ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

કાલે આટકોટમાં PM મોદીની જાહેરસભા : ભાજપ અને સૌરાષ્ટ્રવાસીઓમાં ઉત્સાહ

Text To Speech

રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે સવારે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ (ઉદ્ઘાટન) કરવા આવી રહ્યા છે. સંભવત: ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાંથી સીધા જ રાજકોટ એરપોર્ટ ઉપર વડાપ્રધાન વાયુદળના ખાસ વિમાનમાં આવ્યા બાદ રાજકોટ એરપોર્ટથી હેલિકોપ્ટરમાં બેસી આટકોટ જશે જ્યાં આટકોટ ખાતે ઉભા કરવામાં આવેલા હેલિપેડમાં હેલિકોપ્ટર ઉતરશે બાદમાં સીધા જ કારમાં હોસ્પિટલ ખાતે પહોંચશે. ઉદ્ઘાટન બાદ સીધા સભા સ્થળે વડાપ્રધાન પહોંચશે. વિશાળ જનમેદનીને 11 કલાકે સંબોધન કરશે. ત્યારે તેમના આગમનને લઈ ભાજપના આગેવાનો, કાર્યકરો અને નેતાઓ ઉપરાંત સૌરાષ્ટ્રવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભાવનગર તરફ જતા વાહનો સરધારથી ડાઇવર્ટ કરાશેઃ દરમિયાન વડાપ્રધાનનાં આગમનને ધ્યાનમાં રાખી સુરક્ષાની દ્રષ્ટિએ ગોંડલથી ભાવનગર તરફ જતા માલવાહક વાહનો, ભારે વાહનો, કોમર્શિયલ વાહનો, ખાનગી ટ્રાવેલ્સની બસ (એસટી સિવાય) ગોંડલથી ડાયવર્ટ કરાશે તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ઉપરોકત જાહેરનામાનો અમલ તા. 28ના રોજ સવારે 6 કલાકથી બપોરના ત્રણ કલાક સુધી રહેશે. રાજકોટ એસપી (ગ્રામ્ય)ના દરખાસ્તના આધારે ટ્રાફિક ડાઇવર્ટ અંગેનું જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર અરૂણ મહેશ બાબુએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. એસટી બસ સિવાયના તમામ હેવી અને ખાનગી વાહનોને ડાઇવર્ટ કરાશે. વડાપ્રધાનનાં કાર્યક્રમના સ્થળે વિશાળ જનમેદની એકત્ર થવાની હોવાથી ટ્રાફિકને ધ્યાનમાં રાખી રાજકોટથી ભાવનગર તરફ જતા માલવાહક વાહનો, ભારે વાહનો, કોમર્શિયલ, ખાનગી ટ્રાવેલ્સ બસ સહિતના વાહનોને સરધારથી ડાઇવર્ટ કરાશે.

કાર્યક્રમની તડામાર તૈયારીઓનું નિરીક્ષણ કરતા અધિકારીઓઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આટકોટ ખાતેના કાર્યક્રમની તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ કાર્યક્રમના સુચારૃ આયોજન, સુરક્ષા અને સલામતી માટે સભા સ્થળની મુલાકાત સાંસદ મોહન કુંડારીયા, પુર્વ મંત્રી સૌરભ પટેલ, પૂર્વ ધારાસભ્ય અને આટકોટની કે.ડી.પી હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી ભરત બોઘરા, રેન્જ આઇજી સંદિપસિંહ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button