રાજકોટમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, અંગ્રેજી દારૂ અને શંકાસ્પદ કેમિકલ કબ્જે
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ જિલ્લાના નવાગામ ખાતે દરોડો પાડી વિદેશી દારૂની 150 પેટી કબ્જે કરી બે શખ્સોની અટકાયત કરી છે. રાજકોટની ભાગોળે નવાગામમાંથી દારૂનું આખે આખુ ગોડાઉન પકડાતા ખળભળાટ સર્જાયો છે. આ સાથે ગોડાઉનમાં કેમિકલ જથ્થો પણ મળી આવતા હાલ FSLની મદદ લઇ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કેમિકલમાંથી જ દારૂ બનાવવામાં આવતો હોવાની શંકા
આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલના PI ખાંટના જણાવ્યા મુજબ હાલ નવાગામ ખાતે ગોડાઉનમાં કેટલો દારૂનો જથ્થો છે તે અંગે ગણતરી ચાલુ છે. સાથે જ કેટલીક કેમિકલની બોટલો પણ મળી આવી છે જે શું છે તે ચકાસવા માટે FSLની મદદ લેવામાં આવી છે. પ્લાસ્ટિકની બોટલમાં અલગ અલગ બ્રાન્ડનો દારૂ છે ત્યારે આ દારૂ અહીંયા જ બનાવી વહેંચવામાં આવતો હોય તેવી પણ શક્યતા રહેલી છે માટે એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. છેલ્લા ત્રણેક દિવસથી ચોકકસ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ નવાગામ સ્થિત દારૂના આ ગોડાઉન પર વોચ રાખી રહયા હતા અને બાતમી પાકી હોવાના સંકેત મળતાની સાથે જ આજે દરોડો પાડવામાં આવ્યો હતો.
બેટરીના પાણી માટે રાખ્યું હતું ગોડાઉન
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આજે સવારે નવાગામના નજીક એક ગોડાઉનમાં દરોડો પાડયો હતો જેમાં આખું ગોડાઉન દારૂથી ભરાયેલું હોવાનું સામે આવ્યું છે. મોટા હડમતીયા ગામના વતની રોહિત વોરા અને હસમુખ સાકરીયા ગોડાઉન માલિક છે. તેઓએ બેટરીના પાણી માટે ગોડાઉન રાખ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.