ટોપ ન્યૂઝનેશનલ

રાહુલ ગાંધી હશે 2024માં વિપક્ષ તરફથી PM પદનો ચહેરો, જાણો કોણે કર્યો આ દાવો

આગામી 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ તેનો ઉત્સાહ પહેલાથી જ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વચ્ચે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વિપક્ષ તરફથી વડાપ્રધાન પદનો ચહેરો હશે.

શું કહ્યું કમાલનાથે પોતાના દાવામાં ?

એક મીડિયા સાથેની વાતચીતમાં કમલનાથે ભારત જોડો યાત્રા માટે રાહુલ ગાંધીના ખુલ્લેઆમ વખાણ કર્યા અને કહ્યું- તેઓ સત્તા માટે નહીં, પરંતુ દેશના સામાન્ય લોકો માટે રાજનીતિ કરી રહ્યા છે. જ્યાં સુધી 2024ની લોકસભા ચૂંટણીનો સવાલ છે, રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો ચહેરો જ નહીં, પરંતુ વડાપ્રધાન પદના ઉમેદવાર પણ હશે.

ઇતિહાસમાં આટલી મોટી યાત્રા નીકળી નથી

કમલનાથે આગળ કહ્યું- દુનિયાના ઈતિહાસમાં આટલી લાંબી પદયાત્રા કોઈએ કરી નથી. ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈ પરિવારે દેશ માટે આટલું બલિદાન આપ્યું નથી. રાહુલ ગાંધી સત્તા માટે રાજનીતિ નથી કરતા, પરંતુ દેશની જનતા માટે કરે છે જે કોઈને પણ સત્તા પર બેસાડે છે.

કોંગ્રેસમાં દેશદ્રોહીઓને કોઈ સ્થાન નથી

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ એકમાત્ર એવા નેતા છે જે 2024ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની ઉમેદવારીના પક્ષમાં આગળ આવ્યા છે. જ્યારે કમલનાથને પૂછવામાં આવ્યું કે શું ભવિષ્યમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની પાર્ટીમાં વાપસીની કોઈ શક્યતા છે? તેના પર તેમણે કહ્યું કે સંગઠન સાથે વિશ્વાસઘાત કર્યા પછી પાર્ટીમાં ‘દેશદ્રોહી’ માટે કોઈ સ્થાન નથી. કમલનાથે વધુમાં ઉમેર્યું- ‘હું કોઈ વ્યક્તિ વિશે ટિપ્પણી કરીશ નહીં, પરંતુ પાર્ટી સાથે દગો કરનારા અને તેના કાર્યકરોનો વિશ્વાસ તોડનારા ‘દેશદ્રોહી’ માટે સંગઠનમાં કોઈ સ્થાન નથી.

ચૂંટણી પહેલા સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે

તેમણે વધુમાં કહ્યું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવતાં જ રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. ભાજપ કોઈપણ મુખ્યમંત્રી બદલી શકે છે પરંતુ તેનાથી કોઈ ફરક પડશે નહીં કારણ કે લોકોએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને ચૂંટવાનું મન બનાવી લીધું છે. તેમણે એમ પણ કહ્યું કે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સંગઠનાત્મક પરિવર્તન માટે પહેલ કરવામાં આવશે.

2018માં કમલનાથની ખુરશી ગુમાવવી પડી હતી

ઉલ્લેખનીય છે કે, આવતા વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સત્તામાં વાપસી કરવા માટે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઊભેલી છે. છેલ્લી 2018ની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી અને પ્રદેશ અધ્યક્ષ કમલનાથ મુખ્યમંત્રી બન્યા હતા. જો કે, 15 મહિના પછી જ, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના તેમના સમર્થક ધારાસભ્યોએ રાજકીય ઉથલપાથલ દરમિયાન કોંગ્રેસ છોડી દીધી, જેના કારણે કોંગ્રેસ સરકાર લઘુમતીમાં આવી ગઈ અને કમલનાથે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું. બાદમાં ભાજપે સરકાર બનાવી અને શિવરાજ સિંહ ચૌહાણ ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા. સિંધિયાને કેન્દ્રમાં નાગરિક ઉડ્ડયન મંત્રી બનાવવામાં આવ્યા હતા.

Back to top button