બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાને ધમકી આપનારી ચીની મહિલાની ધરપકડ, પુછપરછ શરૂ
બિહારની ગયા પોલીસે બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાને ધમકી આપનારી ચીની મહિલાને શોધી કાઢી છે. ગયા પોલીસ તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે. શંકાસ્પદ ચીની મહિલા જાસૂસની ઉંમર આશરે 50 વર્ષ હોવાનું કહેવાય છે. બિહાર પોલીસે બોધ ગયાના કાલચક્ર મેદાનની બહારથી ચીની જાસૂસની અટકાયત કરી હતી. દલાઈ લામા દરરોજ આ સ્થળે પ્રવચન આપવા આવે છે. બિહાર પોલીસના જણાવ્યા અનુસાર શંકાસ્પદ ચીની મહિલાનું નામ સોંગ શિયાઓલાન છે.
મહિલાની પુછપરછ માટે અનુવાદક રખાયો
પોલીસે ચીની મહિલાની પૂછપરછમાં મદદ કરવા માટે ચાઇનીઝ અનુવાદકને બોલાવ્યા છે. બોધગયા પોલીસ સ્ટેશનમાં મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે મહિલા 2019માં ભારત આવી હતી. પરંતુ તે ચીન પરત ફરી હતી. તે પછી તે ફરીથી ભારત આવી અને પછી નેપાળ ગઈ હતી. નેપાળમાં થોડા દિવસો વિતાવ્યા બાદ તે બોધગયા પહોંચી હતી. ગયા સિટી પોલીસના એસપી અશોક પ્રસાદ તેની પૂછપરછ કરી રહ્યા છે.
અગાઉ મહિલાનો સ્ક્રેચ જાહેર કરાયો હતો
ઉલ્લેખનીય છે કે, આ પહેલા બિહાર પોલીસે આ ચીની મહિલાનો સ્કેચ જાહેર કર્યો હતો, જેને શંકાસ્પદ જાસૂસ માનવામાં આવે છે. દરમિયાન, દલાઈ લામાની સુરક્ષાને લઈને બોધ ગયામાં એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનની આ મહિલા દ્વારા બૌદ્ધ પૂજારીને ધમકી આપવામાં આવી હતી.
ધમકી પર દલાઈ લામાની પ્રતિક્રિયા
બીજી તરફ આ ધમકીને લઈને દલાઈ લામાએ કહ્યું કે મારામાં ગુસ્સો ભડકાવનારાઓ પ્રત્યે મારી કોઈ ખરાબ ઈચ્છા નથી. મહત્વનું છે કે, દલાઈ લામા લગભગ એક મહિનાથી બોધગયામાં રોકાયા છે. તેમની સુરક્ષા માટે તિબેટ મંદિરથી મહાબોધિ મંદિર સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
દલાઈ લામા 22 ડિસેમ્બરે બોધ ગયા પહોંચ્યા હતા
દલાઈ લામા 22 ડિસેમ્બરે બોધ ગયા પહોંચ્યા હતા. જ્યાં તેમને જોવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. અહીં તેમણે ગર્ભગૃહમાં વિશ્વ શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેમણે બોધિ વૃક્ષ નીચે ધ્યાન પણ કર્યું હતું. મંદિરમાં તેમના રોકાણ સુધી, અન્ય ભક્તોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
દલાઈ લામા માટે કડક સુરક્ષા વ્યવસ્થા
આ ઘટના બાદ ગયાના જિલ્લા મેજિસ્ટ્રેટ ત્યાગ રાજન એસએમએ કહ્યું કે દલાઈ લામાના બોધગયા આગમન પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બોધગયામાં સીસીટીવી કેમેરાની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે આગળ આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે.