ગુજરાત

જૂનાગઢઃ વિસાવદરમાં પતિએ પત્નીની હત્યા કરી શેઢાળીના દરમાં લાશ દાટી દીધી, સમગ્ર ઘટનાનો આ રીતે થયો પર્દાફાશ

Text To Speech

જૂનાગઢના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે હચમચાવી નાખે તેવી કિસ્સો સામે આવ્યો છે. અહીં પતિએ પત્નીની હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો. દોઢેક માસ પહેલા પતિએ પત્નીની હત્યા કરી શેઢાળીના દરમાં મૃતદેહને દાટી હતો. જો કે, પોલીસે પતિની કડકાઈથી પૂછપરછ કરતા હત્યા અંગે ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે ખાડો ખોદી તપાસ કરતા મહિલાના મૃતદેહના અવશેષો પગના હાડકાં, તેના કપડાં, ચપ્પલ, પગમાં પહેરવાના સાંકડા મળી આવ્યા છે. હવે મહિલાના અવશેષોને DNA ટેસ્ટ માટે મોકલાશે. પોલીસે આરોપી પતિ જીવરાજ જગુ માથાસુરીયા વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

પત્નીની હત્યા કરી શેઢાળીના દરમાં લાશ દાટી દીધી
આ અંગે મળતી વિગત મુજબ પ્રેમપરામાં જીવરાજ જગુ માથાસુરીયા દેવીપુજક પોતાના સંતાનો અને પત્ની સાથે રહે છે. દોઢથી બે માસ પહેલા તેણે તેની પત્નીની કોઈપણ કારણોસર હત્યા કરી નાખી હતી અને પોતે પકડાઈ નહિ અને હત્યાની ઘટના જ બહાર ન આવે તે માટે તેણે તેની પત્નીને હત્યા કરી અને રામપરાની નજીક આવેલ ધ્રાબડધોયા ડેમ વિસ્તારમાં રોણીયા નજીક લાશને શેઢાળીના બખોલમાં દાટી દીધી હતી અને ત્યારબાદ તેની ઉપર ધૂળ અને કાંટા નાખી દીધા હતા.

ભાગતો રહેતા પોલીસને પતિ પર જ થઈ શંકા
પોલીસને પણ જીવરાજ ઉપર શંકા થઈ હતી, કેમકે જીવરાજ ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસ તેને શોધતી હતી. પરંતુ જીવરાજ પોલીસથી નાસતો ફરતો રહેતો હતો. જો કે પોલીસના હાથમાં આવી જતા પોલીસે તેની કડક પૂછપરછ કરી હતી, જે બાદ તેને સમગ્ર કબૂલાત કરી હતી. અને જ્યાં તેને લાશને દાટી હતી ત્યાં પોલીસને લઈને ગયો અને પોલીસે ચાર ફૂટ ઊંડો ખાડો ખોદી તપાસ કરતાં માત્ર પગના હાડકા મળી આવ્યા હતા. આ ઉપરાંત ખાડામાંથી પોતાની પત્નીના કપડા ચપ્પલ અને પગમાં પહેરવાના સાંકડા પણ મળ્યા છે.

પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવો એક પડકાર હતો. કેમ કે આરોપી જીવરાજ જ પોતે ફરાર રહેતો હતો. પોલીસે તેને પકડી આકરી પૂછપરછ કરતાં સમગ્ર હત્યાનો બનાવ સામે આવ્યું છે. પોલીસ દ્વારા જે સ્થળે જીવરાજે તેની પત્નીની હત્યા કરી લાશને દાટી દીધી હતી, ત્યાં FSLને સાથે રાખી અને સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા ઊંડો ખાડો ખોદી પત્નીના કોઈપણ અવશેષો મળે તો તેને FSL અને DNAમાં મોકલવાની પણ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવશે.

જીવરાજની પહેલી પત્નીનું મોત પણ શંકાસ્પદ થયું હતું
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીવરાજની પ્રથમ પત્નીનું પણ શંકાસ્પદ મોત થયું હતું. તે મામલે પણ વિવાદ થયો હતો. તેના સમાજના અગ્રણીઓએ વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો. હવે બીજી પત્નીની ઘાતકી રીતે હત્યા કરી તેની લાશને સગેવગે કરવાના મામલે પોલીસ દ્વારા સમગ્ર હત્યાના બનાવ પરથી પડદો ઉઠાવવામાં આવતા વિસાવદર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

Back to top button