર્યું. ઉપસ્થિત ૨૦ થી વધુ સંસ્કૃત યુનિવર્સિટીઓના પ્રિન્સિપાલ, ૯૦ જેટલાં પ્રોફેસરો અને વિદ્યાર્થીઓનું પણ સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું, “ પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનના વિષયોમાં આ વિદ્વાનો પારંગત છે. અક્ષરપુરુષોત્તમ દર્શન વિષયક સંગોષ્ઠીમાં આપ પધાર્યા, આપ સૌનું ભાવભીનું સ્વાગત કરું છું.”
પ્રમુખસ્વામી મહારાજ સમતાધારી અને વૈવિધ્ય પ્રત્યે ઔદાર્યપૂર્ણ હતા : ડૉ. લલિત પટેલે
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઉપ-કુલપતિ ડૉ. લલિત પટેલે જણાવ્યું હતું કે, “ભદ્રેશદાસ સ્વામી દ્વારા રચવામાં આવેલા અક્ષરપુરુષોત્તમ દર્શન વિશ્વભરમાં ઉત્તમોત્તમ વિદ્વાનોની નજરમાંથી પસાર થઈ સ્વીકૃતિ પામી ચૂક્યું છે. વિદ્વાન એ છે જેના વાણી, વિચાર અને વર્તનમાં કોઈ ભેદબુદ્ધિ ન હોય. પ્રમુખસ્વામી મહારાજ સમતાધારી અને વૈવિધ્ય પ્રત્યે ઔદાર્યપૂર્ણ હતા. હું તેમના ચરણોમાં પ્રાર્થના કરું છું કે તેમના જેવા ગુણો મારામાં આવે.“
પ્રશ્નોના સમાધાન માટે પશ્ચિમ જગતે ભગવદ ગીતા જેવા ગ્રંથ તરફ દૃષ્ટિ રાખવી પડશે : ભાગ્યેશ ઝા
પૂર્વ IAS અધિકારી અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન ભાગ્યેશ ઝાએ જણાવ્યું હતું કે, “સંસ્કૃત ભાષાને પુનર્જીવન આપનાર પ્રમુખસ્વામી મહારાજને અંજલિ આપવા માટે આ શતાબ્દી ઉત્સવ સર્વથા ઉચિત છે. પ્રશ્નોના સમાધાન માટે પશ્ચિમ જગતે ભગવદ ગીતા જેવા ગ્રંથ તરફ દૃષ્ટિ રાખવી પડશે. સંસ્કૃત ભાષા પાસે વિશ્વના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરી શકવાની, સર્વનો અવાજ બનવાની ક્ષમતા છે.” અક્ષરધામ હુમલા સમયે પ્રમુખસ્વામી મહારાજના વલણને યાદ કરી તેમણે જણાવ્યું, “વિશ્વમાં સંસ્કૃત ભાષાના પ્રવર્તન માટે પ્રમુખસ્વામી મહારાજ ઉત્તમ પુરુષ હતા જેમણે પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપ્યો.“
આ નગરમાં ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને નિરૂપ્યા છે : ડૉ. હરિદાસ ભટે
પૂર્ણપ્રજ્ઞા વિદ્યાપીઠ, બેંગલોરના પૂર્વ પ્રિન્સિપાલ અને ભદ્રેશદાસ સ્વામીના પૂર્વ અધ્યાપક એવા ડૉ. હરિદાસ ભટે જણાવ્યું હતું કે, “આ અક્ષર પુરુષોત્તમ દર્શનની વિશેષતા એ છે કે ભાષ્યના નિર્માતા ભદ્રેશદાસ સ્વામીએ પોતાના નહીં, પરંતુ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને નિરૂપ્યા છે.”
અક્ષર પુરુષોત્તમ દર્શન આજે પૂર્ણ રૂપમાં જીવંત છે : ડો. શ્રુતિપ્રકાશ સ્વામી
BAPS આર્ષ સંશોધન કેન્દ્રના ડો. શ્રુતિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે, “સંસ્કૃત ભાષાએ યુરોપની દાર્શનિક પરંપરાઓ પર પણ પ્રભાવ પાથર્યો છે. સંસ્કૃત ભાષા વિશ્વના દાર્શનિક પ્રવાહો સાથે સંકળાયેલી છે અને તે અનુસંધાનમાં પ્રમુખસ્વામી મહારાજે ભદ્રેશદાસસ્વામીને ભાષ્ય લખવાની આજ્ઞા કરી. અક્ષર-પુરુષોત્તમ દર્શન ભગવાન સ્વામિનારાયણ દ્વારા બે શતાબ્દીઓ પૂર્વે પ્રબોધિત જ્ઞાનનો સંગ્રહ છે. આ મૃત તત્વજ્ઞાન નથી. BAPS સ્વામિનારાયણ સંસ્થાના સર્વતોમુખી કાર્ય દ્વારા અક્ષર પુરુષોત્તમ દર્શન આજે પૂર્ણ રૂપમાં જીવંત છે.”
આ વર્ષે જ 7 BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી : પૂ.આત્મતૃપ્ત સ્વામી
BAPS ના પૂ.આત્મતૃપ્ત સ્વામીએ જણાવ્યું હતું કે, “મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી અને ભદ્રેશદાસ સ્વામીના પ્રયત્નોથી આ વર્ષે જ 7 BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી છે, જેમાં લંડન, રૉબિન્સવિલ, ટોરન્ટો, સિડની, નૈરોબી, જોહાનિસબર્ગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે.”
ખસ્વામી મહારાજ જે મૂલ્યોને જીવ્યા અને પ્રતિષ્ઠિત કર્યા તેનું સંવર્ધન થઈ રહ્યું છે : વિજયકુમાર મેનન
મહર્ષિ પાણિની સંસ્કૃત એન્ડ વેદિક યુનિવર્સિટીના ઉપ-કુલપતિ વિજયકુમાર મેનને જણાવ્યું, “ BAPS સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી મહારાજ જે મૂલ્યોને જીવ્યા અને પ્રતિષ્ઠિત કર્યા તેનું સંવર્ધન થઈ રહ્યું છે.”
ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજ જેવી વિભૂતિઓ સમગ્ર વિશ્વ માટે અવતરે છે : હરિકૃષ્ણ સતપથી
હરિકૃષ્ણ સતપથીએ જણાવ્યું, “ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખસ્વામી મહારાજ જેવી વિભૂતિઓ સમગ્ર વિશ્વ માટે અવતરે છે. તે કોઈ એક પરંપરા સુધી સીમિત નથી. આઠમી અજાયબી સમા પ્રમુખસ્વામી મહારાજ નગરણે જોઈને નવી પેઢી માટેની સઘળી ચિંતાઓ નાશ પામી જાય તેવું આ સ્થાન છે. ભદ્રેશદાસ સ્વામીના ભાષ્ય અને ૧૧૦૦ મંદિરોને ભગવાન સ્વામિનારાયણ પરમ સચ્ચિદાનંદ બ્રહ્મ છે તેની પ્રતીતિ આવે છે.”