રાજકોટમાં મધરાતે રખડતાં ઢોરે કોંગ્રેસના યુવાનેતાને ઉલાળ્યા : પગમાં થયું ફ્રેક્ચર
રાજકોટ: રાજકોટમાં રખડતાં ઢોરના ત્રાસના કારણે મેયરના વોર્ડમાં એક નાગરિકે જીવ ગુમાવ્યા બાદ રૈયા વિસ્તારમાં બે વૃધ્ધાને હડફેટે લીધાની ઘટના બની હતી. આ પછી, મહાનગરપાલિકા દ્વારા શહેરના ગણ્યાંગાંઠ્યા અને નક્કી કરેલા વિસ્તારોમાં જ ઢોર પકડ ઝુંબેશ ચાલું કરવામાં આવી હતી. આ પછી અચાનક આ ઝુંબેશ બંધ કરી દેવાતાં ફરી રખડતાં ઢોરનો ત્રાસ વધી ગયો છે. અને શહેરીજનોને હડફેટે લઇ રહ્યા છે. આવી જ એક ઘટનામાં કોગ્રેસના યુવાનેતા તૃષિત પાણેરી પણ રખડતાં ઢોરનો ભોગ બન્યા હતા. જેમાં તેઓને ફ્રેક્ચર થતાં હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
આ અંગેની વિગત મુજબ કોંગ્રેસના યુવા નેતા તૃષિત પાણેરી બે દિવસ પહેલા રાત્રે બાર વાગે બાઇક પર યુનિવર્સિટી રોડ પર પંચાયતનગરમાં પોતાને ઘેર જઇ રહ્યા હતા ત્યારે, તેમના ઘર નજીક એક ગાય અને એક કુતરૂં બાખડતાં હતા. આ દરમિયાન કુતરૂં તેમના બાઇક સાથે અથડાયું હતું. અને, તેઓએ બાઇક પરથી બેલેન્સ ગુમાવતાં રોડ પર પડી ગયા હતા અને રસ્તા પર ઢસડાયા હતા. આ બનાવમાં તેઓને પગમાં ઇજા થઇ હતીે. આથી તેઓએ સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તેઓને પગમાં ફ્રેક્ચર થયાનું નિદાન થયું હતું અને પ્લાસ્ટર પણ આવ્યું હતું.
સત્તાવાળાના બધા વાયદા પોકળ: ઉલ્લેખનીય બાબત એ છે કે, રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવ રસ્તા ઉપર રઝળતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયા છે. તેની સામે રાજકોટમાં દિન-પ્રતિદિન રસ્તે રઝળતા પશુના કારણે લોકો ભોગ બની રહ્યા છે.