વઢવાણા પક્ષી અભયારણ્ય હાલ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહી આવતા મુલાકાતીઓને આ પક્ષી અભિયારણનો સુંદર નજારો જોતા જ મન મોહી લે છે. ત્યારે આ પક્ષી અભયારણ્યની ખાસિયતો અને તેના વિશે આ રસપ્રદ વાતો જાણીને તમને પણ અહી આવવાનુ મન થઈ જશે.
પક્ષીપ્રેમીઓ માટે આકર્ણનું કેન્દ્ર ગણાતુ વઢવાણા પક્ષી અભયારણ્યનો હાલનો નજારો જોઈને તમારુ મન ખૂશ થઈ જશે. એક સાથે અનેક પક્ષીઓનો કલરવ સાંભળવાનો લ્હાવો મળે છે. ડભોઈમાં આવેલ વઢવાણના તળાવ હાલ અનેક પક્ષીઓનું હુફાળુ ઘર બની ગયું છે. વઢવાણા તળાવ 135 જેટલી જાતના યાયાવર પક્ષીઓનો ‘શિયાળુ માળો’ બને છે. અહીં દર વર્ષે દેશવિદેશથી હજારો યાયાવર પક્ષીઓ આવે છે. અહી માત્ર ડિસેમ્બર મહિનામાં જ 60 હજારથી વધારે પક્ષીઓએ તળાવમાં સમય વિતાવ્યો છે.
વઢવાણા પક્ષી અભયારણ્ય હજારો પક્ષીઓનું હુંફાળું ઘર
વઢવાણા તળાવ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વઢવાણા પાસે આવેલું એક તળાવ છે જે પક્ષી અભયારણ્ય તેમજ રામસર સ્થળ પણ છે. ડભોઇ શહેરના નાંદોદી દરવાજાથી સંખેડા તરફ જતા રસ્તા પર ડાબી તરફ આ તળાવ આવેલું છે. વઢવાણા પક્ષી અભયારણ્ય 630 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ તળાવ હજારો માઈલ દૂરથી ઉડીને આવતા અવનવા પક્ષીઓનું અનેરૂ અને સુરક્ષિત ઘર કહેવામાં આવે છે. વિદેશી પક્ષીઓ માટે આ તળાવ સ્વર્ગ સમાન બનવા પામ્યું છે. અને જો તેની ખાસિયતની વાત કરવામાં આવે તો અહી 135 થી વધુ જાતિના વિવિધ પક્ષીઓની આ અલગ દુનિયા છે. જેમાં 35 થી વધારે જાતિના તો પ્રવાસી (યાયાવર) પક્ષીઓનો સમાવેશ થાય છે. અને શિયાળાનો આ સમય અહી આવતા યાયાવર પક્ષીઓ માટે શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે.
વઢવાણના તળાવનો ઈતિહાસ
જો આ વઢવાણના તળાવના ઈતિહાસની વાત કરવામાં આવે તો અંદાજે 100વર્ષ પહેલા સિંચાઈના હેતુથી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. પરંતુ અત્યારે તો, એ પ્રવાસી પક્ષીઓ અને લોકો માટે પર્યટન સ્થળ બની ગયું છે.
શિયાળાનો સમય પર્યટન માટેનો શ્રેષ્ઠ સમય
આ પક્ષી અભિયારણમાં આમ તો અનેક પક્ષીઓ રહેતા હોય છે. પરંતું હાલની સિઝનમાં વિદેશી પક્ષીઓનો પણ જમાવળો અહી જોવા મળતો હોય છે. અહી યાયાવર પક્ષીઓની કરતબો પર્યટકોનું મનલોહી છે. સાથે જ અહી પર્યટકોને પ્રકૃતિનો સુદર નજારો પણ જોવાનો લ્હાવો મળે છે. શિયાળાનો આ સમય અહીનો નજારો જોવાનો શ્રેષ્ઠ સમય ગણાય છે. શિયાળામાં એટલે કે નવેમ્બરથી માંડીને ફેબ્રુઆરી કે માર્ચ સુધી અહીં યાયાવર તેમજ સ્થાનિક પક્ષીઓનો મેળાવડો જામે છે. બહુ બધી જાતિઓના પક્ષીઓની અહીં શિયાળો વિતાવવા આવતા હોય છે. જેમાં લાલ આંખ કારચિયા, સફેદ સુરખાબ, નાનો કલકલિયો, મોટો હંજ, નાની ડૂબકી, લુહાર સહિતના પક્ષીઓ અહી જોવા મળતા હોય છે. હિમાલયનાં માનસરોવરથી રાજહંસોનું ટોળું, હિમાલયનાં સો-મોરીરીથી ભગવી સુરખાબ, આફ્રિકા અને સિંધ પ્રાંતમાંથી હંસોનું ટોળું, મધ્ય એશિયાનાં વિસ્તારોમાંથી ગુલાબી પેણ, સિંધ પ્રાંતમાંથી શિકારી પક્ષીઓ પણ અહીં આવતા હોય છે. આમ તો, અહીં પક્ષીઓની વિવિધતા અને સુંદરતા માણવા તેમજ અભ્યાસ કરવાનો શ્રેષ્ઠ સમય વહેલી સવારનો છે. આમ છતાં સાંજે પાંચ વાગ્યા સુધી પક્ષી દર્શન થતા રહે છે. માત્ર ડિસેમ્બર મહિનામાં જ 60 હજારથી વધારે પક્ષીઓએ અહી સમય વિતાવ્યો છે, તેના પરથી જ તેની વિવિધતા, જટિલતા અને સુંદરતાનો ખ્યાલ આવી જાય છે.
નયનરમ્ય પક્ષીઓનો અનોખો મેળાવડો
અહીના વિસ્તારની વાત કરીએ તો અહી અત્યાધુનિક ભૌતિક સુવિધા અને ગેસ્ટ હાઉસથી સજ્જ એવા વન વિભાગનો બાંધકામવાળો વિસ્તાર આવે છે. સાથે જ અહીં તમને વન વિભાગનો સ્ટાફ પણ મળે છે, જે તમને સંપૂર્ણ માર્ગદર્શન આપે છે. અહી તમને અદભૂત અને અવનવા પક્ષી દર્શનનો લાભ મળશે. અહી રેડ ક્રેસ્ટેડ પોચાર્ડ, બાર હેડેડ ગીઝ, હેરિયર્સ, હવામાં કરતબો કરતું બ્લુ ટેઇલ્ડ બી ઇટર, પાણીમાં શિકાર કરતી લિટલ ગ્રેબ, તળાવ વચ્ચે લાકડાં પર બેસેલું સ્નેકબર્ડ ડાર્ટર, બોઇંગ વિમાનની જેમ પાણી પર ઉતરાણ કરતાં પેલિકન્સ, પાણીમાં ચાંચ ડૂબાડીને કોઈ તરતી સ્ટીમર માફક ટોળામાં ખોરાક શોધતા ફ્લેમિન્ગોઝ, ઊંચે આકાશમાંથી પાણીમાં છલાંગ લગાવીને એક જ ઝાટકે માછલી પકડીને ઊડતું ઓસ્પ્રે, સફેદ રૂ જેવું મુલાયમ કોટન પીગ્મી ગૂઝ, ઊડતાંવેંત જ સિસોટી મારતું લેસર વ્હીસલિંગ ડક સહિતના વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ શિયાળો ગાળવા આવે છે. જેથી અહી નયનરમ્ય પક્ષીઓનો અનોખો મેળાવડો જોવા મળે છે.
પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
અહીં આવતા વિદેશી મહેમાનોથી માહિતગાર થવાની સાથે વન્યસૃષ્ટિ અને પ્રકૃતિ પ્રત્યે સંવેદના આપોઆપ જાગી જશે.અહીં ત્રણ વોચ ટાવર પણ છે, જેના પરથી પાણીમાં દૂર સુધી મહાલતાં પક્ષીઓની કરતબને શાંતિથી નિહાળી શકાય છે. અહીં આવતા પર્યટકો માટે રહેવાની અને જમવાની પણ સુંદર વ્યવસ્થા છે, અહી સપ્તાહના અંતના દિવસોમાં એટલે કે શનિ-રવિમાં સુરત, અમદાવાદ જેવા મોટા મોટા શહેરોમાંથી પણ લોકો ઉમટે છે. દેશી-વિદેશી પક્ષીઓનો નજારો માણવો અવિસ્મરણીય અનુભવ હોવાથી આ તળાવ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ પણ વાંચો : ગીર જંગલમાં શિકારીઓ પકડાતા રૂ. 30,000 નો દંડ વસુલ કરાયો