સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે.રાજેશના ભ્રષ્ટાચાર પ્રકરણમાં CBI દ્વારા કેટલીક જમીનોનું રેકોર્ડ ઉથલાવાયું
સુરેન્દ્રનગરઃ શહેરના પૂર્વ કલેકટર કે.રાજેશના ભ્રષ્ટાચારના કેસમાં તપાસનો રેલો હવે રાજકોટ સુધી પહોંચી જવા પામ્યો છે. સીબીઆઇના ઉચ્ચ અધિકારીઓની ટીમે આ પ્રકરણમાં કેટલાક જમીનના રેકોર્ડની તપાસણી કરી એક અધિકારીનું નિવેદન લીધાનું જાણવા મળ્યું છે. કહેવાય છે કે, ચોટીલા તાલુકાની બોર્ડર પરના નવાગામ, બામણબોર, ગારીડા, ગુંગાળા, જીવાપર સહિતના ગામો અગાઉ રાજકોટ જિલ્લામાં સમાવેશ કરવામાં આવેલા હતા.
આ ગામોની કેટલીક સરકારી જમીન ખાનગી ઠેરવી દેવામાં આવી છે. જેના કેસ હજુ ચાલી રહ્યાં છે. જમીન કૌભાંડમાં આ પૂર્વ કલેકટર કે.રાજેશની સંડોવણીની ઉઠેલી ફરીયાદના પગલે સીબીઆઇના ઉચ્ચ અધિકારીઓની ટીમે તપાસનો રેલો રાજકોટ સુધી લંબાવી કેટલીક જમીનોના રેકર્ડની તપાસણી કરી એક અધિકારીનું નિવેદન લીધુ છે. સીબીઆઇની આ તપાસ અધિકારીઓના ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ પ્રકરણમાં આગામી ટુંક સમયમાં જ મોટા કડાકા ભડાકા થવાના એંધાણ મળી રહ્યા છે.