ડીસામાં મુખ્ય માર્ગોનું રૂ.4 કરોડના ખર્ચે નવીનીકરણ કરાતા વાહનચાલકોને રાહત
પાલનપુર: ડીસા શહેરમાં ઘણા સમયથી તૂટી ગયેલા મુખ્ય રસ્તાઓનું નગરપાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવતા લોકોને રાહત થવા પામી છે. નગરપાલિકા દ્વારા રૂપિયા ચાર કરોડના ખર્ચે મુખ્ય રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.
ડીસા શહેરમાં મુખ્ય માર્ગ ગણાતા જલારામ મંદિરથી બગીચા રોડ, બગીચાથી ફુવારા રોડ, એસ.સી.ડબ્લ્યુ. હાઇસ્કુલ રોડ ,જીઆઇડીસી માં આવેલો મુખ્ય રોડ સહિતના રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી તૂટી ગયા હતા. ત્યારે નગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળી ઉપર રસ્તાનું મરામત કરાવતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે તો દિવાળી પર પણ કોઈ પ્રકારના રસ્તાનું સમારકામ કરાયું ન હતું.
જેથી લોકોને તેમજ વાહન ચાલકોને ખૂબ જ અગવડ પડી રહી હતી. તેમજ મુખ્ય રસ્તાઓ નવેસરથી બનાવવામાં આવે તેવી અનેક કોર્પોરેટરોએ નગરપાલિકા થી લઈ છેક ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી. ત્યારે હવે નગરપાલિકા દ્વારા ₹4 કરોડના ખર્ચે મુખ્ય માર્ગોનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેરનો મુખ્ય ગણાતો જલારામ મંદિરથી બગીચાનો રસ્તો નવો બનવી સમગ્ર રસ્તાનું નવીનીકરણ કરી રિસર્ફેસિંગ કરાતા પ્રજાને ખૂબ જ રાહત થઈ છે. આ સિવાય છેલ્લા ઘણા સમયથી જીઆઇડીસી નો મુખ્ય રસ્તો તૂટેલો હતો, જેને પણ નગરપાલિકા દ્વારા સંપૂર્ણ રીતે નવો બનાવવામાં આવ્યો છે.