ટોપ ન્યૂઝનેશનલ

હથિયાર પર ઘેરાયેલા સાંસદ પ્રજ્ઞાના સમર્થનમાં શિવરાજના મંત્રી, કહ્યું- દેવી-દેવતાઓ પણ હથિયાર રાખે જ છે

Text To Speech

ભોપાલઃ મધ્યપ્રદેશની શિવરાજ સરકારના મંત્રી ઉષા ઠાકુરે ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરના વિવાદિત નિવેદન પર સમર્થન આપ્યું છે. ઘરમાં હથિયાર રાખવાની સલાહ આપીને ચારેબાજુથી ઘેરાયેલી પ્રજ્ઞાના સમર્થનમાં ઉષા ઠાકુરે દલીલ આપી છે કે દેવી-દેવતાઓ પણ હથિયાર રાખતા હતા. તેમણે કહ્યું કે આત્મરક્ષા માટે હથિયાર રાખવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ.

આત્મરક્ષા માટે હથિયાર રાખવા સારી વાત
ઉષા ઠાકુરને જ્યારે પત્રકારોએ પ્રજ્ઞાસિંહ ઠાકુરના નિવેદન પર ચાલી રહેલા વિવાદને સવાલ કર્યો તો તેમણે કહ્યું- આ મુદ્દાને આત્મરક્ષાની દ્રષ્ટીએ લેવો જોઈએ અને તેમાં ખોટું શું છે? ભારતીય સનાતન પરંપરામાં આપણાં એકપણ દેવી-દેવતા એવા નથી કે તેમની પાસે હથિયાર ન હોય. અનંતકાળથી આપણાં વેદ પુરાણ જણાવે છે કે આત્મરક્ષા માટે હથિયાર રાખવા સારી વાત છે.

હિન્દુઓ આત્મરક્ષા માટે ઘરમાં જ ધારદાર ચાકૂ રાખે
મહત્વપૂર્ણ છે કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કર્ણાટકમાં એક કાર્યક્રમ દરમિયાન હિન્દુઓને હથિયાર રાખવાની સલાહ આપી હતી જે બાદ હોબાળો થઈ ગયો હતો. પ્રજ્ઞાએ કહ્યું- “સંન્યાસી કહે છે કે ઈશ્વર દ્વારા બનાવવામાં આવેલી આ દુનિયામાં તમામ અત્યાચારીઓ અને પાપીઓનો અંત કરો, નહીંતર પ્રેમની સાચી પરિભાષા અહીં નહીં વધે. તો લવ જિહાદમાં સામેલ લોકોને તેમની જ ભાષામાં જવાબ આપો. તમારી દીકરીની રક્ષા કરો તેમને યોગ્ય મૂલ્ય શિખવાડો.” તેમણે શિવમોગાના હર્ષા સહિત હિન્દુ કાર્યકર્તાઓની હત્યાની ઘટના તરફ ઈશારો કરતા કહ્યું કે હિન્દુઓ આત્મરક્ષા માટે પોતાના ઘરમાં ધારદાર ચાકૂ રાખે.

કોર્ટ જવાની તૈયારીમાં કોંગ્રેસ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ભાજપના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરના હાલના નિવેદનને સ્પષ્ટ રીતે હેટ સ્પીચનો મામલો ગણાવ્યો છે. મંગળવારે જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ આ મુદ્દે પ્રજ્ઞા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. તેમણે કહ્યું- પ્રજ્ઞા ઠાકુરે જે કહ્યું તે સ્પષ્ટ રીતે હેટ સ્પીચનો મામલો છે. હું તેના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ જઈશ. આ પહેલા રમેશે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ટિપ્પણીને લઈને ટ્વીટ કરી- “હેટ સ્પીચનો સ્પષ્ટ મામલો છે. તેમના વિરૂદ્ધ કેસ ચાલવો જોઈએ.” આ પહેલાં કોંગ્રેસના નેતા તહસીન પૂનાવાલાએ શિવમોગામાં પ્રજ્ઞા ઠાકુર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.

Back to top button