ગુજરાતમાં બી.એડ, એમ.એડ કરી શિક્ષક બનવા ઈચ્છતા નોકરી વાંચ્છુકોને આપવી પડતી ટેટ અને ટાટની પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજ્યના TET 2ના ઉમેદવારો માટે આવેદનપત્ર અને ફી ભરવાની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. હવે 15 જાન્યુઆરી સુધી TET 2ની પરીક્ષામાં આવેદનપત્ર અને ફી ભરી શકાશે.
આજે હતો ફોર્મ અને ફી ભરવાનો અંતિમ દિવસ
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવા માટે 18 ઓક્ટોબરના રોજ વર્તમાન પત્રોમાં કસોટીની જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી. ઉમેદવારો 21 ઓક્ટોબર, 2022થી 5 ડિસેમ્બર, 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત અપાઈ હતી. જેને લંબાવી 31 ડિસેમ્બર કરાઇ હતી. આ તરફ હવે આજે એટલે કે 31 ડિસેમ્બરે ફરી એકવાર આવેદન કરવાની તારીખ લંબાવી 15 જાન્યુઆરી કરવામાં આવી છે.
ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરીક્ષા તારીખ જાહેર થશે
આ અંગે શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની માંગને ધ્યાનમાં રાખી સરકારે ફોર્મ ભરવાની તારીખ ફરી એકવાર લંબાવી છે. હવે આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ સરકાર મંથન કરી પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવશે.