ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : દાંતા તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગુલ્લી,વિદ્યાર્થીઓ જાતે ભણવા મજબુર

Text To Speech
  • બાળકો જાતે જ અભ્યાસ કરી રહ્યા છે
  • વિડીયો વાયરલ થતા તંત્ર આવ્યું હરકતમાં

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષકો ફરજમાં ગુલ્લી મારી રહ્યા છે. પરિણામે બાળકોના અભ્યાસ ઉપર માઠી અસર થઈ રહી છે. આવો જ એક વિડીયો ધામણવા ની પ્રાથમિક શાળાનો સામે આવ્યો છે. આ શાળામાં એક શિક્ષક રજા ઉપર હતા. જ્યારે બીજા શિક્ષક બપોરે 1:30 વાગ્યા સુધી પણ શાળામાં પહોંચ્યા ન હતા. ત્યારે ગામના એક નાગરિકે શાળામાં જઈને શિક્ષક અંગે બાળકોને પૂછ્યું હતું. જેમાં બાળકોને આજે કઈ તારીખ છે? કેટલા વાગ્યા છે? શિક્ષક આવ્યા નથી તો તમે કેવી રીતે ભણો છો ? તેવા સંવાદ આ વીડિયોમાં સાંભળવા મળે છે. જેમાં બાળકોએ શિક્ષક ના આવતા જાતે જ અભ્યાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

 

આમ દાંતા વિસ્તારની આવી કેટલી શાળાઓમાં શિક્ષકો અભ્યાસ કરાવવા માટે નહિ જતા હોય ? તે પ્રશ્ન છે. જેને લઈને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સરપ્રાઈઝ ચેકિંગ કરીને તપાસ કરવાની જરૂર છે. ભૂતકાળમાં પણ આવા જ ગુલ્લીબાગ શિક્ષકો ઝડપાયા હતા. જેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાની ધામણવા પ્રાથમિક શાળાના વાયરલ થયેલા વીડિયોને લઈને હવે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

અગાઉ નશામાં શિક્ષક ઝડપાયો હતો

બનાસકાંઠાની દાંતા તાલુકાની પ્રાથમિક શાળામાં એક શિક્ષક ચાલુ શાળાએ ખુરશીમાં નશો કરેલી અવસ્થામાં ડોલી રહ્યો હતો. તેનો વિડીયો પણ વાયરલ થયો હતો. જેને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરાયા બાદ સસ્પેન્ડ કરી દીધો હતો. ત્યારે દાંતાની પ્રાથમિક શાળામાં પોલ મારતા આવા શિક્ષકો સામે હવે શિક્ષણ વિભાગે કડક હાથે કામગીરી કરવાની જરૂર છે, તેવું ગામના વાલીઓ પણ કહી રહ્યા છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : દારૂ પીને ખુરશીમાં ડોલતા દાંતાનો શિક્ષક કરાયો સસ્પેન્ડ

Back to top button