ફૂડ

શિયાળામાં રોજિંદી તુવેરદાળને આપો નવો ટવીસ્ટ, ભાત સાથે માણો સ્વાદ

Text To Speech

શિયાળો એટલે ભરપૂર લીલા શાકભાજી ખાવાની મોસમ. અને આ લીલા શાકભાજીમાંનું એક એટલે લીલું લસણ. આપણે સૌને ખબર છે જ કે, લીલા શાકભાજીમાંથી આપણને મોટા પ્રમાણમાં વિટામિન, મિનરલ્સ, આર્યન અને બીજા ઘણા પોષક ત્તત્વો મળી રહે છે. આથી મોટાભાગના ગુજરાતી ઘરોમાં લીલા લસણની ચટણી તો બનતી જ હોય છે. સાથે-સાથે જ્યાં પણ લસણનો ઉપયોગ કરવાનો હોય ત્યાં લીલા લસણનો ઉપયોગ આપણે કરતા જ હોઈએ છીએ. પરંતુ આ જ લસણમાંથી તમે સ્પેશિયલ ચટાકેદાર દાળ પણ બનાવી શકો છો. બસ તો નોંધી લો રેસિપી અને ત્યાર બાદ ટ્રાય કરો તમારા રસોડે.

સામગ્રી : 1 કપ તુવેર દાળ, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 કપ ઝીણું સમારેલું લીલું લસણ, 1/2 ટીસ્પૂન જીરૂં, 2 નંગ સૂકાં લાલ મરચાં, 1/2 ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ, 1/4 ટીસ્પૂન હિંગ, 1/4 કપ ઝીણા સમારેલા ટામેટાં, 2 ટેબલસ્પૂન તેલ, મીઠું સ્વાદાનુસાર, કોથમીર.

બનાવવાની રીત : સૌપ્રથમ દાળને ધોઈને સાફ કરીને અડધો કલાક માટે પલાળી દો. ત્યાર બાદ તેમાં હળદર, મીઠું અને ત્રણ કપ પાણી ઉમેરીને બાફી લો. દાળ બફાઈ જાય અને કૂકર ઠંડુ પડવા દો. આ પછી તેને બરાબર વલોવી લો. હવે એક નોનસ્ટિક કડાઈ અથવા તો તપેલીમાં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં લાલ મરચાં, આદું-લસણની પેસ્ટ, હિંગ અને લીલું લસણ ઉમેરીને બરાબર મિક્સ કરીને સાંતળો. બેથી ત્રણ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં ટામેટા ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરી લો. ટામેટા ચઢી જાય અને તેમાંથી તેલ છૂટે એટલે ગ્રેવીમાં બાફેલી દાળ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. સાથે અડધા કપ જેટલું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો. દાળ બરાબર ઉકળી જાય એટલે તેને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો. આ દાળને તમે પરોઠા અને ભાત સાથે પણ પીરસી શકો છો. શિયાળામાં આ ગરમાગરમ દાળ તમને અલગ જ મજા આપશે.

Back to top button