ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ગુજરાતનાં 86 કલા-વારસા સંવર્ધકોને “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – 2022” કરાયો એનાયત

  • ડીસાના કવિ જીમને પણ એવોર્ડ એનાયત કરાયો

પાલનપુર : હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ – 2022” જાહેર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ,પર્યાવરણ અને જળ સરંક્ષણ, પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે), લેખન અને પ્રકાશન, હેરીટેજ પ્રવાસન આ પાંચ ક્ષેત્રમાં સારી કામગીરી, ફરજ નિભાવી રહેલ અને ઓછા પ્રચલિત હોય તેવા વ્યક્તિ, સંસ્થા, સમુદાયને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ ગત ૨૫ ડિસેમ્બરનાં રોજ IITE, ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત વિષયનાં જ તજજ્ઞો દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જેમાં જાણીતા સામાજિક કાર્યકર્તા અનારબેન પટેલ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે જાણીતા લેખક અને ચિંતક કિશોર મકવાણા, ગુજરાત સાહિત્ય અકાદમીનાં મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, રોયલ પરિવારમાંથી અને હેરિટેજ પ્રવાસન સમિતીનાં સક્રિય સભ્ય પુંજાબાપુ વાળા, જાણીતા પર્યાવરણવિદ્દ મનીષ વૈદ્ય અને સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી કપિલ ઠાકર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો શુભારંભ વંદે માતરમનાં સંપૂર્ણ ગાન બાદ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ પ્રારંભ થયો હતો. સૌપ્રથમ ગુજરાતભરમાંથી આવેલ કર્મવીરોને ધ્યાનમાં રાખી “જય જય ગરવી ગુજરાત” ગાનથી સમગ્ર હોલ ગુંજી ઉઠયો હતો. પછીથી જિલ્લાવાર એવોર્ડ વિતરણની વિધિ ચાલુ રાખવામાં આવી હતી અને વચ્ચે વચ્ચે મહાનુભાવો તથા એવોર્ડ લેનાર એવોર્ડ લેનાર નું વ્યક્તવ્ય ચાલુ રખાયું હતું. આ ઉપરાંત આ કાર્યક્રમ દરમ્યાન ટીમ અતુલ્ય વારસો દ્વારા ગુજરાતનાં સૌ નામાંકિત અને હેરિટેજ પ્રેમીઓની ઉપસ્થિતિમાં એક નવા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેનું નામ છે ‘વાત વતનની’, રાજ્યમાં, રાજ્ય બહાર અને દેશ બહાર વસવાટ કરતા વતનના લોકો દ્વારા વતનનાં વારસાને ઉજાગર કરવા માટેનો એક પ્રયાસ આ અભિયાન દ્વારા અમલી મુકવાનું નક્કી કરવામાં આવ્યું. જે થકી વધુને વધુ ગુજરાતીઓને જોડવાની બાબતો માર્ગદર્શન આપવામાં આવ્યું. મુખ્ય મહેમાન અનારબેન પટેલએ સમગ્ર કાર્યક્રમને વધાવી લેતા જણાવ્યું હતું કે સતત રાજ્યને આપણી કલા શક્તિ દ્વારા નવું પ્રદાન કરીએ એ અતિ આવશ્યક બાબત છે જે આપ સૌ થકી સત્વરે પાર પાડી શકાશે.

અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ - 2022 -humdekhengenews

કાર્યક્રમના આયોજક કપિલ ઠાકરએ જણાવ્યું હતું કે આ એક શુભ શરૂઆત છે. હજુ સાથે મળીને એકબીજાના સહયોગથી સ્થાનિક વારસો ઉજાગર થાય, ગુજરાત હેરિટેજ અને પ્રવાસન ક્ષેત્રે આપસૌના સહયોગ થકી આગળ વધે અને કલાની યોગ્ય કદર થાય અને તેનું યોગ્ય વળતર મળી રહે એ માટે સંયુક્ત પ્રયાસોમાં આગળ વધીશું. આગામી સમયમાં કલા-વારસા ક્ષેત્રે કાર્યરત નાના બાળકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ અતુલ્ય વારસો સંસ્થા દ્વારા માર્ચ માસમાં જાહેર કરવામાં આવશે જે થકી કલા, લેખન, ચિત્ર, નૃત્ય, અભિયાન જેવા ક્ષેત્રે કાર્યરત અને સક્રિય બાળકોને વધાવામાં આવશે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસાના માલગઢ ગામના કવિ જીમ ને પણ એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : પ્રમુખ સ્વામી મહારાજે હાર્ટ એટેક અને બાયપાસ સર્જરી કરાવવા છતાં લોકસેવાનું વિચરણ રાખ્યું હતું શરૂ

Back to top button