બનાસકાંઠા બોર્ડર પરથી ઘૂસણખોરી કરતો પાકિસ્તાની યુવક ઝડપાયો
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાની ભારત -પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પરથી બીએસએફ દ્વારા ઘૂસણખોરી કરતા એક પાકિસ્તાની નાગરિકને ઝડપી લેવામાં આવ્યો છે. જેને હાલ પોલીસને સોંપવામાં આવ્યો છે. જ્યાં તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
બીએસએફની સતર્કતાથી ઝડપાયેલા યુવકની પૂછપરછ શરૂ
બોર્ડર સિક્યુરિટી ફોર્સ ના સૂત્રોએ જણાવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાની નડાબેટ બોર્ડર પર વાયર ફેન્સીંગ કરાયેલું છે. જ્યાંથી પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસણખોરી કરી રહેલા એક યુવકને બીએસએફની સતર્કતાથી ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન 30 વર્ષનો આ યુવક પાકિસ્તાનના નગરપારકર વિસ્તારના પૂનવા ગામનો હોવાનો અને તેનું નામ મગન બોરો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પાકિસ્તાની આ યુવકને સુઈગામ પોલીસને સોંપવામાં આવ્યો છે.
જ્યાં દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે. આ યુવક કઈ રીતે ભારતમાં ઘૂસ્યો ? શા માટે સીમા ઓળંગી અને શું આશયથી સરહદ પાર કરી? સહિતના અનેક પ્રશ્નોની પૂછપરછ હાથ ધરવામાં આવે તેવી સંભાવના છે. હાલમાં આ યુવકને સુઈગામ પોલીસ મથકમાં રાખવામાં આવેલો છે.
આ પણ વાંચો :પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ : વિચરણ સ્મૃતિદિનમાં શું હશે વિશેષ