ગુજરાતટોપ ન્યૂઝ

PM મોદીએ કહ્યું- છેલ્લાં 8 વર્ષમાં માથું ઝુકવા નથી દીધું, બાપૂના સપનાંનું ભારત બની રહ્યું છે; વિપક્ષ પર પણ સાધ્યું નિશાન

Text To Speech

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. સૌથી પહેલા જસદણના આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ માટે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં હેલિકોપ્ટર મારફત આટકોટ જવા રવાના થયા હતા. આટકોટ પહોંચી મોદીએ હોસ્પિટલનું લોકર્પણ કર્યું હતું. બાદમાં હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ નિહાળી હતી. હોસ્પિટલના સ્વપ્નદૃષ્ટા ડો.ભરત બોઘરાએ એક એક મશીનરીની જાણકારી મોદીને આપી હતી.

હોસ્પિટલનું નિરીક્ષણ કરી વડાપ્રધાન મોદી સભાસ્થળે પહોંચ્યા હતા અને પોતાના સંબોધનમાં ગુજરાતીમાં પૂછ્યું હતું કે, તમારા બધાનું રસીકરણ થઈ ગયું છે ને, લોકોએ હાથ ઊંચો કરી એકસૂરમાં કહ્યું હા. રાજકોટમાં એઇમ્સ, જામનગરમાં મારૂ આયુર્વેદ અને અહીં મિની એઇમ્સ, વાહ મારી બાપુડી…મોદીએ નામ લીધા વગર વિપક્ષ પર વાર કર્યો હતો અને કહ્યું હતું કે, દિલ્હીમાં એક સમયે એવી સરકાર હતી કે અહીંના પ્રોજેક્ટમાં એને મોદી જ દેખાતા, મગજ ફટકે એટલે ફાઈલને તાળું મારી દે

પહેલા અંગ્રેજી મિડીયમમાં જ ડોક્ટર થઈ શકાતું પણ હવે માતૃભાષામાં ભણીને ડોક્ટર થઈ શકાય છેઃ મોદી

‘મોસાળે જમણવાર આ ડબલ એન્જિનની સરકાર છે’
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે નિયમ બદલ્યો કે ડોક્ટર અને એન્જિનિયર બનવું હોય તો માતૃભાષામાં થઈ શકે, મોસાળે જમણવાર આ ડબલ એન્જિનની સરકાર છે. મોસાળે માએ પીરસવું ન પડે. આખી દુનિયામાં સરદાર પટેલનું નામ ગુંજી રહ્યું છે. વિશ્વનું મોટામા મોટુ સ્ટેચ્યુ સરદાર પટેલ સાહેબનું બનાવ્યું છે. મેડિકલમાં પહેલા 1100 બેઠક હતી, હવે 8000 થઈ ગઈ. પહેલા અંગ્રેજી મિડીયમમાં જ ડોક્ટર થઈ શકાતું પણ હવે માતૃભાષામાં ભણીને ડોક્ટર થઈ શકાય છે.

‘2001માં રાજકોટમાં મને મોકો આપ્યો ત્યારે 9 જ મેડિકલ કોલેજ હતી. આજે 30 મેડિકલ કોલેજ’
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ખુશી છે આજ માતુશ્રી કે.ડી. પરવાડિયા હોસ્પિટલનો શુભારંભ થયો છે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ કરશે. સરકાર સાથે જનતાનો સાથ મળે એટલે હિંમત વધે છે. ભાજપની સરકારે આઠ વર્ષ પુરા કર્યા છે. આજે ગુજરાતની ધરતી પર આવ્યો છું, બાપુ અને સરદાર પટેલની ધરતી છે, એઇમ્સનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 3 કરોડ ગરીબને પાકા મકાન, 10 કરોડને ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ, 6 કરોડ પરિવારને નલ સે જલ, 50 કરોડ લોકોને મફત સારવાર આ ફક્ત આકડા નથી પણ ગરીબની ગરીમા સુનિશ્ચિત કરવાનું અમારૂ પ્રમાણ છે. 2001માં રાજકોટમાં મને મોકો આપ્યો ત્યારે 9 જ મેડિકલ કોલેજ હતી. આજે 30 મેડિકલ કોલેજ આપી છે. નવી પેઢીને કહેજો આપણે આ કરી બતાવ્યું છે.

મોદીના સંબોધનને સાંભળતા જીતુ વાઘાણી, પુરષોત્તમ રૂપાલા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી

હોસ્પિટલના સ્વપ્નદૃષ્ટા ડો.ભરત બોઘરાએ એક એક મશીનરીની જાણકારી મોદીને આપી હતી. બાદમાં સભાસ્થળે પહોંચતા કિર્તીદાને મોદીજી ભલે પધાર્યા…ના ગીત સાથે સ્વાગત કર્યું હતું. મોદીએ સ્ટેજ પરથી હાથ ઊંચો કરી જનમેદનીનો આવકાર ઝીલ્યો હતો. આટકોટમાં ભરત બોઘરાએ મોદીને પાઘડી પહેરાવી જસદણનું પ્રખ્યાત આરતીનું મિની નગારૂ ભેટમાં આપ્યું હતું.

રાજકોટ પાસે આવેલ આટકોટમાં કે.ડી પરવાડીયા હોસ્પિટલનું લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદી
આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદી

શું છે હોસ્પિટલની ખાસિયત?
વડાપ્રધાન મોદી રાજકોટના આટકોટમાં નવનિર્મિત કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. 50 કરોડના ખર્ચે નિર્માણ પામેલી 200 બેડની આ હોસ્પિટલમાં દર્દીઓને નજીવા દરે સારવાર અપાશે. હૉસ્પિટલમાં કુલ 300 જેટલા તબીબી તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ દર્દીઓની સારવાર માટે ખડેપગે રહેશે. હોસ્પિટલમાં 6 ઓપરેશન થિયેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. 14 કરોડના ખર્ચે બહારથી અત્યાધુનિક મશીનો મગાવાયા છે..અહીં જનરલ વોર્ડમાં 150ના ભાડામાં દર્દીને ત્રણ ટાઇમ પેટ ભરીને ભોજન પણ મળશે. હોસ્પિટલમાં OPD, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલિસિસ, ફિઝિયોથેરપી સહિતના આધુનિક વિભાગો કાર્યરત છે. આ હોસ્પિટલથી રાજકોટ, અમરેલી,અને ભાવનગર જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે મોટો ફાયદો થશે.

રાજકોટ એરપોર્ટ પર ઉતરતા વડાપ્રધાન મોદી
રાજકોટ એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ

રાજકોટ નજીક આવેલા આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ બાદ બપોર પછી ગાંધીનગરમાં સહકાર સંમેલનમાં હાજરી આપશે તેમજ નેનો યુરિયા પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે. દ્વારકાધીશના દર્શન કરીને તેઓ મરીન પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી

CM ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન મોદી
રાજકોટ એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કરતા કમિશનર સહિતના અધિકારીઓ

બપોર બાદ PM મોદી ગાંધીનગરમાં
વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં સહકાર સે સમૃદ્ધિ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે. આ સેમિનારમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે.

ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000થી વધુ મંડળીઓ છે. આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલા તરીકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘સહકાર સે સમૃદ્ધિ’ વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.

અમિત શાહ પણ ગુજરાતમાં
ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે તેઓ 27 મેની મોડી રાત્રે અમદાવાદમાં આવી ગયા છે. 28મેના રોજ અમિત શાહનું જામનગર એરપોર્ટ પર આગમન થશે. જામનગરથી હેલિકોપ્ટર દ્વારા તેઓ દ્વારકા પહોંચશે. દ્વારકાધીશ સમક્ષ શિષ ઝુકાવીને તેઓ મરીન પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચશે.

Back to top button