નેશનલ

મુંબઈના સૌથી પ્રખ્યાત બાંદ્રાના માઉન્ટ મેરી ચર્ચ ઉપર હુમલા અંગેનો ઈમેલ મળતા ખળભળાટ

Text To Speech

મુંબઈના સૌથી પોશ વિસ્તારો પૈકીના એક એવા બાંદ્રા સ્થિત પ્રખ્યાત માઉન્ટ મેરી ચર્ચને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે લશ્કર-એ-તૈયબા નામનું આતંકવાદી સંગઠન માઉન્ટ મેરી ચર્ચ પર આતંકી હુમલો કરવા જઈ રહ્યું છે. આ ઈમેલ બાદ હોબાળો મચી ગયો હતો. આ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલાની માહિતી મળ્યા બાદ બાંદ્રા પોલીસે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 505 (3) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેનો ખુલાસો કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે [email protected]ના એડ્રેસ પરથી માઉન્ટ મેરી ચર્ચ બાંદ્રાને ઈમેલ મોકલવામાં આવ્યો છે.

કોને ઈમેલ કર્યો હતો ? શું કહ્યું તેણે ?

વધુમાં પોલીસનું કહેવું છે કે આ પછી બીજો ઈમેલ આવ્યો છે, જેમાં મોકલનારએ દાવો કર્યો છે કે તે બાળકની માતા છે જેણે ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો. ઈમેલ મોકલનારએ માફી માંગીને કહ્યું છે કે તેનું બાળક માનસિક રીતે અસ્થિર છે, તેથી તેણે આવું પગલું ભર્યું છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ક્રિસમસ અને નવા વર્ષ પર મોટી સંખ્યામાં લોકો માઉન્ટ મેરી ચર્ચ પહોંચે છે. 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી વચ્ચે આ પ્રખ્યાત ચર્ચમાં ભારે ભીડ હોય છે.

આ પહેલા મુંબઈની ટ્રાફિક પોલીસને આતંકી હુમલાની ધમકી મળી હતી

મહત્વનું છે કે, આ પહેલા મુંબઈની ટ્રાફિક પોલીસને 26/11 જેવા હુમલાની ધમકીઓ મળી હતી. ધમકી આપનાર વ્યક્તિએ ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર મેસેજ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે મુંબઈમાં 26/11 જેવો હુમલો થવાની સંભાવના છે. આ મેસેજ મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ વોટ્સએપ પર પાકિસ્તાની નંબર પરથી આવ્યો હતો.

લોકેશનને લગતા મેસેજમાં આ વાત કહેવામાં આવી હતી

મુંબઈની ટ્રાફિક પોલીસને મેસેજ કરનાર વ્યક્તિએ એમ પણ કહ્યું હતું કે જો તમે તેનું લોકેશન ટ્રેસ કરશો તો તે ભારતની બહાર બતાવશે અને બ્લાસ્ટ મુંબઈમાં થશે. આ સંદેશમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં છ લોકો આ ઘટનાને અંજામ આપશે. આ ધમકી બાદ મુંબઈ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. આ સાથે અન્ય એજન્સીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.

Back to top button