ગુજરાતમાં બીજા રાજ્યોના 78,556 પરિવારો માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું રાશનકાર્ડ બન્યું ATM કાર્ડ! કેવી રીતે જાણો
ગુજરાત રાજ્યમાં જુન 2020થી એપ્રિલ 2022 સુધીમાં બીજા રાજ્યોના 78,556 પરિવારો માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું રાશનકાર્ડ જાણે કે એટીએમ કાર્ડ બની ગયુ છે. વન નેશન વન રાશન કાર્ડની યોજનાના અમલ બાદ દરેક રાજ્યમાં કામ કરવા લાગેલા રાશનકાર્ડના પરીણામે કાર્ડ ધારકને તેમની નજીકની કોઈ પણ સસ્તા અનાજની દુકાનેથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું રાશન મળવા લાગતા ઘણી સરળતાનો અનુભવ થઈ રહ્યો છે.ગુજરાતમાં આ યોજના અંતર્ગત 11 લાખ 52 હજાર 277 જેટલા પરીવારોને તેમના જીલ્લા સિવાય અન્ય જીલ્લાઓમાંથી રાશન મળી રહ્યુ છે. ખાસ કરીને આદિવાસી જિલ્લાઓના પ્રવાસી શ્રમિકોને આ યોજનાથી ફાયદો થયો છે.
શું છે વન નેશન વન રાશન યોજના?
આ યોજનાના સરળીકરણ અંતર્ગત N.F.S.A હેઠળના લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થો દેશની, રાજ્ય કે જિલ્લાની કોઇપણ વાજબી ભાવની દુકાનેથી સમયસર, સરળતાથી અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે “વન નેશન વન રેશનકાર્ડ” યોજનાનું ભારત સરકાર દ્વારા વર્ષ-2019થી અમલ કરાઈ રહ્યો છે. જેમાં ગુજરાતની પાયલોટ પ્રોજેકટ તરીકે પંસદગી કરી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય વચ્ચે પોર્ટેબિલિટી દ્વારા વિતરણ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે અને હાલ આજે દેશના મોટાભાગના રાજ્યોનો સમાવેશ કરીને સમગ્ર દેશના N.F.S.A હેઠળ લાભાર્થીઓને લાભ પૂરો પાડવામાં આવી રહ્યો છે.આ યોજના હેઠળ 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોની 3.48 કરોડ જનસંખ્યા કે જેમાં અંત્યોદય કુટુંબોને પ્રતિ કુટુંબ 35 કિ.ગ્રા અનાજ તથા અગ્રતા ધરાવતા કુટુંબોને પ્રતિ વ્યકતિ 5 કિ.ગ્રા અનાજનું વિતરણ કરવામાં આવે છે. જેમાં ઘઉં પ્રતિ કિ.ગ્રા રૂ.2 તથા ચોખા પ્રતિ કિ.ગ્રા રૂ.3 ના રાહત દરે વિતરણ કરવામાં આવે છે.
વન નેશન વન રેશનકાર્ડ યોજનાના ફાયદા
વન નેશન વન રેશનકાર્ડ યોજનામાં, હજી પણ જૂના કાર્ડમાંથી જ રેશન મળી રહ્યું છે. કેન્દ્ર સરકારે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે વન નેશન વન રેશનકાર્ડ યોજના લાગુ થયા પછી પણ જૂનું રેશનકાર્ડ ચાલતું રહેશે. તમે જ્યાં રહો છો ત્યાંના નજીકના જાહેર સગવડતા કેન્દ્રમાં રેશનકાર્ડ મેળવી શકાય છે. ઓનલાઇન રેશનકાર્ડ મળે છે. જાતે ઓનલાઇન અરજી પણ કરી શકો છો.
રેશનકાર્ડ બનાવવાની પાત્રતા
કોઈ વ્યક્તિને રેશનકાર્ડ મેળવવું ભારતના નાગરિક હોવા જોઈએ. વ્યક્તિ પાસે અન્ય કોઈ રાજ્યનું રેશનકાર્ડ હોવું જોઈએ નહીં. જેના નામ પર રેશનકાર્ડ બનાવવામાં આવી રહ્યું છે, તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. જે સભ્યોને રેશનકાર્ડમાં શામેલ કરવામાં આવી રહ્યા છે, તેમના પરિવારના વડા સાથે ગાઢ સંબંધ હોવો આવશ્યક છે. તે પહેલાં પરિવારના કોઈ પણ સભ્યનું નામ રેશનકાર્ડમાં હોવું જોઈએ નહીં.
કેવી રીતે કરી શકાય અરજી?
આ યોજનાના લાભ લેવા માટે વિગતવાર માહિતી લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે ભારત સરકાર દ્વારા “મેરા રેશન” મોબાઇલ એપ્લીકેશન જુદી જુદી પ્રાદેશિક ભાષામાં તૈયાર કરવામાં આવેલ છે. જે મોબાઇલ એપ્લીકેશન દ્વારા લાભાર્થી પોતાનુ રજીસ્ટ્રેશન કરી શકે, પોતાની નજીકની વાજબી ભાવની દુકાન અંગેની વિગતો, પોતાને મળવાપાત્ર જથ્થાની વિગતો વગેરે આંગળીના ટેરવે ઝડપથી મેળવી શકે છે.
આ દસ્તાવેજો જોઈશે
આધારકાર્ડ, મતદાર આઈડી, પાસપોર્ટ, કોઈપણ સરકારે જારી કરેલું આઇકાર્ડ, આરોગ્ય કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ રાશનકાર્ડ બનાવવા માટેના આઈડી પ્રૂફ તરીકે આપી શકાય છે. આ સિવાય પાનકાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, આવકનું પ્રમાણપત્ર, વીજળી બિલ, ગેસ કનેક્શન બુક, ટેલિફોન બિલ, બેંક સ્ટેટમેન્ટ અથવા પાસબુક, ભાડા કરાર જેવા દસ્તાવેજો પણ સરનામાંના પુરાવા તરીકે આપવામાં આવશે.