ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનીસ્ટ્રેટીવ રિફોર્મર્સ એન્ડ પબ્લીક ગ્રિવન્સીસના ઉપક્રમે “PM Award winninginitiatives in Health Sectors” પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રિય સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી (રાજયકક્ષાનો સ્વતંત્ર હવાલો) ડૉ. જીતેન્દ્રપ્રસાદની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ વેબીનારમાં સીવીલ સર્વીસ ડે પર વિવિધ કેટેગરીમાં ઇનામ પ્રાપ્ત કરતા પ્રોગ્રામ્સ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ વેબિનારમાં ગુજરાત સરકાર તરફથી સીકસસેલ એનિમીયા કંટ્રોલ પ્રોગ્રામ અંગે ગુજરાત રાજયના રેરાના ચેરમેન અને આરોગ્ય વિભાગના પૂર્વ અગ્રસચિવશ્રી ડૉ. અમરજીત સીંગ દ્વારા પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
પ્રેઝન્ટેશન રજૂ કરતાં ડૉ. અમરજીત સીંગે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ધ્વારા ગુજરાત રાજયના આદિજાતિ વસ્તી ધરાવતા વિસ્તારમાં જોવા મળતા સીકલસેલ એનિમીયા જેવા આનુવાંશિક રોગ માટે સને-ર૦૦૬થી આદિજાતિ જિલ્લાઓમાં સીકલસેલ એનિમીયા નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જેના થકી આદિજાતિ વિસ્તારમાં સીકલસેલ એનિમીયા જેવા રોગને નિયંત્રિત કરી શક્યા છે. આ દર્દીઓ અને તેમના પરિવારજનોને રોગ, તેની ગંભીરતા અને તેમાં લેવાના થતાં અટકાયતી પગલાં અંગે નિયમિત રીતે કાઉન્સેલીંગ હાથ ધરવામાં આવે છે. જેના કારણે આ રોગમાં સર્જાતી ગંભીર પરિસ્થિતિ (સીકલ કાઈસીસ)માં ઘટાડો જોવા મળેલ છે. આ કાર્યક્રમથી સીકસસેલના દરદીને સ્ક્રિનિંગ, સારવાર, કાઉન્સેલીંગ, સહાય, ડીસેબ્લીટી સર્ટીફિકેટ વગેરે જેવા ફાયદાઓ આદિજાતી વિસ્તારના છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાયા છે.
ઉલ્લેખનીય છે કે રાજયના આદિજાતિ વસ્તીવાળા સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને બનાસકાંઠા સહિત તમામ ૧૪ જિલ્લાઓ આદિજાતિ સમુદાયની વ્યકિતઓને સીકલસેલ એનિમીયા માટે સ્ક્રીનીંગ કરવામાં આવે છે. આજદિન સુધી આ યોજના હેઠળ રાજયની આશરે ૯૬ લાખથી વધુ આદિજાતિ વસ્તીનું સ્ક્રીનીગ કરવામાં આવેલ છે. જેમાંથી ૭,૨૨,૬૪૫ વ્યકિત સીકલસેલ ટ્રેઇટ અને૨૯,૨૫૫ વ્યકિત સીકલસેલ ડિસીઝ ધરાવતા હોવાનું જણાયેલ છે. આરોગ્ય તંત્ર દ્વારા સરકારી તેમજ સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી આ દર્દીઓને નિયમિત કાઉન્સેલીંગ તથા સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જનસમુદાયમાં આ રોગ અને તેના અટકાયત અંગેની જાણકારી આપવા સ્થાનિક પરિસ્થિતિને આધારિત આરોગ્ય શિક્ષણની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.
સીકલસેલ રોગના દર્દીને પ્રાથમિક તેમજ સઘન સારવાર સરકારી દવાખાનામાં મફત આપવામાં આવે છે તેમજ જરૂરિયાત જણાય તો દર્દીને વિનામુલ્યે બ્લડ પણ પુરું પાડવામાં આવે છે.
આ કાર્યક્રમમાં રાજય સરકાર દ્વારા વલસાડ રકતદાન કેન્દ્ર, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી જેવી સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ લઇ આ રોગને નિયત્રંણ કરવા સધન પ્રયત્ન કરવામાં આવી રહયા છે. રાજય સરકારના આ પ્રયત્નોને કારણે સીકસસેલ રોગના પ્રમાણમાં ઘટાડો કરી શકાયો છે.
આ વેબીનારમાં સમગ્ર દેશમાંથી વિવિધ જિલ્લાના આઇ.એ.એસ અધિકારીઓ, આઇ.એ.એસ. એકેડમીના તાલીમાર્થીઓ, તમામ રાજયોમાંથી જિલ્લા આરોગ્ય અધિકારીઓ, ડોકટરો, ભારત સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહેલ હતા.